રાજરાજ (શાસનકાળ 985-1014) : દક્ષિણ ભારતનો ચોલવંશનો મહાન રાજા. તે રાજરાજ સુંદર ચોલનો પુત્ર હતો અને ઈ. સ. 985માં ગાદીએ આવ્યો હતો. તે વિજેતા, સામ્રાજ્યનો સ્થાપક અને ઉચ્ચ કક્ષાનો વહીવટકાર હતો. ગાદી ઉપર બેઠો તે પહેલાં રાજકીય અને જાહેર કામકાજનું જ્ઞાન અને અનુભવ તેણે મેળવ્યાં હતાં. તેણે સામ્રાજ્ય સ્થાપવા ઉપરાંત જીતેલા પ્રદેશો ઉપર યોગ્ય વહીવટ થાય તે માટે કાળજી રાખી હતી. તેણે ઈ. સ. 1000માં જમીન-સર્વેક્ષણ શરૂ કર્યું હતું. તેના સમયમાં જમીન-મહેસૂલ માટે ઉત્પાદનનો ત્રીજો ભાગ નક્કી કરવામાં આવ્યો હતો. તેણે પોતાના સમય દરમિયાન સ્થાનિક સ્વરાજ્યને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. સ. 1012માં પોતાના પુત્ર રાજેન્દ્રને શાસનવ્યવસ્થામાં સામેલ કર્યો હતો. તેના પ્રારંભના ઇલકાબો ‘રાજકેસરી’, ‘અરૂમોલી’, ‘મુમ્મદીચોલ’ હતા. તેના અન્ય ખિતાબોમાં ‘ચોલમાર્તંડ’, ‘જયનગોંડ’, ‘પાંડ્યકુલાશની’, ‘કેરલાન્તક’, ‘સિંગલાન્તક’, ‘તેલિંગકુલકાલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ ખિતાબો પરથી તેની સિદ્ધિઓનો નિર્દેશ મળે છે. તે શિવભક્ત હતો. તેના શિલાલેખો તેના શાસનના બીજા વર્ષથી મળે છે. તેમાંથી તેના શાસનની રાજકીય ઘટનાઓની વિગતો મળે છે. પરિણામે આ સત્તાવાર અહેવાલો ચોલવંશના ઇતિહાસનો અભ્યાસ કરવા માટેના કીમતી અને પ્રથમ કક્ષાનાં સાધનો બની રહે છે.
તેના શાસનના 29મા વર્ષમાં તાંજોરમાં લખાયેલ શિલાલેખ તેનાં યુદ્ધો, વિજયો અને સિદ્ધિઓની વિગતો પૂરી પાડે છે. તેણે ત્રિવેન્દ્રમમાં ચેરા નૌકાદળનો નાશ કર્યો, મદુરા જીતી લીધું, અમરભૂજંગ પાંડ્યને પકડ્યો, ઉદગાઈના કિલ્લા ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું અને અનુરાધાપુરનો નાશ કર્યો. પોલોન્નરુવાને પોતાની રાજધાની બનાવીને ત્યાં પથ્થરનું એક વિશાળ શિવદેવળ બંધાવ્યું હતું. ગંગવાડી, તાડીગઈવાડી, નોલંબવાડી એ પશ્ચિમના ગંગદેશના રાજકીય વિભાગો હતા. ઈ. સ. 991 સુધીમાં રાજરાજે તે પ્રદેશો જીતી લીધા. તેણે તાંજોરનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિરનું બાંધકામ ઈ. સ. 1010માં પૂર્ણ થયું હતું.
તાંજોરનું આ ભવ્ય રાજરાજેશ્વરનું મંદિર અત્યંત સુંદર અને પૂર્ણત: તમિળ મંદિર છે. તેનો વહીવટ અને જાળવણી સામ્રાજ્યનાં અસંખ્ય ગામોની મહેસૂલી આવકમાંથી થતાં હતાં. રાજરાજ ધાર્મિક બાબતોમાં સહિષ્ણુ હતો. તેણે એક વિષ્ણુમંદિર પણ બાંધ્યું હતું. તેણે નેગાપટ્ટમ ખાતે એક બૌદ્ધ મઠ કે વિહારની સ્થાપનામાં મદદ કરી હતી. આ બધું જોતાં અને તેનું તલસ્પર્શી નિરીક્ષણ કરતાં કહી શકાય કે રાજરાજે વિશાળ સામ્રાજ્યનો મજબૂત પાયો નાખ્યો હતો, જેના ઉપર જ પછી તેના પુત્ર રાજેન્દ્રે સામ્રાજ્ય ઊભું કર્યું. તેને એક પુત્ર તથા કુંદવા સહિત ત્રણ પુત્રીઓ હતી. રાજરાજે માલદીવ ટાપુ તથા શ્રીલંકાનો અમુક ભાગ પણ મેળવ્યો હતો.
પ્રદ્યુમ્ન ભ. ખાચર