રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે રાણી પોતે સદાચારી છે; તટસ્થતાથી શાસન કરે છે; ભેદભાવ વિના નિર્ણય કરે છે; ગુનેગારને ક્ષમા નહિ અને નિરપરાધીને સજા નહિ આ સિદ્ધાંતના વાસ્તવિક અમલ દ્વારા રાજ્યશાસન ચલાવે છે; પ્રજાનું રક્ષણ કરે છે અને નબળાઓને રાહત આપે છે એવો તેનો પ્રજા પ્રત્યેનો વ્યવહાર છે તે બળપૂર્વક નહિ, પરંતુ પ્રજાના પ્રેમ અને આદરને પાત્ર છે; તે દ્રવ્ય, ધન કે સત્તાનો લોભી નહિ પરંતુ કલ્યાણકારી છે આવી ઘણી ધારણાઓ પર તેનું અસ્તિત્વ અવલંબે છે. આ બધી ધારણાઓના મૂળમાં ‘રાજા કદી પણ ખોટું કામ કરશે નહિ’ (‘The king can do no wrong’) આવી શ્રદ્ધા પર તે પ્રજાનો વિશ્ર્વાસ સંપાદન કરે છે; એટલું જ નહિ, પરંતુ યુરોપમાં મધ્યયુગમાં એવી માન્યતા પ્રચલિત હતી કે રાજા એ પૃથ્વી પર ઈશ્વરનો દૂત હોય છે અને તેથી તેને પ્રાપ્ત થયેલ સત્તા ઈશ્વરીય અંશ ધરાવતી હોવાથી તેની આજ્ઞાનું પાલન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે.
રાજાશાહીનો અત્યાર સુધીનો ઇતિહાસ બતાવે છે કે રાજા કે રાણીની વરણી ત્રણ રીતે થતી હોય છે : (1) વંશપરંપરાગત રાજાશાહી. ઇંગ્લૅન્ડ અને નેપાળની રાજાશાહી તેના આધુનિક દાખલા છે. આ પ્રથામાં રાજા કે રાણીનું મૃત્યુ થાય અથવા જે રાજા કે રાણી ગાદી પર હોય તે સ્વેચ્છાથી સત્તાનો ત્યાગ કરે તો તેના સ્થાને તેના વારસને ગાદી પર બેસાડવામાં આવે છે. (2) સેનાપતિ કે લશ્કરનો કોઈ અન્ય હોદ્દેદાર લશ્કરી બળવો કરે અને રાજ્યની સત્તા પોતાને હસ્તક લે. ઍલેક્ઝાંડરે આ રીતે જ રાજ્યની સત્તા પ્રાપ્ત કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય અને મુઘલ સમ્રાટ બાબરે પણ આ રીતે પોતાનું શાસન દાખલ કર્યું હતું. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીએ પોતાનું સામ્રાજ્ય આ રીતે જ ઊભું કર્યું હતું. (3) ચૂંટણી દ્વારા રાજાની પસંદગી; દા.ત., પવિત્ર રોમન સામ્રાજ્યના સમ્રાટની વરણી ચૂંટણી દ્વારા થતી હતી; પરંતુ આ ત્રણેય પ્રકારની રાજાશાહીમાં સમયાંતરે વંશપરંપરાગત પ્રથા દાખલ થઈ છે.
મોટાભાગના કિસ્સાઓમાં રાજાશાહીમાં રાજ્યના સર્વાધિકાર એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થયેલા હોય છે એટલે કે રાજા સત્તાના અમલની બાબતમાં સરમુખત્યાર બનતો હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં સત્તાનો ઉપયોગ કરતી વેળાએ રાજા કે રાણી ઉદાર મત ધરાવી વ્યવહારમાં પોતાની એકહથ્થુ સત્તામાં અન્ય ભાગીદારી સ્વેચ્છાથી સ્વીકારે છે. જર્મન સમ્રાટ ફ્રેડરિક ધ ગ્રેટ અને રશિયાની રાણી કૅથરિન ધ ગ્રેટ આવી રાજાશાહીના નમૂના ગણી શકાય.
વીસમી સદીમાં વિશ્વના ઘણા દેશોમાં રાજાશાહી શાસનવ્યવસ્થાનો અંત આવ્યો છે; દા.ત., પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી રશિયા, જર્મની, ઑસ્ટ્રિયા અને હંગેરીમાં રાજાશાહી પ્રથા નાબૂદ થઈ છે. તેવી જ રીતે બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી યુરોપના અન્ય ઘણા દેશોમાં તે નાબૂદ કરવામાં આવી છે. યુરોપના જે કેટલાક દેશોમાં રાજાશાહી પ્રથા ચાલુ રાખવામાં આવી છે તે દેશોમાં રાજા કે રાણી નામની જ સત્તા ધરાવતાં હોય છે. ઇંગ્લૅન્ડ, ડેન્માર્ક, નૉર્વે, સ્વીડન અને બેલ્જિયમ એ તેના દાખલા છે. એશિયામાં જાપાનના હાલના સમ્રાટ પણ નામની જ સત્તા ધરાવે છે.
મધ્ય એશિયાના ઘણા દેશોમાં લશ્કરે કરેલા લોહિયાળ બળવાથી રાજાશાહીનો અંત લાવવામાં આવ્યો છે. ઇજિપ્ત, ઇરાક, ઈરાન, સીરિયા તેના દાખલા છે. અફઘાનિસ્તાનમાં પણ રાજાશાહીનો અંત આ રીતે જ લાવવામાં આવ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે