રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર.

ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેમણે સેવા મંદિરની ગ્રેડ સ્કૂલમાં હાજરી આપી હતી. તેમનું શિક્ષણ મલયાલમ ભાષામાં થયું. તેમણે કૃષિ ઈજનેરીની ડિગ્રી સાથે મહારાષ્ટ્રમાં ગાંધીજીના આશ્રમ સેવાગ્રામ ખાતે શિક્ષણ પૂર્ણ કરતાં પહેલાં શાસ્ત્રીય ભારતીય નૃત્ય અને સંગીતનો અભ્યાસ કર્યો. અહીં રાજગોપાલ અંગ્રેજી શીખ્યા. તેઓ જળ, જંગલ, જમીન પર સ્થાનિક લોકોના અધિકારો માટેના તેમના કામને કારણે મધ્યપ્રદેશના આદિવાસીઓમાં ‘રાજુ ભાઈ’ તરીકે ઓળખાય છે.

1970ના દાયકાની શરૂઆતમાં તેમણે મધ્યપ્રદેશમાં ચંબલના 578 ડાકુઓના પુનર્વસનમાં મદદ કરવા માટે જયપ્રકાશ નારાયણ અને સુબ્બા રાવ સાથે કાર્ય કર્યું. તેઓ સીધી હિંસાનો સામનો કરવાથી દૂર રહ્યા. તેમણે ગરીબ અને શોષિત મજૂરો અને ભૂમિહીન સમુદાયો તેમજ આદિવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે 1989થી 2018 સુધી હજારો ગ્રામીણ યુવાનોને પ્રશિક્ષક-નેતા તરીકે સેવા આપવા માટે તાલીમ આપી હતી. તેમણે 2007માં 25,000 ભૂમિહીન ગરીબો અને આદિવાસીઓને આપવામાં આવેલા વચન પ્રમાણે જમીન સુધારણાની માંગ કરવા માટે ગ્વાલિયરથી દિલ્હી સુધી 350 કિલોમીટરની યાત્રા કાઢી હતી. આનાથી વન અધિકાર અધિનિયમનો અમલ થયો. તેમણે 2012માં આજીવિકા માટે જમીન અને સંસાધનો પર નિયંત્રણની માંગ કરવા માટે રાજધાનીમાં 1,00,000 લોકોની કૂચનું નેતૃત્વ કર્યું. આથી કેન્દ્ર સરકાર સાથે દસ મુદ્દાના કરાર પર હસ્તાક્ષર થયા. 2019માં ગાંધીજીના 150મા જન્મદિવસે શાંતિ અને અહિંસા ફેલાવવા તેમજ તેમના સંદેશને વિશ્વભરમાં લઈ જવાની યોજના બનાવી. તેમણે દસ દેશોમાં 12,000 કિલોમીટરને આવરી લેતી એક વર્ષ લાંબી અહિંસક કૂચનું આયોજન કર્યું.

તેઓ નવી દિલ્હીમાં આવેલ ગાંધી પીસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ છે અને એકતા પરિષદના પ્રમુખ અને સ્થાપક સભ્ય છે. તેઓ નેશનલ ઈનોવેશન ઍવૉર્ડ કમિટી ઇન્ડિયામાં જ્યુરી મેમ્બર, સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રચવામાં આવેલ પ્રોજેક્ટ સંચાલન સમિતિના સભ્ય, માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ગ્રામીણ સંસ્થાની રાષ્ટ્રીય પરિષદના સભ્ય, ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત અને ક્વાર્ક પીસ ઍન્ડ સોશિયલ વીટનેસ (QPSW)દ્વારા સમર્થિત દક્ષિણ એશિયા પીસ એલાયન્સ (SAPA)ના કન્વીનર, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિને પ્રોત્સાહન આપતા આંતરરાષ્ટ્રીય જૂથ પેલેસ્ટાઇન ટ્રિબ્યુનલના સભ્ય, ગાંધીવાદી સંગઠનની રાષ્ટ્રીય સંસ્થા સર્વ સેવા સંઘના વિશેષ આમંત્રિત, પ્રકાશનો દ્વારા ગાંધીવાદી મૂલ્યો અને વિચારોને પ્રોત્સાહન આપતી સંસ્થા ગાંધી સેવા સંઘના સભ્ય, ઓલ ઈન્ડિયા નઈ તાલિમ સોસાયટીના સભ્ય, પિપલ્સ ઓર્ગેનાઈઝેશન એકતા પરિષદના કન્વીનર, મધ્યપ્રદેશ સેવક સંઘના પ્રમુખ, પાર્ટનર્સ કાઉન્સિલ ઈન્ડિયા(PCI)ના રાષ્ટ્રીય કન્વીનર, જલ જન જોડો અભિયાનના સંચાલન સમિતિના સભ્ય, કેનેડામાં ન્યાયના એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરતી કોડી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના સામાજિક ન્યાયના અધ્યક્ષ, મદુરાઈની સંસ્થા ઇન્ટરનેશનલ ગાંધીયન ઇનિશિયેટિવ ફોર નોનવાયોલન્સ એન્ડ પીસ (IGINP)ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે.

તેમને 2008માં ફ્રેન્ડ ઑફ ધ પુઅર ઍવૉર્ડ અને કે. જનાર્દનન પિલ્લઈ એન્ડોમેન્ટ ઍવૉર્ડ, 2010માં સ્વરાજ મિલેનિયમ ઍવૉર્ડ, 2011માં શ્રી કુમારપિલ્લા વેલાયુધન માસ્ટર ઍવૉર્ડ, 2012માં કૃષિ ગૌરવ ઍવૉર્ડ, ગરીબ બંધુ ઍવૉર્ડ અને માનવ અધિકાર પુરસ્કાર, 2013માં પ્રોફેસર એન.એ. કરીમ પુરસ્કાર, 2014માં રાષ્ટ્રીય એકતા માટે ઈન્દિરા ગાંધી ઍવૉર્ડ, 2014માં અણુવ્રત અહિંસા ઍવૉર્ડ, 2015માં સ્પિરિટ ઑફ એસિસી નેશનલ ઍવૉર્ડ, 29મો ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, 2016માં જીવન રક્ષક ઍવૉર્ડ, 2017માં કૃષિ યોદ્ધા ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમને ન્યાય અને શાંતિ માટે અસાધારણ કાર્ય કરવા બદલ 40મો નિવાનો શાંતિ પુરસ્કાર 11 મે, 2023ના રોજ જાપાનના ટોક્યોમાં પ્રદાન કરવામાં આવ્યો છે.

તેઓ જમીન પચાવી પાડનારાઓના વિચારો બદલવા અને ગરીબો અને ભૂમિહીન લોકોના અધિકારો માટે દેશભરમાં પદયાત્રાઓ માટે જાણીતા છે. આથી રાજગોપાલ ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાય છે.

અનિલ રાવલ