રાજહંસ (barheaded goose) : ભારતનું જળચર પંખી. તેનું વૈજ્ઞાનિક નામ છે Anser indicus Latham. વૈદિક નામ ‘આડ્યો’, સંસ્કૃત ‘आति’. તે ducksના કુળનું ભિન્ન ગોત્રનું પંખી છે. આ હંસ એટલે swan નહિ.

તે દેખાવે બતક જેવું અને શરીરે ભરાવદાર હોય છે. તેની લંબાઈ આશરે 62 સેમી. હોય છે. તેના દેહના પ્રમાણમાં ડોક નાની હોય છે. તેનો ઉપરનો વર્ણ શ્વેત ભસ્મ જેવો ફિક્કો; સાવ ધોળા દૂધ જેવો નહિ, પણ લાકડાની રાખ જેવો આછો ગોરો હોય છે. મસ્તક અને ગળું શ્વેત, દાઢી અને છાતી આછાં રાખોડી, ગરદન પાછળનો ભાગ ઘેરો બદામી હોય છે. ગરદનની બંને બાજુએ ઊભી કાળી રેખા, પીઠ આછી ગોરી અને પેટ સફેદ હોય છે. માથા પાછળ બે કાળી રેખાઓ તેને ઓળખવાની વિશિષ્ટ સંજ્ઞા છે. તેમાં ઉપલી રેખા મોટી અને બે આંખના છેડાને જોડતી હોય છે, જ્યારે નીચેની રેખા નાની હોય છે. આ રેખાઓને કારણે તેને ‘ચક્રાંગ’ નામ મળ્યું છે.

તેની ચાંચ અને પગ ઘેરા પીળા અથવા નારંગી રંગનાં હોય છે. ચાંચ નાની અને ચપટી, વચ્ચેથી ઢાળ પડતી, બતકની ચાંચ જેવી. પગનાં આંગળાં વચ્ચેથી જોડાયેલાં. પગ શરીર નીચે આગળના ભાગમાં આવેલા હોય છે, જેથી તે જમીન પર ચાલી શકે છે. તેની આંખની કીકી કાળી હોય છે.

રાજહંસ

તેનું વતન એટલે હિમાલયનો ખોળો, માનસરોવર, રાવણહૃદ, લડાખ, કાશ્મીર વગેરેનાં સરોવરો એનું નિવાસસ્થાન. ગ્રીષ્મ ઋતુ ત્યાં ગાળે છે અને વર્ષા ઋતુ પૂરી થતાં દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરે. કારતક-માગશરમાં એનું આગમન શરૂ થાય છે. રાત્રે એમનાં ટોળેટોળાં ઊડતાં જોવા મળે છે. આખા ઉત્તર ભારતમાં તે ફેલાઈ જાય છે. વસંત બેસે કે તુરત માનસરોવર તરફ ઊપડે છે. જૂન-જુલાઈમાં તિબેટનાં સરોવરની પાળે, પાણીમાંના નાના નાના દ્વીપોમાં, જમીન પર હજારો રાજહંસ ભેગા મળી માળા બાંધે છે. ઘાસ, શેવાળ, વગેરેના ઢગલામાં ખાડા ખોદી તેમાં સુંવાળાં પીંછાંની ગાદીમાં ઈંડાં મૂકે છે.

રાજહંસ સમૂહજીવન જીવનારાં પંખી છે. આવે તો હજારોના ટોળામાં, પણ પછી છૂટાં છૂટાં ફેલાઈ વિશાળ જળાશયો, નદી અને સરોવર પર નિવાસ કરે છે. દર વર્ષે દરેક ટોળું સામાન્ય રીતે પોતાના જૂના નિવાસસ્થાને જ ધામા નાખે છે.

તે અત્યંત સાવચેત પક્ષી છે. તે આખો દિવસ નદીના પાણીમાં કે રેતીમાં નિદ્રા લે છે અને રાત પડતાં આસપાસના ડાંગરના ક્યારા કે ઘઉંનાં ખેતરોમાં ચરવા જાય. વનસ્પતિ જ તેમનો આહાર. ડાંગર, ઘઉં, ઘાસનાં કૂણાં તરણાં, કમળના તંતુ તેમને ખૂબ પસંદ. જે ખેતરોમાં રાજહંસ પેસે તેનો ઘાણ જ નીકળી જાય.

ઊડે ત્યારે તે ગંભીરપણે ‘હાક્ હાક્’ એવો ખૂબ મીઠો અવાજ કરે છે. તેની ચાલ અત્યંત મનોહર, ધીરી અને ગૌરવશાળી હોય છે. તે અંગ્રેજી ‘વી’ આકારે બે હારમાં ઊડે છે. મોખરે નાયક હોય છે, જે વારંવાર બદલાયા કરે છે. ગુજરાતમાં તે અમદાવાદની આજુબાજુ છારોડી, ગોભળજ, સોનાસણ વગેરે સ્થળોએ દેખાય છે.

બળદેવભાઈ કનીજિયા