રાજકીય ભૂગોળ : ભૌગોલિક સંદર્ભ થકી રાજ્યશાસ્ત્ર અને રાજકારણને સમજવાનો પ્રયાસ કરતી ભૂગોળ વિષયની એક શાખા. પ્રાચીન કાળમાં ગ્રીસમાં તેનો એક વિષય તરીકે અભ્યાસ થતો હતો, પરંતુ અલગ વિષય તરીકે રાજકીય ભૂગોળની સમજ આપનાર સર્વપ્રથમ વિદ્વાન અને ભૂગોળવિદ હતા ફ્રેડરિક રૅટઝેલ. આ જર્મન વિદ્વાને ‘પૉલિટશે જિયૉગ્રાફી’ (Politsche Geographie) (1897) ગ્રંથ પ્રકાશિત કર્યો. તે દ્વારા રાજ્ય અને વિશ્વ વચ્ચે રહેલા સંબંધોને સમજાવવા તેમણે પ્રયાસ કર્યો. વિસ્તાર એ રાજ્યનું એક મૂળભૂત તત્વ છે. તેમાંથી રાજ્યની રચના અને રાજ્ય સાથેનું ભાવનાત્મક જોડાણ એટલે કે રાષ્ટ્ર આવા ક્રમમાં રાષ્ટ્ર-રાજ્યનો ખ્યાલ વિકસ્યો. રાષ્ટ્ર-રાજ્યના વિકાસ સાથે ઓગણીસમી સદીના અંતે રાજકીય ભૂગોળનું જ્ઞાન અને સમજ મહત્વનાં બન્યાં. રાજકીય ભૂગોળના વિકાસને ચાર મહત્વના તબક્કાઓ દ્વારા સમજાવી શકાય.
પ્રથમ તબક્કો પર્યાવરણીય રાજકીય ભૂગોળનો હતો. ફ્રેડરિક રૅટઝેલે રાજ્યના અભ્યાસ માટે પર્યાવરણીય નિયતિવાદ(environmental determinism)ની વિભાવના સ્પષ્ટ કરી. તેમાં તેમણે રાજકીય પ્રદેશ અને ભૌગોલિક પરિસ્થિતિને મહત્વ આપ્યું. 1904માં હાફોર્ડ મૅકિન્ડર દ્વારા ‘ધરીરૂપ વિસ્તારો’(pivot-area)નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો, જે પછીથી હાર્દરૂપ વિસ્તારો(heartland)ના સિદ્ધાંત તરીકે જાણીતો બન્યો. આ સિદ્ધાંત અનુસાર દેશનું ભૌગોલિક સ્થાન તેના રાજકીય મહત્વને નિર્ધારિત કરે છે, તેમ દર્શાવવામાં આવ્યું. એનો અર્થ એ કે પહાડી વિસ્તારોથી બનેલું રાજ્ય કે દરિયાકાંઠા પર આવેલું રાજ્ય પોતાની ભૌગોલિકતાને કારણે વિશ્વરાજકારણમાં અમુક નિશ્ચિત સ્થાન હાંસલ કરે છે. આમ, રાજકારણમાં ભૌગોલિકતા નિર્ણાયક પરિબળ બને છે. રૅટઝેલ અને મૅકિન્ડરની આ વિચારધારાને અનેક ભૂગોળવિદોએ તથા શૈક્ષણિક સંસ્થાઓએ સ્વીકારી. આ વિચારધારાને જર્મનીના કેલેન અને કાર્લ હાઉશોફરે પણ અપનાવી હતી. તેમણે આ માટે સૌપ્રથમ ‘ભૂરાજકારણ’ (Geopolitics) શબ્દપ્રયોગ કર્યો. તેમણે રાજ્યોના વિસ્તારવાદને બૌદ્ધિક સ્વરૂપે રજૂ કર્યો. આ વિચારો દ્વારા જર્મનીના વિસ્તારવાદને સમર્થન મળ્યું. જર્મની અતિવસ્તી ધરાવતો દેશ છે તેવા બહાના હેઠળ ઍડૉલ્ફ હિટલરે ધીકતી ધરા(labensraum)ની નીતિ અપનાવી અને 1930થી તેનો અમલ કરી પૂર્વ યુરોપના પડોશી દેશો પર કરેલા આક્રમણને ઉચિત ઠરાવ્યું. આ બંને વિદ્વાનોનો હિટલરે મોડેથી પોતાના પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો હતો. આ રીતે ભૌગોલિકતા, રાજ્યનો વિસ્તાર, રાજ્યનું કદ અને સ્થાન વગેરે શક્તિશાળી રાજ્યનાં નિર્ણાયક પરિબળો બની રહે છે.
બીજો તબક્કો કાર્યાત્મક રાજકીય ભૂગોળનો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) પછી રાજ્યના અવકાશી ઐક્યને વ્યક્ત કરતા ઘણા લેખો પ્રકાશિત થયા. તેમાં રિચાર્ડ હાર્ટશૉર્ન(1950)નો લેખ ‘ધ ફંક્શનલ ઍપ્રોચ ઇન પૉલિટિકલ જિયૉગ્રાફી’ સૌથી વધુ નોંધપાત્ર હતો. આ લેખમાં રાજ્યને કેન્દ્રગામી અને કેન્દ્રોત્સારી પરિબળો વચ્ચેની સમતુલાના સ્થાપક તરીકે જોવામાં આવેલું. રાજકીય ‘પ્રથા’ના પૃથક્કરણમાં આવું ભૌગોલિક મૉડેલ પણ સ્વીકારવામાં આવ્યું.
રાજકીય ભૂગોળનો ત્રીજો તબક્કો અવકાશી પૃથક્કરણનો છે. વિવિધ ક્ષેત્રોની અઢળક માહિતી પ્રત્યે રાજકીય ભૂગોળની અભિમુખતા વધારીને, પ્રજાઓની સામાજિક-આર્થિક જરૂરિયાતો પ્રત્યેની સંવેદનશીલતાને સમજીને, તે સંદર્ભમાં લોકોપયોગી ભૂગોળની દૃષ્ટિથી તેનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે.
ચોથો તબક્કો બહુત્વવાદી રાજકીય ભૂગોળનો છે. ઉપર્યુક્ત બીજા અને ત્રીજા તબક્કામાં રાજકીય સત્તાની ગણતરી મૂકવામાં આવી નથી. આ ઊણપનો ઉકેલ લાવવામાં આવે તેમજ રાષ્ટ્ર-રાજ્યોને આધુનિક બૃહદ વિશ્વપ્રથાના ભાગરૂપે જોવામાં આવે તે આવદૃશ્યક છે. આ દૃષ્ટિબિંદુ અનુસાર રાજકીય ભૂગોળને અન્ય દૃષ્ટિબિંદુથી તપાસવી આવદૃશ્યક છે.
આમ વર્તમાન સમયમાં રાજકીય ભૂગોળનો અભ્યાસ રાજકીય, સામાજિક, આર્થિક, વસ્તીવિષયક અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવી બાબતોને સાંકળી લે છે. સાથે સાથે રાજકીય માળખું, સરકારના પ્રકારો, રાજકીય પ્રક્રિયા, મુત્સદ્દીગીરી અને સરકારના સિદ્ધાંતોને પ્રાધાન્ય આપે છે. આ રીતે વિવિધ સરકારો અને રાજકારણના અભ્યાસ માટે રાજકીય નિષ્ણાતોને રાજકીય ભૂગોળનો સહારો લેવો પડે છે.
નીતિન કોઠારી
રક્ષા મ. વ્યાસ