રાજસ્થાની લઘુચિત્રકલા (ચૌદમીથી ઓગણીસમી સદી) : પશ્ચિમ અને મધ્ય ભારતનાં હિંદુ રાજકુટુંબોના રાજ્યાશ્રયે પાંગરેલી લઘુચિત્રોની કલાપરંપરા. હિંદુ ધર્મ, પુરાકથાઓ, ઇતિહાસકથાઓ, મધ્યયુગીન સાહિત્ય અને અન્ય આનુષંગિક વિષયોનું આલેખન તેનો મુખ્ય વિષય છે.

ઈ. સ. 648માં કનોજના રાજા હર્ષના અવસાન બાદ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળતો બંધ થઈ ગયો, તેની સાથે જ અહીં બૌદ્ધ કલાનો કાયમ માટે અંત આવ્યો. વાયવ્યમાંથી થતાં આક્રમણોની વણથંભી રફતારને પરિણામે અહીં બારમી સદી લગી આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવન ક્ષુબ્ધ થઈ ગયું. અજંતા અને બાઘની વિશાળ પ્રમાણમાપ ધરાવતી અને ત્રિપરિમાણનો આભાસ કરાવતી પ્રશિષ્ટ ભીંતચિત્ર-કલાપ્રણાલી અને ઇલોરાની વિશાળ પ્રમાણમાપ ધરાવતી શિલ્પ-પરંપરાનો પણ કાયમ માટે અંત આવ્યો. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આઠમીથી શરૂ કરીને તેરમી સદી લગી ચિત્રકલાના કોઈ નમૂના ઉપલબ્ધ નથી. આર્થિક અસ્થિરતા ઉપરાંત વિધર્મી રાજકર્તાઓનું આત્યંતિક વલણ પણ તેને માટે જવાબદાર હોઈ શકે. ચૌદમી સદીથી શરૂ કરીને તાડપત્રો પર જૈન પોથીઓ મળી આવી છે. આ જૈન લઘુચિત્રોમાંથી રાજસ્થાની ચિત્રકલાએ ઉત્ક્રાંતિ સાધી.

જૈન લઘુચિત્રોની માફક રાજસ્થાની લઘુચિત્રો પણ મૂળભૂત રીતે તો પોથીચિત્રો (illustrations) છે, તેને પોથી વાંચતાં વાંચતાં નજીકથી જોવાનાં છે, નહિ કે દીવાલે ટિંગાડીને દૂરથી. આરંભમાં ગુજરાત અને માળવાના ધનાઢ્ય વેપારીઓ જૈન લઘુચિત્રકલાના આશ્રયદાતાઓ હોવાથી જૈન લઘુચિત્રકલાને લઘુચિત્રકલાના ઇતિહાસકાર નાનાલાલ ચમનલાલ મહેતાએ ‘ગુજરાતી લઘુચિત્રકલા’ તરીકે યથાર્થ ઓળખાવી છે. આજે આ નામ સ્વીકૃત બની ચૂક્યું છે; બીજું, હિંદુ કથાઓ પણ આ શૈલીમાં ચીતરાઈ. ધનાઢ્ય ગુજરાતી વેપારીઓને ઇજિપ્ત, ઈરાન, મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સાથે પ્રગાઢ વ્યાપારી સંબંધો હતા. લઘુચિત્રોમાં વપરાતો ભૂરો રંગ બનાવવામાં વપરાતું લાજવર્દ (lapis lazuli) અફઘાનિસ્તાનથી આયાત થતું અને શરૂઆતમાં કાગળો પણ ઈરાનથી આવતા. લઘુચિત્રોમાં માત્ર ખનિજ (mineral) રંગો જ વપરાતા. ખનિજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા. આ પથ્થરોને ખાંડી-દળીને-ભૂકી કરીને સપ્તાહો સુધી પાણીમાં ડુબાડી રખાતા. આ રીતે તૈયાર થયેલી બારીક લૂગદીને બારીક સુતરાઉ (muslin) કપડાથી ગાળીને તેમાં પ્રાકૃતિક ગુંદરો મેળવી રંગો તૈયાર કરવામાં આવતા. અતિશય નાના કદને કારણે આ ચિત્રો લઘુ (miniature) કહેવાયાં. ચુસ્ત ઇસ્લામિક વાતાવરણમાંથી પ્રગટેલી લઘુચિત્રકલા પછીથી હિંદુ રાજકુટુંબોમાં પણ પ્રિય થઈ પડી.

જૈન (કે ગુજરાતી) લઘુચિત્રકલામાં રહેલ અક્કડતા (stiffness) અને અભિવ્યક્તિની મર્યાદિત શક્તિ રાજસ્થાન, માળવા અને બુંદેલખંડમાં વિવિધ રાજ્યાશ્રયે પ્રગટેલ લઘુચિત્રકલામાં લુપ્ત થઈ અને તેને સ્થાને પ્રવાહિતા અને અભિવ્યક્તિની વિવિધતા પ્રગટ્યાં. જૈન (કે ગુજરાતી) લઘુચિત્રકલામાં રંગોની છાયા (shades) અને છટા(tints)નો તથા રંગમેળવણીનો અભાવ હતો; હવે રંગોની છાયાછટાનો અને રંગમેળવણીનો ઉપયોગ થતાં રાજસ્થાની લઘુચિત્રનું અભિવ્યક્તિ-ભંડોળ (vocabulary) ખૂબ વધ્યું. બીજું, શરૂઆતમાં નજીકની ઇસ્લામિક સલ્તનતો અને પછીથી મુઘલ ચિત્રકલા સાથે આદાનપ્રદાન ચાલુ રહેવાથી વિવિધ પેટાશૈલીઓનો વિકાસ ખાસ્સો સંકુલ રહ્યો છે.

ચૌદમી અને પંદરમી સદી : શરૂઆતમાં ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના એન. સી. મહેતા સંગ્રહમાં રહેલ ‘ચૌરપંચાશિકા’ શ્રેણી અને ગુજરાતી ‘ગીતગોવિંદ’ શ્રેણી, ચંદાયન શ્રેણી, મેવાડના મીઠારામ ભાગવતમાં તથા ઉત્તરપ્રદેશના ઇસ્સરદા ભાગવતમાં, અમદાવાદના ‘વસંતવિલાસ’નાં ચિત્રોમાં અક્કડતા અને આદિમતા-(primitivism)માંથી કલાકારોએ મેળવેલ મુક્તિ જોઈ શકાય છે. રેખાઓના ગોળાકારો અને વળાંકોમાં પ્રવાહિતા છે. આ રેખાઓથી સર્જાતા માનવ-આકારો ભરાવદાર-પુષ્ટ છતાં લાવણ્યસભર બન્યા છે. વળી આદિમ (primary) રંગોમાં છાયાછટા દ્વારા ઘણું રંગવૈવિધ્ય પ્રકટેલ જોઈ શકાય છે.

પંદરમી સદી પછી મુઘલ પ્રભાવ પડ્યો અને અલગ અલગ રજવાડાંની ચિત્રકલાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી.

જયપુર (આમેર) ઘરાણું : અકબર જયપુરની રાજકુંવરીને પરણ્યો હતો અને માનસિંહ તેનો દરબારી હતો. અહીં ચિત્રકલમમાં મુઘલ રીતિઓ ઊંડે પ્રવેશતાં વિશિષ્ટ જયપુર ઘરાણું સર્જાયું. રંગરેજી બાંધણીના ઝળહળાટની યાદ અપાવતાં જયપુર ઘરાણાનાં લઘુચિત્રોનાં માનવપાત્રો રૂપાળાં, ઘાટીલાં અને પાતળાં છે. અહીં રાગમાળા અને ભાગવતનું વિશદ આલેખન થયું. ઉપરાંત કૃષ્ણ અને ગોપીનાં વિશાળ કદમાં આલેખનો થયાં, જેમાં કૃષ્ણનું નૃત્યરૂપ વિશિષ્ટ સંવેદનાથી રસેલું છે. રેખાના વળાંકોના સૌંદર્યનો નિખાર દર્શકને પ્રેમલક્ષણા ભક્તિની અનુભૂતિ કરાવે છે.

બીકાનેર ઘરાણું : બીકાનેર ઘરાણામાં માનવ-આકૃતિ પાતળિયા ઘાટે આછા રંગોમાં પ્રલંબ (elongated) રીતે ચીતરાઈ છે.

બીકાનેરના રાજકુટુંબને દખ્ખણના સુલતાનો સાથે સારા સંબંધો હતા. તેની અસર બીકાનેર ઘરાણા પર પણ પડી. દખ્ખણ શૈલી સાથેના સંગમે તેને સમૃદ્ધ કર્યું. દાખલા તરીકે બીકાનેરના ચિત્રકાર ગંગારામે ચીતરેલ બેવફા પત્નીને વાઢી નાખતા પતિનું હિંસક ચિત્ર. સમગ્ર રાજપૂત ચિત્રશૈલીઓમાં તેના બિનધાર્મિક વાસ્તવવાદ- (secular realism)ને કારણે  બીકાનેર શૈલી આગવી તરી આવે છે. અહીં ભડક લાલ અને પીળા કરતાં આછા અને ઘેરા કથ્થાઈ, ભૂખરા અને કાળા રંગોની પ્રચુરતા છે. ઉપર્યુક્ત ચિત્રમાં ચીતરાયેલ બંધ બારણે હણાયેલી પત્ની, ચિચિયારીઓ નાખતો પ્રેમી અને આ બધા દેકારા અને ધડબડાટીથી જાગી ગયેલા પાડોશીને આ શ્યામળી રંગપૂર્તિ વડે ચેતના મળે છે.

મારવાડ અને જોધપુર ઘરાણાં : અહીં ભરાવદાર, દમામદાર, મુછાળા, દાઢિયાળા ને પાઘડિયાળા ગર્વિષ્ઠ રાજપૂત ચહેરાનાં આલેખનો છે, જેમાં તીખાશ (arrogance) માણી શકાય છે. પુરુષોની તુલનાએ મહિલાઓ કદમાં નાની ચીતરાઈ છે. તેમના ઘાઘરાના ચન્દ્રાકાર વળાંકો અને પુરુષોની દાઢીનાં ગૂંચળાંવાળા વળાંકોના લય મારવાડ અને જોધપુર ઘરાણાના તંગ આયોજન(composition)ને થોડું હળવું કરી શકે છે. રંગો ખાસ ભડક નથી, પણ પોપટી લીલાશ પડતો આછો પીળો રંગ અહીં વ્યાપક છે.

મેવાડ ઘરાણું : ‘મીઠારામ ભાગવત’ અને ‘ચૌરપંચાશિકા’ શ્રેણીઓના સીધા વારસ મેવાડ ઘરાણામાં ફાટફાટ ઊર્જાથી ખચિત, ચંચળ, પુષ્ટ, શૃંગાર-પ્રચુર અને રસેરૂપે ભરપૂર માનવ-આકૃતિઓ રચાઈ. સત્તરમી સદીના પ્રારંભે ચીતરાયેલ મેવાડ ઘરાણાની આરંભની શ્રેણી ‘ચાવંડ રાગમાળા’માં રંગો ઊછળીને આંખોમાં ધસી આવતા હોય તેમ ઝળહળે છે. આ પછી કંકુવર્ણા લાલ હાંસિયા અને એવી જ લાલ પશ્ર્ચાદભૂ મેવાડ શૈલીનાં ચિત્રોમાં વારંવાર દેખાય છે. સત્તરમી સદીની મધ્યમાં મેવાડી ચિત્રકારો ચીતેરા, સાહિબદીન અને મનોહરનાં રામાયણ, મહાભારત અને ભાગવતનાં પોથીચિત્રોમાં કથાનકના સાતત્યનું પરિમાણ એક નવી ચેતના પ્રકટાવે છે. એક જ ચિત્રમાં નાયકની ગતિને ક્રમે ક્રમે પ્રયોજી સમયની વિસ્તરતી લીલા બતાવવામાં આવે છે. દાખલા તરીકે, શિવધનુષને ઉપાડતા, ઊંચકતા અને તોડતા રામનું ત્રણ વાર ચિત્રણ પ્રસંગોની ક્ષણિકતાને અતિક્રમી પ્રસંગને સાદ્યંત રજૂ કરે છે. ઋષિ વિભાંડકના મૃગી સાથેના સંવનન, સ્નેહ અને પરિણયનું ચિત્ર મેવાડ ઘરાણાની સિદ્ધિની ટોચ સમું છે. અહીં મનુષ્ય અને પશુયોનિના સંયોગનું થયેલું સુકોમળ આલેખન વિરલ છે. મેવાડ ઘરાણાની ઉપશાખા દેવગઢ ઘરાણાએ પણ કેટલીક ઉત્તમ ચિત્રકૃતિઓ આપી છે. તેના પ્રમુખ ચિત્રકાર ચોખાની નાયિકાની દેહગરિમા અનન્ય છે. બેઠી દડીની પુષ્ટ પરંતુ તણાવગ્રસ્ત-રતિરાગના ઠસ્સાદાર ઉભારવાળી એ અભિનવ રૂપાંગનાઓ રુઆબદાર નાયકોને પૂરક બને એવી છે. મેવાડ ઘરાણામાં મોટાં કદનાં શિકાર-ચિત્રો પણ થયાં છે.

બુંદી ઘરાણાનો એક નમૂનો : કેશવદાસના કાવ્ય ‘રસિક પ્રિયા’નું એક ચિત્ર

બુંદી ઘરાણું : મેવાડ ઘરાણાને અંશત: મળતા આવતા બુંદી ઘરાણામાં મુઘલ રીતિનો મેવાડ જેવો સીધો પ્રતિકાર નથી. અહીં વાસ્તવદર્શિતાનાં ઘણાં પાસાં સ્વીકારાયાં; જેથી આકૃતિઓનાં પ્રાદેશિક સ્વરૂપો સ્પષ્ટ થયાં છે. સફેદ પરસાળ, ચાંદનીમાં ધોવાયેલી અટારીઓ વગેરેમાં શ્વેતને બીજા રંગોની સહોપસ્થિતિમાં વિશિષ્ટ આભા મળી છે. નાયિકા અહીં મેવાડ જેવી જ પુષ્ટાંગી અને રતિભાવથી છલકાતી છે. શ્વેત આકાશને તાકતી, બિછાને તડપતી વિરહિણીનું વિપ્રલંભ શૃંગારનું ચિત્ર બુંદી ઘરાણાની એક શિરટોચસમું છે. રાધા અને કૃષ્ણ અરસપરસ વેશપલટાની લીલા કરે તેવાં ચિત્રણ પણ આ ઘરાણામાં ઘણાં થયાં છે.

કોટા ઘરાણું : કોટા ઘરાણું જાણે કે જંગલ અને જંગલી જનાવરોને વરેલું છે. જોકે એવું નથી કે અહીં નાયક-નાયિકાનાં આલેખનો જેવા પારંપરિક વિષયો નથી ચીતરાયા. જંગલોથી છવાયેલી ઊંચી કરાડોની હારબંધ શિખરમાળામાં સૂકી ઝાડીમાં વિહરતા વાઘ, સિંહ, ગેંડા અને હાથી તથા તેમનો શિકાર કરવા છુપાયેલા રાજશિકારીઓ – એ કોટા કલમની વિશિષ્ટતા છે.

વૃક્ષોની શાખાઓ અને પર્ણો પાછળ જનાવર થોડું દેખાય અને પાછું ગુમ થઈ જાય તેવી લીલા કોટા કલમમાં જોવા મળે છે. અગ્નિ રાજસ્થાનનો તત્કાલીન ગીચ જંગલોથી આચ્છાદિત પ્રદેશ ખાસ્સા વાસ્તવદર્શી અભિગમે અને રીતિએ ચીતરાયો છે. આ જંગલોમાં પ્રાણીને છુપાવાનું ઘણું, તેથી શિકાર જોતાં જ તેને ઝડપવાનું શિકારીનું ધ્યેય ચિત્રકારે એક જ જનાવરને એક જ ચિત્રમાં વારંવાર નિરૂપીને સાકાર કર્યું છે. એવા વાઘના એક શિકારચિત્રમાં વાઘને – આ ડુંગરટોચે દેખાયો, આ છુપાયો, આ ફરી દેખાયો, આ બહાર આવ્યો, આ બંદૂકથી ઘાયલ થયો, આ ભાગ્યો, આ ગર્જ્યો, આ લથડ્યો અને હવે ઊથલીને ખીણમાં પડ્યો એવી બાર-તેર ગતિઓનું આલેખન છે. આમાં ચિત્રકારે શિકારીની આંખે જોઈ જે આલેખ્યું તે ભાવક-દર્શક જુએ ત્યારે અદભુત, વીર, રૌદ્ર અને કરુણ રસોનો અનુભવ થાય છે.

કિશનગઢ ઘરાણું : કિશનગઢ ઘરાણામાં કૃષ્ણલીલા ચીતરાઈ છે. કિશનગઢના રાજા સાવંતસિંહે ‘નાગરીદાસ’ તખલ્લુસ હેઠળ કૃષ્ણભક્તિનાં કાવ્યો રચ્યાં. રાજચિત્રકાર નિહાલસિંહે તેનું ચિત્રોમાં આલેખન કર્યું. અહીં યુરોપિયન રેનેસાંને અંશત: મળતો આવતો પરિપ્રેક્ષ્ય (perspective) રાજસ્થાની પરંપરા સાથે સંયોગ પામેલો છે. નરનારીનાં પ્રલંબ (elongated) નાક, કપાળ, ચક્ષુ, ડોક અને કેડને કારણે કૃષ્ણ અને અન્ય પુરુષોના દેહમાં પણ શારીરિક સૌષ્ઠવના સ્થાને કમનીય નજાકત જોવા મળે છે. વિશાળ સરોવરોની વચ્ચે આવેલા વિરાટ મહેલોમાં સંધ્યાકાળે લાલચોળ બનેલા આકાશ નીચે શૃંગારખચિત રાધાકૃષ્ણના મિલન-વિરહની ઋજુ ક્ષણો આલેખાઈ છે. ‘બનીઠની’ નામની નાયિકાને રાધારૂપે આલેખી નારીદેહના આદર્શ લાવણ્યને ચિત્રકારોએ વ્યક્ત કર્યું છે.

બુંદેલખંડ અને માળવા ઘરાણાં : બુંદેલખંડ અને માળવા ઘરાણાંમાં અન્ય ઘરાણાંની તુલનાએ બેઠી દડીનાં અક્કડ નરનારી જોવા મળે છે. રંગો ઘેરા છે, પણ તેમાં મેવાડના રંગો જેવી તીવ્રતા નથી.

ઓગણીસમી સદીમાં રાજવીઓની બ્રિટિશ હકૂમત સાથે વધતા સંઘર્ષને કારણે આર્થિક અને રાજકીય હાલત ડામાડોળ બનતી ગઈ અને યુરોપિયન સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો. આ પરિસ્થિતિમાં રાજપૂત લઘુચિત્રકલાની પરંપરાનો અંત આવ્યો. મેવાડ ઘરાણાની ઉપશાખા જેવી માત્ર નાથદ્વારા શૈલી અપવાદરૂપે વીસમી સદીમાં ચાલુ રહી.

અમિતાભ મડિયા