રાજરાજ વર્મા, એ. આર. (જ. 1863, ચંગનાશશેરિ, ત્રાવણકોર; અ. 18 જૂન 1918, ત્રિવેન્દ્રમ્) : મલયાળમ વૈયાકરણ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ એ. આર. રાજરાજ વર્મા. કોઈત્તમ્પુરાન અને બાળપણનું નામ કોચ્ચપ્પન હતું. તેમનો જન્મ ચંગનાશશેરિના લક્ષ્મીપુરમ્ નામના મહેલમાં થયો હતો, જેનો પરંપરાગત લગ્નસંબંધ ત્રાવણકોર રાજ્યના તત્કાલીન રાજવંશ સાથે હતો.

એ. આર. રાજરાજ વર્મા

તેમનું પ્રારંભિક શિક્ષણ વિદ્વાન શિક્ષકોની દેખરેખ હેઠળ સંપન્ન થયું. પછી 1875થી 1881 દરમિયાન સંસ્કૃત અને મલયાળમના મહાન પંડિત તેમના કાકા કેરળ વર્મા વાલિયા કોઈલ તમ્પુરન મારફત તેમને કાવ્ય-અધ્યયન અને કાવ્યરચના અંગે મહત્વનું માર્ગદર્શન મળ્યું. 1884માં મેટ્રિક થયા પછી કૉલેજ-શિક્ષણ અંશત: ખાનગી રીતે અને અંશત: ત્રિવેન્દ્રમ્ની મહારાજા કૉલેજ દ્વારા મેળવ્યું. 1889માં તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1891માં સંસ્કૃત સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સંસ્કૃત વ્યાકરણ અને અલંકારશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતમાં એવી કાવ્યરચના કરી કે તેના દ્વારા તેઓ ત્રાવણકોરના મહારાજના અંગત પરિચયમાં આવ્યા.

તેમના પિતા વાસુદેવન્ નમ્બૂદિરી વેદોના મહાન વિદ્વાન હતા. 1890માં રાજરાજ વર્મા સંસ્કૃત વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. 1894માં ત્રિવેન્દ્રમ્ ખાતે સંસ્કૃત કૉલેજના વડા નિમાયા. 1895માં તેમણે ‘મલયવિલાસમ્’ની અને 1896માં મલયાળમનું સંપૂર્ણ પૃથક્કરણ રજૂ કરતી ‘કેરળ પાણિનીયમ્’ નામક વ્યાકરણની પ્રથમ આવૃત્તિની રચના કરી અને વૈયાકરણ તરીકે મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેની સુધારેલી આવૃત્તિ 1917માં પ્રગટ કરેલી. આથી તેમને ‘કેરળના પાણિનિ’નું માનવંતું પદ આપવામાં આવ્યું હતું.

શાળાકક્ષાએ વ્યાકરણને લગતી પ્રવેશિકાઓની આવશ્યકતા ધ્યાનમાં રાખીને તેમણે ‘શબ્દશોધિની’ (1902); ‘પ્રથમા વ્યાકરણમ્’ (1906) અને ‘મધ્યમા વ્યાકરણમ્’(1907)ની રચના કરી. 1910માં તેમને ત્રિવેન્દ્રમની સંસ્કૃત કૉલેજ ખાતે સંસ્કૃત અને દ્રાવિડી ભાષાના પ્રથમ પ્રાધ્યાપક નીમવામાં આવ્યા. 1914માં તેમને મહારાજા કૉલેજના આચાર્ય તરીકે નીમવામાં આવ્યા. તે વર્ષે તેમણે સંસ્કૃતમાં ‘લઘુ પાણિનીયમ્’ની રચના કરીને તેમાં પાણિનિના ‘અષ્ટાધ્યાયી’નાં 2,978 સૂત્રોમાંથી 1,959 સૂત્રોની પુનર્રચના અને સમજૂતી આપી. આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણના પાઠ્યપુસ્તક તરીકે અતિઉપયોગી ગણાયો.

સાહિત્યિક અભ્યાસમાં આવશ્યક ટેક્નિકલ કૃતિઓમાં તેમની ‘ભાષાભૂષણમ્’ (1902), ‘વૃત્તમંજરી’, ‘નલચરિતમ્’ની ટીકા (1905) અને ‘સાહિત્યસહયમ્’ (1911) નોંધપાત્ર છે. તેઓ સંસ્કૃત તથા મલયાળમના સાહિત્યના ઉત્તમ અનુવાદક તરીકે ઊભર્યા. તેમની અત્યંત મહત્વની સંસ્કૃત કૃતિ છે : ‘આંગ્લસામ્રાજ્યમ્’ (1900). તે મહારાણી વિક્ટોરિયાના શાસનની રજત જયંતીને લગતું 23 સર્ગનું મહાકાવ્ય છે. સંસ્કૃતમાં રોજિંદા જીવનના શબ્દોનો ઉપયોગ કરીને તેમણે કાલિદાસના ‘મેઘદૂત’નો મલયાળમમાં 1894માં; ‘કુમારસંભવ’નો 1897માં; ‘શાકુન્તલ’નો 1912માં; ‘માલવિકાગ્નિ-મિત્રમ્’નો 1916માં; ભાસના ‘ચારુદત્ત’નો 1917માં અને ‘સ્વપ્નવાસવદત્તમ્’નો 1918માં અનુવાદ કર્યો હતો. શેક્સપિયરના ‘ઑથેલો’નું સંસ્કૃતમાં તેમણે ‘ઉદ્દાલચરિતમ્’ નામે રૂપાંતર 1898માં કર્યું હતું.

જ્યોતિષશાસ્ત્રમાં અભિરુચિને કારણે તેમણે ‘ધી ઍસ્ટ્રૉલોજી ઑવ્ કેરલ’ અને ‘પંચાંગ શુદ્ધ પદ્ધતિ’ શીર્ષક હેઠળ વિદ્વત્તાપૂર્ણ નિબંધો આપ્યા. ‘મલયવિલાસમ્’ અને ‘પ્રસાદમાલા’ જેવા ઊર્મિકાવ્યસંગ્રહો તથા ‘વીતવિભાવરી’ જેવી સૌથી અધિક રોચક સંસ્કૃત કાવ્યરચનાઓ આપી. તે ઉપરાંત તેમના ‘વીણાષ્ટકમ્’, ‘વિમાનાષ્ટકમ્’, ‘દેવીદંડકમ્’ અને ‘પિતૃપ્રલાપમ્’ જેવા અન્ય જાણીતા કાવ્યસંગ્રહો છે. આમ તેમની બહુમુખી પ્રતિભાને કારણે તેઓ કેરળમાં મહાન સાહિત્યિક પુનર્જાગૃતિના અગ્રદૂત લેખાયા.

બળદેવભાઈ કનીજિયા