રાજગોપાલાચારી, ચક્રવર્તી (જ. ડિસેમ્બર 1878, હોસૂર, જિલ્લો સેલમ, તમિલનાડુ; અ. 25 ડિસેમ્બર 1972) : રાજનીતિજ્ઞ, મુત્સદ્દી અને સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર, માતા સિંગરામ્મલ. તેમના કુટુંબના કેટલાક પૂર્વ સભ્યો મૈસૂરના શાહી દરબારના પંડિતો હતા, જ્યારે પિતા હોસૂર તાલુકાના થોરાપલ્લીમાં મુનસફ હતા.
તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ બૅંગાલુરુની સેન્ટ્રલ હિંદુ કૉલેજમાં તથા ચેન્નઈની પ્રેસિડન્સી અને લૉ કૉલેજમાં મેળવ્યું. 1900માં તેમણે વકીલાતનો આરંભ કર્યો અને તે જ વર્ષે આલામેલુ મંગમ્મલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. જોકે 1917માં તેમનાં પત્નીનું અવસાન થતાં લગ્નજીવન અલ્પજીવી નીવડ્યું. 1919 સુધી સેલમમાં વકીલાત કરી. આ વર્ષો દરમિયાન અંગ્રેજી સાહિત્ય, તેની પ્રશિષ્ટ અને આધુનિક કૃતિઓ, શેક્સપિયર, થૉરો, ટૉલ્સ્ટૉય તથા વૉલ્ટર સ્કૉટનો ઊંડો અભ્યાસ કર્યો. તદુપરાંત મહાભારત, ગીતા અને બાઇબલ જેવા ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ દરમિયાન થૉરોના સાહિત્યથી અને સવિશેષે તેના સવિનય કાનૂનભંગના નિબંધથી પ્રભાવિત થયા હતા, જેના કારણે કાળક્રમે તેઓ ગાંધીજી તરફ આકર્ષાયા અને અસહકારની લડતમાં જોડાવા પ્રેરાયા. 1906માં કૉંગ્રેસની કોલકાતા ખાતેની બેઠકમાં દાદાભાઈ નવરોજીએ પ્રમુખીય ભાષણ આપેલું, જેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયેલા.
1919માં ગાંધીજી સાથેની મુલાકાતથી પ્રેરાઈને રોલેટ ઍક્ટ અને પંજાબમાં અંગ્રેજ સરકારે ગુજારેલા સિતમો વિરુદ્ધ ભારતની સ્વાતંત્ર્ય-લડતમાં જોડાયા અને અગ્રણી ભૂમિકા ભજવી. 1921-22માં કૉંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટાયા. 1922-42; 1946-47 અને 1951-54 દરમિયાન તેઓ કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય રહ્યા. આ દરમિયાન 1930માં પ્રોહિબિશન લીગ ઑવ્ ઇન્ડિયાના મંત્રી રહ્યા. 1937માં તેઓ ચેન્નઈના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ત્યાં દારૂબંધીની શરૂઆત કરી અને મદ્યનિષેધ-પ્રચારમાં યોગદાન કરેલું. એ જ રીતે 1939માં મદ્રાસ ટેમ્પલ એન્ટ્રી ઍક્ટ પસાર કરી દલિતોને મંદિરપ્રવેશ મળે તે માટેના કાયદાનો પાયો નાંખ્યો.
કૉંગ્રેસ પક્ષની કામગીરી દરમિયાન 1921થી 1942 સુધીમાં પાંચેક વાર તેમણે જેલવાસ વેઠ્યો. 1944માં ગાંધીઝીણા વાર્તાલાપ યોજાયો ત્યારે તેઓ ગાંધીજીની સંગતમાં રહેલા. 1946-47માં વચગાળાની સરકારના સભ્ય તરીકે તેમણે કામગીરી સંભાળેલી. 1947-48માં તેઓ પશ્ચિમ બંગાળના ગવર્નર, નવેમ્બર, 1947માં ભારતના કાર્યકારી ગવર્નર અને જૂન, 1948થી જાન્યુઆરી, 1950 સુધી સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ નિમાયા. 1952માં તેઓ મદ્રાસના મુખ્યમંત્રી નિમાયા. આ દરમિયાન દક્ષિણ ભારતમાં હિન્દીની સ્થાપનામાં તેમણે મહત્વની કામગીરી બજાવી. 1954માં તેમને સૌપ્રથમ ‘ભારતરત્ન’ના બહુમાનથી વિભૂષિત કરાયા. આ દસકામાં કૉંગ્રેસની નીતિઓ અને કાર્યો અંગે તેમને પક્ષ સાથે પ્રામાણિક મતભેદો સર્જાયા. સ્વતંત્ર ભારતમાં જાહેર ક્ષેત્રના ગેરલાભ અનુભવ્યા બાદ તેઓ ખાનગી ક્ષેત્રના હિમાયતી બન્યા અને 1959માં સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં પાયાની કામગીરી બજાવી તેના સ્થાપક સભ્ય બન્યા.
1962માં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ તેમણે અમેરિકા, બ્રિટન અને રોમની મુલાકાત લીધી. અણુપરીક્ષણબંધીનું સમર્થન કરવા ગાંધીજીએ ત્રણ વ્યક્તિઓનું એક પ્રતિનિધિમંડળ પ્રચારાર્થે મોકલ્યું હતું. તેના એક સભ્ય તરીકે પણ તેમણે કામગીરી બજાવેલી. આ કામગીરી ઉપરાંત જેલવાસ દરમિયાન ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન તેમણે કર્યું હતું. તેમણે તમિળ અને અંગ્રેજીમાં વિવિધ સાહિત્યનું સર્જન કર્યું છે. શક્તિશાળી વક્તા તરીકે સ્વાતંત્ર્યલડત દરમિયાન તેમણે ભારતના વિવિધ ભાગોના પ્રવાસ ખેડી લડતને ગતિ પૂરી પાડી હતી. ગાંધીજીના વાલીપણા(trusteeship)ના સિદ્ધાંતમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. શાંતિમય માર્ગે સમાજવાદ સ્થાપવાના તેઓ હિમાયતી હતા. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તે વિચારના તેઓ પુરસ્કર્તા હતા. કર્મના સિદ્ધાંતમાં તેમને અતૂટ વિશ્ર્વાસ હતો. ગાંધીવિચારનો નવો પવન તમિળ ગામોમાં પ્રસરે એ માટે ‘વિમોચનમ્’ નામના તમિળ સામયિકનું તેમણે લાંબો સમય સંચાલન કર્યું હતું. તેમણે સદાય સાદા પણ ઉચ્ચ જીવનવ્યવહારની હિમાયત કરી. અગાધ વિદ્વત્તા, ઉત્કૃષ્ટ સંસ્કારિતા, તીવ્ર દેશદાઝ, અનન્ય સ્વાર્પણબુદ્ધિ, દૂરંદેશીભરી મુત્સદ્દીગીરી, અપાર સંગઠનશક્તિ અને મર્માળી બુદ્ધિથી તેઓ નોખા તરી આવતા હતા અને ભારતના સંતચરિત રાજપુરુષ તરીકે લોકો તેમનું ગૌરવ કરતા હતા.
તેઓ તમિળ ટૂંકી વાર્તાઓના સારા સર્જક હતા. ‘હિન્દુઇઝમ’, ‘કંબ રામાયણ’, ‘અયોધ્યાકાંડમ્’ એ ગ્રંથો તેમણે આપ્યા છે. તમિળ ભાષામાં તેમણે રચેલા ‘મહાભારત’ને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રદાન થયેલો. તેમના ‘રામકૃષ્ણ ઉપનિષદ’ને મદ્રાસ સરકારનો ઍવૉર્ડ એનાયત થયો હતો. તેમના ‘ડૉક્ટ્રિન ઍન્ડ વે ઑવ્ લાઇફ’, ‘વૉઇસ અનઇન્વૉલ્વ્ડ’ ગ્રંથો પણ નોંધપાત્ર હતા. રામાયણ, મહાભારત અને હિંદુ ધર્મના લેખનકાર્ય દ્વારા જનજીવનમાં તેમણે ભારતીય સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય અપૂર્વ રીતે કર્યું હતું.
રક્ષા મ. વ્યાસ