રાજન (રેઝીન) : ટર્પેન્ટાઇનનું તેલ મેળવવા ઓલિયોરેઝિનનું નિસ્યંદન કરતાં પ્રાપ્ત થતો ઘન અવશેષ. તે ચીડ અથવા ચીલ કે ચીડ પાઇન તરીકે ઓળખાવાતી અનાવૃત બીજધારી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pinus roxburghii sarg. syn. P. longafolia છે. તે વિસ્તારિત પર્ણમુકુટ ધરાવતું ઊંચું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ભૂતાન સુધી અને શિવાલિકની ટેકરીઓમાં 450 મી.થી 2,400 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે. તે સપાટ મેદાનોમાં થાય છે અને ઉદ્યાનોમાં કેટલીક વાર શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેની શાખાઓ વધતે-ઓછે અંશે ભ્રમિરૂપ (whorled) હોય છે. તેની છાલ ઘેરી ભૂખરી કે ઘણી વાર લાલ, ઊંડી તિરાડોવાળી અને ખરબચડી હોય છે અને ઊભી લાંબી તકતીઓ-સ્વરૂપે ઊખડે છે. પર્ણો ત્રણના ગુચ્છમાં, 20 સેમી.થી 30 સેમી. લાંબાં સોયાકાર ત્રિતલી (triquertous) અને આછાં લીલાં હોય છે. પુંશંકુઓ 1.5 સેમી. લાંબા હોય છે. માદા શંકુઓ એકાકી અથવા 2થી 5ના ગુચ્છમાં, અંડાકાર, 10 સેમી.થી 20 સેમી. લાંબા અને 7.5 સેમી.થી 13.0 સેમી. પહોળા, પરિપક્વતાએ બદામી રંગના અને કાષ્ઠીય હોય છે. બીજ સપક્ષ, પાંખ લાંબી, ત્વચીય (membranous), પાંખ સિવાય 7.5 મિમી.થી 13 મિમી. લાંબા અને 5.0 મિમી.થી 6.5 મિમી. પહોળાં હોય છે.

આ વૃક્ષની છાલમાં તીક્ષ્ણ ઓજારથી ઘા કરતાં તેમાંથી ચીકણા પારદર્શક પ્રવાહીનો ધીરે ધીરે સ્રાવ થાય છે, જે હવાના સંપર્કમાં આવતાં સુકાવા લાગે છે. આ પદાર્થને આસવન-યંત્ર(still)માં ઓગાળ્યા પછી ફરી મેળવવામાં આવે છે. પછી ઉચ્ચ બાષ્પદાબમાંથી પસાર કરવામાં આવે છે. પીગળેલા પદાર્થને નિસ્યંદક (filtering) ટ્રેમાંથી પસાર કરી લાકડાના પીપમાં 1થી 2 દિવસ ઠંડો કરવા માટે રાખવામાં આવે છે. નિસ્યંદિત ઓલિયોરેઝિનના જથ્થાના 75 % જેટલું રાજનનું ઉત્પાદન થાય છે.

રાજન મંદ સુગંધિત હોય છે અને પારદર્શક કે અપારદર્શક અને કાચ જેવા બરડ ગાંગડાઓ-સ્વરૂપે થાય છે. તેના રંગ મુજબ તેને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ફિક્કો, (2) મધ્યમસરનો અને (3) ઘેરો. રાજનની વિવિધ ગુણવત્તાની કક્ષા નક્કી કરવા માટે રંગનાં સૂચિત ધારાધોરણો સારણી 1માં આપવામાં આવેલ છે.

તે ઈથર, ક્લૉરોફૉર્મ, પેટ્રોલિયમ, આલ્કોહૉલ, બેન્ઝિન, ઠંડા ગ્લેશિયલ એસેટિક ઍસિડ, ઍસિટોન અને મોટાભાગનાં બાષ્પશીલ અને સ્થાયી તેલોમાં દ્રાવ્ય છે. તે મુખ્યત્વે ઍસિડોનું મિશ્રણ ધરાવે છે, જે અંશત: એનહાઇડ્રાઇડોના સ્વરૂપમાં હોય છે. તેમાં મુખ્ય ઍસિડ તરીકે એબાઇટિક ઍસિડ અને થોડાક પ્રમાણમાં એસ્ટરો હોય છે. રાજનનું સામાન્યત: અપમિશ્રણ થતું નથી, કારણ કે બજારમાં મળી આવતી સૌથી સસ્તી રાળ (resin) પૈકીનું તે એક છે. વિવિધ પ્રકારનાં રાજનની ભારતીય પ્રમાણભૂત વિશિષ્ટતાઓ સારણી 2માં આપવામાં આવી છે.

તેનો ઉપયોગ મુખ્યત્વે કાગળ, સાબુ, પ્રસાધનો, રંગ, વાર્નિશ, રબર, ઇનૅમલ અને પૉલિશ-ઉદ્યોગોમાં થાય છે. તે છાપવાની શાહીના ઘટક તરીકે, કેસિન-ગુંદર અને પ્લાસ્ટિકના બંધક તરીકે, શુષ્ક બૅટરી અને વીજરોધક ચીજોના એક સંઘટક તરીકે વપરાય છે. તે દારૂખાનું, દીવાસળી, શેલ-સ્ફોટકો, રોગાણુનાશકો (disinfectants) અને કીટનાશકો, કેટલાક ઊંજણના પદાર્થો, વાળ સ્થાયી બનાવવાના અને નખ રંગવાના પદાર્થો બનાવવામાં વપરાય છે. તે ઝારણ અને ટિનપ્લેટિંગના ગાળક તરીકે ઉપયોગી છે. વાયોલિન અને સિતાર જેવાં વાદ્યોના ગજ (bow) ઉપરનો ભેજ દૂર કરવા રાજનની સોગઠી ઘસવામાં આવે છે. રાજન-તેલ, રાજન-સ્પિરિટ, રાજન-પિચ (rosin-pitch) અને ઍબિયેટિક ઍસિડના સ્રોત તરીકે તે ઉપયોગી છે.

રાજનના વધુ પડતા નિસ્યંદનથી 3 %થી 10 % જેટલો હલકો પદાર્થ ઉત્પન્ન થાય છે. તેને રાજન-સ્પિરિટ કે પાઇનોલિન કહે છે, અને 80 %થી 85 % જેટલો ભારે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેને રાજન-તેલ કહે છે. રાજન-સ્પિરિટ આછા પીળા રંગનું તેલ છે, જે હાઇડ્રોકાર્બનો અને ઑક્સિજનયુક્ત પદાર્થો ધરાવે છે. તેનો પ્રદીપક (illuminant) તરીકે અને વાર્નિશ-ઉદ્યોગમાં ટર્પેન્ટાઇનની અવેજીમાં ઉપયોગ થાય છે. રાજન-તેલ ઘટ્ટ બદામી રંગનું પ્રવાહી (વિ. ગુ. 0.9-81.10) છે અને લીલું પ્રસ્ફુરણ (fluorescence) દર્શાવે છે. તે ઍબિયેટિક ઍસિડ (C20H42O2), ફિનૉલો અને જટિલ હાઇડ્રોકાર્બન (C10H16)n ધરાવે છે. તે ચૂના સાથે રાજન-ગ્રીઝ બનાવે છે, જેનો વિવિધ પ્રકારનાં યંત્રોમાં ઊંજણ-તેલ તરીકે ઉપયોગ થાય છે. તે છાપવાની શાહી, વાર્નિશ અને અરોગાણુક (antiseptic) બનાવવામાં ઉપયોગી છે. તે કેટલીક વાર ઉકાળેલા અળસીના તેલ, ઑલિવ અને સરસવના તેલમાં અપમિશ્રક તરીકે વપરાય છે. તેનો મિકેનાઇટના ઉત્પાદનમાં બંધક તરીકે ઉપયોગ થાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ