રાજા હરિશ્ચંદ્ર

January, 2003

રાજા હરિશ્ચંદ્ર : ભારતનું પ્રથમ કથાચિત્ર. નિર્માણ-વર્ષ : 1913. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક-પટકથા : દાદાસાહેબ ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : ડી. ડી. દાબકે, પી. જી. સાને, ભાલચંદ્ર ફાળકે, જી. વી. સાને, એ. સાળુંકે, દત્તાત્રેય ક્ષીરસાગર, દત્તાત્રેય તેલંગ.

ભારતનું પ્રથમ મૂક કથાચિત્ર બનાવવાનું શ્રેય દાદાસાહેબ ફાળકે નામે પ્રસિદ્ધ થયેલા ધુંડીરાજ ગોવિંદ ફાળકેને મળ્યું છે. છબિકલા તેઓ જાણતા હતા, પણ ચલચિત્ર-નિર્માણનો કોઈ પણ જાતનો અનુભવ ન હોવા છતાં તેમણે આ સાહસ કર્યું હતું અને ભારતમાં ચલચિત્ર-નિર્માણનો પાયો નાંખ્યો હતો. ઈ. સ. 1910ના અરસામાં નાતાલના દિવસોમાં મુંબઈના સૅન્ડહર્સ્ટ રોડ પર ‘અમેરિકા ઇન્ડિયા પિક્ચર પૅલેસ’માં ‘લાઇફ ઑવ્ જીસસ ક્રાઇસ્ટ’ નામનું એક ચિત્ર ફાળકેએ જોયું હતું. ભગવાન કૃષ્ણનું જીવન આ રીતે પડદા પર રજૂ કરવાનો તેમને વિચાર આવ્યો અને અંતે તેમણે ‘રાજા હરિશ્ચંદ્ર’નું નિર્માણ કર્યું હતું. જોકે આ કામ એટલું સરળતાથી થયું નહોતું. તેમણે ચિત્ર બનાવતા પહેલાં આર્થિકથી માંડીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચલચિત્રની છબિકલા શીખવા અને કૅમેરા ખરીદવા 1912ની બીજી ફેબ્રુઆરીએ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. એ પહેલાં સિનેમા

‘રાજા હરિશ્ચંદ્ર’નું એક ભાવવાહી દૃશ્ય

અંગેનું જેટલું સાહિત્ય મળ્યું એ બધું તેમણે વાંચી લીધું. ફિલ્મી પુસ્તકોમાં ઉત્તમ ગણાતું ‘એબીસી ઑવ્ સિનેમેટૉગ્રાફી’ પણ તેમણે  વારંવાર વાંચ્યું અને એ પુસ્તકના લેખક તથા ફિલ્મનિર્માતા હેપવર્થને ઇંગ્લૅન્ડમાં મળ્યા. અંતે 1912માં વિલિયમસન કૅમેરા, ફિલ્મ ડેવલપમેન્ટ અને પ્રિન્ટિંગ માટેની સાધનસામગ્રી તથા ફિલ્મની પટ્ટીની બંને કિનારી પર જે ચોક્કસ પ્રકારનાં ચોરસ કાણાં હોય છે તે કાણાં પાડવા માટેનું પરફોરેટર મશીન લઈને તેઓ દેશમાં પાછા ફર્યા.

પત્નીના દાગીના વેચીને તથા અન્ય રીતે નાણાં ભેગાં કર્યાં. પછી તારામતીની ભૂમિકા ભજવી શકે તેવી અભિનેત્રીની શોધ શરૂ થઈ. તારામતીની ભૂમિકા માટે કોઈ મહિલા તૈયાર થાય એ માટે ફાળકેએ ખૂબ પ્રયાસો કર્યા, પણ સફળ ન થયા. ગણિકાઓ પાસે પણ તેઓ ગયા. તેમણે પણ ના પાડી. છેવટે નાટકોની પ્રચલિત પરંપરા મુજબ કોઈ પુરુષને સ્ત્રીના વેશમાં રજૂ કરવાનો તેમણે વિચાર કર્યો, અને અંતે એક હોટલમાં કામ કરતા સોહામણા યુવાન એ. સાળુંકેને તારામતીની ભૂમિકા માટે પસંદ કર્યો. રાજા હરિશ્ચંદ્રની ભૂમિકા માટે ડી. ડી. દાબકેને પસંદ કરાયા. રાજાના પુત્ર રોહિતની ભૂમિકા માટે ફાળકેએ પોતાના પુત્ર ભાલચંદ્રને તૈયાર કર્યો.

‘ફાળકે ફિલ્મ્સ’ના નેજા હેઠળ ‘રાજા હરિશ્ચંદ્ર’નું નિર્માણ શરૂ થયું ત્યારે નિર્માતા, દિગ્દર્શક, લેખક, પટકથા-લેખક, છબિકાર વગેરે તમામ પાસાં ફાળકેએ પોતે જ સંભાળ્યાં. મુંબઈના દાદર ખાતે એક કામચલાઉ સ્ટુડિયોમાં ખાસ પડદા અને સેટ લગાવીને શૂટિંગ કરાયું હતું. બનારસમાં પણ થોડું શૂટિંગ કરાયું. 1127.76 મીટર લાંબું ભારતનું આ પ્રથમ કથાચિત્ર તૈયાર થયું એટલે ઈ. સ. 1913ની 21મી એપ્રિલે ઓલિમ્પિયા પિક્ચર પૅલેસમાં ‘રાજા હરિશ્ચંદ્ર’નો એક ખાસ શો રખાયો. શહેરના અગ્રણીઓને તે જોવા આમંત્રણ અપાયાં. ચિત્ર મૂક હોવાને કારણે તેમાં નિરૂપાયેલા પ્રસંગોને હિંદી-અંગ્રેજીમાં છપાવીને પ્રેક્ષકોને અપાયા હતા. સૌએ ફાળકેના આ પ્રયાસને બિરદાવતાં ઈ.સ. 1913ની 13મી મેના રોજ મુંબઈના સૅન્ડહર્સ્ટ રોડ પર આવેલા કૉરોનેશન થિયેટરમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. સત્ય અને વચનપાલન માટે પોતાની જાતને તથા પત્ની અને પુત્રને વેચી નાખી અંતે ફરજપાલન માટે પુત્રનો વધ કરવા તૈયાર થતા રાજા હરિશ્ચંદ્રનું જાણીતું કથાનક પડદા પર જોઈ પ્રેક્ષકો આફરીન થઈ ગયા હતા. ફાળકેએ આ જ કથાનક પરથી 1917માં નાશિક ખાતે પોતાની હિન્દુસ્તાન ફિલ્મ્સ કંપનીના નેજા હેઠળ ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’નું નિર્માણ કર્યું હતું.

હરસુખ થાનકી