રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે – અંગ્રેજી સાહિત્ય વિશે તેઓ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એ જ રીતે તમિળ તથા સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથોની પણ તેઓ ઉત્તમ જાણકારી ધરાવતા હતા. તેમણે અંગ્રેજી મારફત ફ્રેન્ચ તથા રશિયન સાહિત્યનો સારો પરિચય મેળવ્યો હતો. તમિળ સાહિત્યમાં કંબન તથા તયુમન્વર જેવા ભક્તિ-કવિઓ તેમના પ્રિય લેખકો હતા.

તમિળ ભાષાની પ્રથમ નવલકથા લેખાતી ‘કમલાંબલ ચરિતમ્’ (1893) ‘વિવેકચૂડામણિ’ નામના માસિકમાં હપતાવાર લખવાનો પ્રારંભ કર્યો ત્યારે તેઓ 21 વર્ષના હતા. વળી તેમની પૂર્વે ગણીગાંઠી ગદ્યકૃતિઓ લખાઈ હતી, એટલે તેમની સમક્ષ ગદ્ય-લખાણમાં અનુસરવા જેવું કોઈ પૂર્વ-દૃષ્ટાંત ન હતું. જોકે પોતાની અને તમિળ સાહિત્યની પ્રથમ નવલકથા લખવાનો પ્રારંભ કર્યો ત્યારે તેમના શોખ તથા રસ સાહિત્યના સીમાડા વટાવી વેદાંતના વિશ્વ તરફ વળી ચૂક્યા હતા. તેમણે કેવળ મુખ્ય જ નહિ, પણ તમામેતમામ ઉપનિષદો, શંકર તથા ‘ભગવદ્ગીતા’ના અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવલકથાના સ્વરૂપ જેવા વણખેડાયેલા પ્રદેશમાં પ્રથમ પ્રવેશ રૂપે કથાશ્રેણી લખવાનો પ્રારંભ કરતી વખતે તેમણે સ્પષ્ટ રીતે કબૂલ્યું હતું કે તેમને વાર્તા કહેવામાં રસ ન હતો. સર્વાંશે તો, સાહિત્ય એ તો કોઈક અજ્ઞાત(unknown)ની શોધમાં નીકળેલા પ્રવાસી-યાત્રી માટે રસ્તાની બાજુએ આવેલું એક વિરામસ્થાન જ હોય છે.

તમિળ નવલકથાના આ પ્રસ્થાનકારે સાહિત્યને કંઈ ઝાઝું મહત્વ આપ્યું જ નથી. તેઓ અવારનવાર ધ્યાનમાં ડૂબી જઈ વાણીશૂન્ય બની જતા; છતાં તેમની નવલકથામાં પાત્રસૃદૃષ્ટિ તેમ ઘટનાસૃદૃષ્ટિમાં વ્યક્તિગત લાક્ષણિકતાઓ, સ્વભાવગત વાણી-વર્તનની બેહૂદી ટેવો વિશે ખૂબ હાસ્ય ને રમૂજ તથા અપાર આનંદ વણાયેલાં છે. તેમના અવસાન પૂર્વેના થોડા મહિના અગાઉ 1897ના અંતમાં તેમને લેખનપ્રવૃત્તિમાંથી – ચિંતનાત્મક લેખનમાંથી પણ રસ ઊઠી ગયો હતો. તેઓ કહેતા કે બધું જ લેખન મિથ્યા છે; સમયનો ધ્યાનમાં જ સદુપયોગ કરવો જોઈએ. આમ છતાં તેમણે ‘વાસુદેવ શાસ્ત્રી ઑર ટ્રુ ગ્રેટનેસ’ નામની નવલકથા અંગ્રેજીમાં લખવાનો પ્રારંભ કર્યો.

તેમની લેખનકારકિર્દી 1892થી 1898 સુધી ચાલી; એમાંનો મોટા ભાગનો સમયગાળો ધ્યાન અને માંદગીમાં ગયો; પરંતુ ‘પ્રબુદ્ધ ભારત’ના તંત્રીપદ(1896-1898)નાં બે વર્ષ દરમિયાન તેમણે જુદાં જુદાં ઉપનામોથી લખેલ ચિંતનાત્મક તથા ધાર્મિક લખાણ તેમની પ્રતિભાનું દ્યોતક છે. 24 વર્ષની વયે તેમને તંત્રી તરીકે ખુદ સ્વામી વિવેકાનંદે પસંદ કર્યા હતા.

કેવળ 19 વર્ષની વયે 1890માં તમિળ ભાષાની ભક્તિકવિતા વિશે તેમણે લખેલ ‘કચ્ચી કલમબાગમ્’માં તેમની વિવેચનસૂઝની સબળ પ્રતીતિ થાય છે. ત્યારબાદ ‘મનોન્મનિળમ્’ નામના સાંપ્રત પદ્યનાટક વિશે પણ તેમણે વિવેચનાત્મક કૃતિ પ્રગટ કરી હતી.

તત્વજ્ઞાન તથા ધર્મ વિશેનાં તેમનાં અંગ્રેજી લખાણોનાં 600 પાનાંના સંકલન ‘રૅમ્બલ્સ ઇન વેદાંત’માં પાશ્ર્ચાત્ય તથા પૌરસ્ત્ય તત્વજ્ઞાન, યુરોપની સાહિત્યપરંપરાઓ તથા સંસ્કૃત તેમ તમિળ સાહિત્ય અને ધર્મ અંગેના પ્રશિષ્ટ ગ્રંથો અને સાંપ્રત ઘટનાઓ વિશેનાં લખાણો છે. તે તેમની જ્ઞાનકોશ જેવી વિદ્વત્પ્રતિભાની સાખ પૂરે છે.

મહેશ ચોકસી