રાજન, બાલચન્દ્ર (જ. 1920) : અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકાર, કવિ, તંત્રી તથા વિદ્વાન. તેમણે ચેન્નઈ ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં શિક્ષણ લીધું હતું; ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર તથા ઇંગ્લિશ – એ બંને વિષયોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ (ટ્રાઇપૉસ) મેળવી, કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજ તરફથી અંગ્રેજીમાં અપાતી પ્રથમ ફેલોશિપ મેળવી હતી. 1946માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી તેમને અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી અપાઈ હતી. 1945-46 દરમિયાન તેઓ ટ્રિનિટી કૉલેજ ખાતે સ્ટડીઝ ઇન ઇંગ્લિશ વિભાગના નિયામક રહ્યા; એ સમયગાળા દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે તેમણે ‘મૉડર્ન પોએટ્રી’ પર વ્યાખ્યાનો આપ્યાં.

1948માં તેઓ ઇન્ડિયન ફૉરિન સર્વિસમાં જોડાયા. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ચિલ્ડ્રન્સ ફંડના અધ્યક્ષ તરીકે થોડો વખત રહ્યા પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા તરીકે જોડાયા. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિસર્ચ ઇન ધ હ્યુમેનિટિઝ, યુનિવર્સિટી ઑવ્ વિસ્કૉન્સિન, મૅડિસન (યુ.એસ.એ.) ખાતે અતિથિ-પ્રાધ્યાપક તેમજ યુનિવર્સિટી ઑવ્ ઑન્ટેરિયો, કૅનેડા ખાતે અંગ્રેજીના સિનિયર પ્રોફેસર તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો.

‘પૅરડાઇઝ લૉસ્ટ ઍન્ડ ધ સેવનટીન્થ સેન્ચુરી રીડર’ (1947), ‘ટી. એસ. એલિયટ : એ સ્ટડી ઑવ્ હિઝ રાઇટિંગ્ઝ બાય સેવરલ હૅન્ડ્ઝ’ (સં. 1949), ‘મૉડર્ન અમેરિકન પોએટ્રી’ (સં. 1950), ‘ધ ડાર્ક ડાન્સર’ (1957), ‘પૅરડાઇઝ લૉસ્ટ : એ ટ્રાઇસેન્ટેનરી ટ્રિબ્યૂટ’ (1960), ‘ટુ લાગ ઇન ધ વેસ્ટ’ (1961), ‘પૅરડાઇઝ લૉસ્ટ’ (સં. 1964), ‘ડબ્લ્યૂ. બી. યેટ્સ : એ ક્રિટિકલ ઇન્ટ્રોડક્શન’ (1965), ‘ધ લૉફ્ટી રાઇમ’ (1970) – એ તેમની કૃતિઓ છે.

‘ડાર્ક ડાન્સર’ નામની તેમની નવલકથા ‘બુક સોસાયટી’ની પસંદગી પામી હતી અને જર્મન તથા સ્વીડિશ ભાષામાં અનુવાદ પામી હતી. પૂર્વ-પશ્ચિમ વચ્ચેનો સંઘર્ષ કે અથડામણ એ તેમની નવલકથાઓનો પ્રધાન વિષય છે. પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલાં તેમનાં પાત્રો ભારતીય સમાજમાં ગોઠવાવામાં મુશ્કેલી અનુભવે છે. લાગણીઓ, પરંપરા, શિક્ષણ, ક્રાંતિ, પુનર્નિર્માણ – એ દરેક વિષયને તેઓ હસી કાઢે છે. તેમનાં કાવ્યોમાં વિષયનું અપાર વૈવિધ્ય તથા શૈલીની મનોહરતા છે. તેઓ ‘ફોક્સ’ નામક સાંપ્રત લખાણોનાં વિવિધ પાસાંને લગતી પત્રિકાના સ્થાપક અને તંત્રી હતા.

મહેશ ચોકસી