રાજકીય પક્ષ : રાજકીય જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અને સત્તાપ્રાપ્તિ ઇચ્છતાં સંગઠિત જૂથો. એક રાજકીય એકમ તરીકે વર્તીને તે સરકાર પર પ્રભુત્વ ધરાવવા ઉત્સુક હોય છે. આ સંગઠનો ભાગ્યે જ અધિકૃત (official) સરકારી સંગઠનો તરીકે કામ કરે છે. વિવિધ શાસનવ્યવસ્થામાં તે વિવિધ સ્વરૂપો ધરાવે છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક સમયે અને પ્રત્યેક સરકારમાં તેના મહત્વની માત્રા અલગ અલગ હોય છે. તે નાનું યા મોટું – કોઈ પણ કદ ધરાવે છે. પક્ષો મતદારોના સાવ નાના જૂથથી માંડીને દેશના સમગ્ર મતદારોને અપીલ કરી, તેમનું ધ્યાન આકર્ષે છે. રાજકીય પક્ષોની કામગીરી વિવિધ પ્રકારની હોય છે. ચૂંટણીઓ રાજકીય પક્ષોની લોકપ્રિયતા માટેની મહત્વની પારાશીશી છે. ચૂંટણી દ્વારા પક્ષો મજબૂત બને, નબળા પડે, પ્રજાની પ્રશંસા પામે કે ધિક્કાર પામે – એમ વિવિધ ઘટના-પ્રતિભાવો જોવા મળે છે. રાજકીય પક્ષ લોકમાનસમાં પોતાની હાજરી હોવાનો સતત અનુભવ કરાવે છે. આ સંદર્ભમાં પક્ષપ્રથાનાં લક્ષણો તેમજ અન્ય પાસાંઓનું દર્શન કરવું ઇષ્ટ થશે.

લક્ષણો : (1) રાજકીય પક્ષના મૂળભૂત સિદ્ધાંતો અંગે તેના સભ્યોમાં સંમતિ પ્રવર્તતી હોય છે. (2) તે લગભગ સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિઓનું બનેલું વ્યવસ્થિત સંગઠન હોય છે અને તેનાં કેટલાંક નિશ્ચિત ધારાધોરણો હોય છે. (3) પક્ષો બંધારણીય માર્ગો દ્વારા કામ કરવાનો ઇરાદો ધરાવે છે અને ચૂંટણીઓ દ્વારા થતા સત્તાપરિવર્તનને માન્ય રાખે છે. (4) તેનો મૂળભૂત આશય રાષ્ટ્રીય હિતોનું સંવર્ધન કરવાનો હોવાથી પ્રત્યેક પક્ષ રાજકીય સત્તા મેળવવા આતુર હોય છે.

મહત્વ : સ્વસ્થ લોકશાહી માટે રાજકીય પક્ષો અનિવાર્ય છે. તે વહીવટી ચક્રોને ગતિમાન રાખનાર એક મુખ્ય પરિબળ છે. લોકશાહી રાજકીય પક્ષો વિના ચાલી શકે નહિ; કારણ કે પક્ષો શાસન ચલાવવાની બાબત અંગે નાગરિકો વચ્ચે પ્રવર્તતા મતભેદોને વ્યવસ્થિત કરી તેમને સંગઠિત રૂપે રજૂ કરવાનું કાર્ય કરે છે. તે જાહેર હિત અને જાહેર પ્રશ્ર્નો અંગે ચિંતા સેવે છે. જાહેર જીવનની વિવિધ બાબતો અંગે તેઓ વિશિષ્ટ અભિપ્રાયો ધરાવે છે અને તે અંગે લોકમતનું ઘડતર કરે છે. પ્રજામાંથી સમર્થન મેળવી ચૂંટણી-ટાણે તેનું મતદાનમાં રૂપાંતર કરી, પ્રતિનિધિત્વ હાંસલ કરી, બહુમતી મેળવી સત્તા પ્રાપ્ત કરે છે. સર આઇવર જેનિંગ્ઝે આ સંદર્ભમાં કહેલું કે ‘બ્રિટનના બંધારણની સાચી સમજ પક્ષોથી શરૂ થાય છે અને પક્ષોમાં પૂરી થાય છે.’ આ વિધાન તમામ લોકશાહી-પદ્ધતિઓ માટે સાચું છે.

લોકશાહી દેશોનાં બંધારણો રાજકીય પક્ષની વ્યવસ્થા અંગે મૌન સેવે છે, છતાં પક્ષ-પદ્ધતિ વિના લોકશાહી ચાલી શકે તેમ નથી. રાજકીય પક્ષનું એકમાત્ર લક્ષ્ય સત્તાપ્રાપ્તિનું અને તેની જાળવણીનું હોય છે; આથી તે પક્ષની નીતિ ઘડે છે, સભ્યો નોંધે છે, ચૂંટણી-ઢંઢેરા બહાર પાડે છે તેમજ પક્ષ વતી ઉમેદવાર નક્કી કરી તેમનો પ્રચાર કરે છે. આ બધાં કાર્યો માટે નાણાંની વ્યવસ્થા કરે છે. સભ્યોમાં અને પક્ષમાં શિસ્ત જાળવે છે; આથી જ રાજકીય પક્ષોને ‘રાજ્યની અંદર આવેલા રાજ્ય’ (state within state) તરીકે ઓળખાવવામાં આવે છે. વિચારસરણી, સંગઠન, નાણાં અને કાર્યકરો – એ સત્તાપ્રાપ્તિનો મૂળ હેતુ સિદ્ધ કરવાનાં સાધનો છે. પક્ષો લોકો અને સરકારને જોડતાં કડી-તંત્રો છે. તે રાજકીય સ્પર્ધાનું નિયમન કરી તેને જરૂરી લોકસ્વીકૃતિ અપાવે છે.

ઉદભવ અને વિકાસ : આધુનિક રાજ્યના ઉદભવમાં જેમ જેમ સત્તાનું કેન્દ્રીકરણ થતું ગયું તેમ તેમ સત્તા હાંસલ કરવાની સ્પર્ધા જન્મી અને વિકસી. પરિણામે વિચાર-કેન્દ્રી જૂથો ઊભાં થયાં. બીજી તરફ મતાધિકાર વ્યાપક બન્યો અને વિસ્તર્યો તેની સાથે રાજકીય પક્ષો વિકસ્યા. આ પ્રક્રિયા મુખ્યત્વે પાશ્ર્ચાત્ય દેશોમાં વિકસી અને રાજકીય જરૂરિયાત અનુસાર જુદા જુદા દેશોમાં રાજકીય પક્ષોનો આકાર ઘડાયો.

ઇંગ્લડમાં સૌપ્રથમ આંતરવિગ્રહ દરમિયાન સ્પષ્ટપણે રાજકીય જૂથોનાં જોડકાં ઉદભવ્યાં. રાજાના સમર્થકો કૅવેલિયર્સ (Cavaliers) તરીકે અને વિરોધીઓ રાઉન્ડહેડ્ઝ (Roundheads) તરીકે ઓળખાયા. રાજકીય પક્ષોનું આ તદ્દન પ્રાથમિક સ્વરૂપ હતું. સમય જતાં નિરંકુશ રાજાશાહીની તરફેણ કરનારા ‘ટૉરી’ અને રાજા પર પાર્લમેન્ટનો અંકુશ હોવો જોઈએ તેમ માનનાર ‘વ્હિગ’ કહેવાયા. 1688ની રક્તવિહીન ક્રાંતિ ‘વ્હિગ’નો વિજય હતો. 1832ના રિફૉર્મ ઍક્ટથી મતાધિકારના વિસ્તારનો પ્રારંભ થતાં ધીમે ધીમે સ્પષ્ટ રૂપે બે રાજકીય પક્ષો રચાવા લાગ્યા, જેમાં રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ મુખ્ય હતા. રૂઢિચુસ્તો રાજાશાહી, સામંતો, જમીનદારો અને અમીર વર્ગનું પ્રતિનિધિત્વ કરતા; જ્યારે ઉદારમતવાદીઓ શહેરવાસીઓ, વ્યાપારી હિતો અને લોકશાહી- તરફી સુધારાનું સમર્થન કરતા. ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોના વિકાસ સાથે મજદૂર સંઘોનો ઉદય થતાં 1918માં મજૂર-પક્ષ સ્થપાયો. 1930 પછીના ગાળામાં તે રૂઢિચુસ્ત પક્ષનો મુખ્ય હરીફ બન્યો. બ્રિટનમાં પક્ષોના વિકાસ સાથે સંસદ અને કૅબિનેટ-પદ્ધતિ મજબૂત બની.

અમેરિકાનું બંધારણ ઘડાયું ત્યારે તેમાં રાજકીય પક્ષોને કોઈ સ્થાન નહોતું; પરંતુ લોકશાહીના વિકાસ સાથે બંધારણના 12મા સુધારા દ્વારા મતદારમંડળની પદ્ધતિનો અમલ કરવાની જોગવાઈ કરવામાં આવી. તે સાથે રાજકીય પક્ષોના અસ્તિત્વનો સ્વીકાર થયો અને ઝડપથી પક્ષો વિકસવા લાગ્યા. બંધારણના પ્રારંભિક તબક્કે મજબૂત કેન્દ્ર સરકાર અને બંધારણના હિમાયતી ‘ફેડરાલિસ્ટ્સ’ અને તેના વિરોધીઓ ‘ઍન્ટિફેડરાલિસ્ટ્સ’ તરીકે ઓળખાયા. ‘ફેડરાલિસ્ટ’ જૂથનું નેતૃત્વ હૅમિલ્ટને કર્યું. બંધારણ અને સમવાયતંત્રનો વ્યાપક સ્વીકાર થતાં ‘ઍન્ટિફેડરાલિસ્ટ’ જૂથ નબળું પડી કાળક્રમે નામશેષ બન્યું. લગભગ આ જ અરસામાં બીજી તરફ જેફરસનના નેતૃત્વ હેઠળ રિપબ્લિકન પક્ષ વિકસ્યો. એન્ડ્રૂ જૅક્સનના ટેકેદારોથી ડેમોક્રૅટિક પક્ષ અસ્તિત્વમાં આવ્યો. 1861થી ’65ના ગુલામી-વિરોધી આંતરવિગ્રહ બાદ રિપબ્લિકન અને ડેમોક્રૅટિક પક્ષો વધુ સ્પષ્ટ વિચારસરણી પર આધાર રાખતા થયા. આમ વીસમી સદીના પ્રારંભે સ્પષ્ટ સ્વરૂપના બે રાજકીય પક્ષો અમેરિકામાં વિકસ્યા.

સામ્યવાદીઓએ પોતાની વિચારધારાના પ્રસાર માટે પક્ષ-વ્યવસ્થાનો આશરો લઈ આ સાધનને વધુ સુગ્રથિત કર્યું. ક્રમશ: પક્ષ-વ્યવસ્થાનો ઉપયોગ સત્તા કબજે કરવા માટે કર્યો. રશિયાનો સામ્યવાદી પક્ષ તેનું સારું ઉદાહરણ છે. આવી જ રીતે સરમુખત્યારશાહી પદ્ધતિમાં સત્તા પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવા રાજકીય પક્ષ-વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. 1920 અને ’30ના દસકાઓ દરમિયાન યુરોપમાં લોકશાહી-વિરોધી ફાસી અને નાઝી પક્ષો વિકસ્યા. સામ્યવાદી, નાઝીવાદી અને ફાસીવાદી પક્ષો ઘણાં ચુસ્ત અને જડતાવાદી વલણો ધરાવતા. લોકશાહીના પક્ષોની જેમ તેમનું માળખું, રચના કે કાર્યપદ્ધતિ ખુલ્લાં નથી કે મોકળાશ ધરાવતાં નથી. પક્ષના સભ્યો મુખ્યત્વે ટેકેદારો તરીકે કાર્ય કરે છે. નેતા ચૂંટવાની કે નીતિ અંગેની ચર્ચા-વિચારણાની કામગીરીમાં સભ્યો સક્રિય હોતા નથી.

યુરોપ અને અમેરિકામાં રાજકીય દૃષ્ટિએ પક્ષો ‘બંધારણ બહારની સંસ્થા’ અથવા ‘બંધારણોત્તર સંસ્થા’ (extra-constitutional institution) તરીકે કામ કરતા રહ્યા છે. મતાધિકારનો વિસ્તાર પક્ષોના વ્યાપનું એક મહત્વનું કારણ હતો. લોકશાહીની સ્થાપનાના પ્રારંભે ધારાગૃહોમાં રાષ્ટ્રીય અને રાજકીય હિતોની મથામણ ચાલી. ચૂંટણીમાં અને ધારાગૃહોમાં અસરકારક દેખાવ કરવા માટે મતદારોનો સાથ-સહકાર આવદૃશ્યક બન્યો. એથી પક્ષની વિચારસરણી અને નીતિઓ મતદારોમાં વ્યાપક બનવા લાગતાં વૈચારિક જૂથબંધી રચાવા લાગી. પરિણામે પક્ષો સાથે વિચારસરણીનું અનુસંધાન થયું અને ક્રમશ: રાજકીય પક્ષોને વ્યાપક લોકમાન્યતા સાંપડી.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અને ત્યારબાદ એશિયા અને આફ્રિકાના વિકસતા દેશોમાં રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. પ્રારંભે આ પક્ષોનો ઉદ્દેશ રાષ્ટ્રીય મુક્તિનો હોવાથી વિકસતા દેશોના રાજકીય પક્ષો જે તે દેશના રાષ્ટ્રીય મુક્તિ-આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ સાથે આ પક્ષોએ રાજકીય સ્પર્ધામાં ભાગ લઈ સત્તાપ્રાપ્તિ માટેનો સંઘર્ષ શરૂ કર્યો. સામાન્ય રીતે આવા પક્ષોનું સ્વરૂપ ‘ખુલ્લી છત્રી’નું રહ્યું; એટલે કે તેમાં તમામ વર્ગ અને જૂથો આવકાર પામ્યા અને પક્ષમાં સમાવેશ પામ્યા. પક્ષમાં પ્રવેશતાં વિવિધ વર્ગ અને જૂથોને સંતોષવા પક્ષોએ બાંધછોડ કરવાના પ્રયાસો કર્યા. આથી આ પક્ષોનું વિચારસરણી-વિષયક પોત નબળું રહ્યું; તો બીજી તરફ પ્રજાઓને ઉદ્યુક્ત કરી, ગંભીર અને જવાબદારીભરી કામગીરી કરી, સ્વશાસન માટે તૈયાર કરી. આથી આ પક્ષો રાષ્ટ્રીય અસ્મિતાના દ્યોતક બન્યા; જેમાં પક્ષ અને રાષ્ટ્ર એકાકાર થઈ ગયાં. આવા સંજોગોમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ વિરોધપક્ષોનો વિકાસ અવરોધાયો. રાજ્યમાં કોઈ એક પક્ષનો ઇજારો ઊભો થયો. એકંદરે એથી લોકશાહી પદ્ધતિનું સ્વસ્થ સંચાલન મુશ્કેલ બન્યું.

વિરોધપક્ષ : ચૂંટણીમાં બહુમતી પછી દ્વિતીય સ્થાને આવનાર પક્ષ વિરોધપક્ષનું સ્થાન અધિકૃત રીતે ધરાવે છે. વિવિધ રાજકીય પક્ષોમાંથી કોઈ પણ પક્ષ આ સ્થાન ધારણ કરે છે. લોકશાહી સરકારમાં તે મહત્વની ભૂમિકા નિભાવે છે. મુખ્યત્વે તે સરકારનાં કાર્યોનો સક્રિય વિરોધ કરીને પોતે વૈકલ્પિક સરકાર તૈયાર રાખે છે, જેને ‘છાયા પ્રધાનમંડળ’ (shadow cabinet) તરીકે ઓળખવામાં આવે છે. તેથી સત્તાધારી પક્ષ ઓચિંતો અને અણધાર્યો સત્તા પરથી ખસી જાય તો સત્તાનાં સૂત્રો ધારણ કરવાની કામગીરી વિના વિલંબે પાર પાડી શકાય અને શાસન-વ્યવસ્થામાં શૂન્યાવકાશ સર્જાતો અટકાવી શકાય.

વિરોધપક્ષનું મુખ્ય કાર્ય સરકારની કાર્યવહી પર દેખરેખ રાખી તેના પર અંકુશ રાખવાનું છે; જેથી સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ ન કરે. તે જાહેર મતનું ઘડતર કરી જનજીવનના વિવિધ અભિપ્રાયોને વ્યવસ્થિત રૂપે રજૂ કરે છે. સબળ વિરોધપક્ષ લોકશાહીની આવદૃશ્યકતા છે. આથી લોકશાહીમાં વિરોધપક્ષ અને તેના નેતા સન્માનનીય સ્થાન ધરાવે છે અને સરકારી તિજોરીમાંથી તેમને વેતન અને ભથ્થાં ચૂકવવામાં આવે છે. સરકારની ભૂલો કે મર્યાદાઓનું ભાન કરાવી વાસ્તવમાં તેઓ લોકોની સેવા કરવાની મહત્વની ફરજ બજાવે છે.

રાજકીય પક્ષનાં કાર્યો : લોકશાહી દેશમાં રાજકીય પક્ષો અનેક કાર્યો કરે છે  (1) તેઓ ઉમેદવારોની પસંદગી કરે છે. (2) સરકારની રચના કરે છે. (3) વિરોધપક્ષને માન્યતા આપી સરકાર પર દેખરેખ અને અંકુશ રાખે છે તેમજ સરકારનો વિકલ્પ તૈયાર રાખે છે. (4) ચૂંટણી માટે નાણાં ઊભાં કરે છે. (5) મતદારોને સરકારનાં કાર્યો અને નીતિરીતિઓથી વાકેફ રાખી સતત જાગ્રત રાખે છે અને લોકમતનું ઘડતર કરે છે.

પક્ષપ્રથા : રાજકીય પક્ષો સરકાર અને મતદારોને જોડતાં કડીતંત્રો છે. વીસમી સદી પૂર્વે રાજકીય પક્ષો માત્ર લોકશાહી શાસન-પદ્ધતિમાં જ અનિવાર્ય માનવામાં આવતા; પરંતુ સરમુખત્યારશાહી કે સામ્યવાદી ગણાતી વિવિધ શાસન-વ્યવસ્થામાં તે મહત્વનું સ્થાન ધરાવવા લાગ્યા છે, કારણ કે વિચારોનો પ્રસાર કરવામાં, લોકમતને ઘડવામાં તેમજ શાસન અંગેની સભાનતા કેળવવામાં પક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનિવાર્ય સેવાઓને કારણે લોકશાહી અને તે સિવાયની અન્ય શાસન-વ્યવસ્થામાં રાજકીય પક્ષ કે પક્ષપ્રથાઓ વિકસી છે.

એક-પક્ષપ્રથા : આ પદ્ધતિ અનુસાર સમગ્ર રાજ્યમાં માત્ર એક જ પક્ષ અસ્તિત્વ ધરાવે છે. સરમુખત્યારશાહી કે સામ્યવાદી દેશોમાં આ પક્ષપ્રથા પ્રચલિત છે. ત્યાં એક જ પક્ષ શાસનની સમગ્ર કામગીરી સંભાળે છે; આથી ત્યાં સરકારી નીતિઓનો વિરોધ કદીયે થતો નથી. વિરોધના અભાવે શાસન ચલાવવાનું કામ સરળ બને છે.

આમ છતાં પક્ષનું અસ્તિત્વ એકંદરે લાભદાયી હોય છે. સરકારના નીતિવિષયક નિર્ણયોની ચર્ચા-વિચારણા પક્ષની કક્ષાએ થાય છે, તેથી પક્ષના સભ્યોને આ અંગે રજૂઆત કરવાની તક મળે છે. વળી પક્ષની નીતિઓ લોકોમાં શો પ્રભાવ ઊભો કરશે તેનું આગોતરું મૂલ્યાંકન પણ કરી શકાય છે. આથી પક્ષ અને લોકો વચ્ચે પરોક્ષ રીતે વિચારો અને અભિપ્રાયોની આપ-લે ચાલુ રહે છે.

આ પક્ષ-પ્રથાનાં જોખમો પણ છે. પક્ષની આંતરિક કાર્યવહીની જાણ પ્રજાને ઘણી મોડી થાય છે, તેથી લોકો અને શાસન વચ્ચે ભારે અંતર પેદા થાય છે. પક્ષ રાજકીય નીતિનું માધ્યમ બનવાને બદલે પ્રચારનું માધ્યમ બની જાય છે.

અપવાદરૂપે મેક્સિકો વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે, જ્યાં લોકશાહી હોવા છતાં એક-પક્ષ છે. મેક્સિકોની ઇન્સ્ટિટ્યૂશનલ રેવૉલ્યૂશનરી પાર્ટી એકમાત્ર પક્ષનું સ્થાન ધરાવે છે. 1920થી તેણે તમામ રાજકીય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ ભારે બહુમતીથી જીતી છે. દેશમાં નજીવા કદના ઘણા રાજકીય પક્ષો છે, પણ તેઓ તેમનું કદ વિસ્તારી શક્યા નથી તેમજ આ પક્ષ સાથેની સ્પર્ધામાં ટકી શકતા નથી.

દ્વિ-પક્ષ પ્રથા : લોકશાહી પક્ષ-વ્યવસ્થાનો આ લગભગ સર્વસામાન્ય પ્રકાર છે. યુરોપ અને અંગ્રેજીભાષી દેશોમાં તે વિશેષ પ્રચલિત છે. બ્રિટન અને અમેરિકા તેનાં સારાં દૃષ્ટાંતો છે. આ દેશોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી દ્વારા કોઈ એક પક્ષ બહુમતી હાંસલ કરી સરકારની રચના કરે છે અને મતદાનના ક્રમમાં બીજું સ્થાન ધરાવતો રાજકીય પક્ષ માન્ય વિરોધપક્ષનું સ્થાન ધરાવે છે. પ્રત્યેક ચૂંટણી બાદ શાસન કરવાની તક આ મુખ્ય પક્ષોમાંથી કોઈ એક પક્ષને મળતી હોવાથી બાકી રહેલો પક્ષ વિરોધપક્ષનું સ્થાન ધરાવે છે. શાસન અને વિરોધ કરવાની તક અવારનવાર આ બે પક્ષોને મળતી રહે છે, તેથી વિરોધ-પક્ષ તરીકે સ્થાન ધરાવનાર રાજકીય પક્ષ રચનાત્મક ઢબે કામ કરી જવાબદાર વિરોધ કરી તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે. લોકશાહી સરકારના સંચાલનની આ શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય છે.

ત્રિ-પક્ષ પ્રથા : આ પદ્ધતિમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષો હોય છે, જેમાં એક કરતાં વધુ પક્ષો ચૂંટણીમાં બહુમતી મેળવી શાસન-વ્યવસ્થા સંભાળે છે અને બાકી રહેલા બે પક્ષો સંયુક્ત રીતે વિરોધપક્ષો તરીકે કામગીરી કરે છે. કેટલીક વાર બે બહુમતી ધરાવનાર પક્ષો સંયુક્ત રીતે સરકાર રચે છે અને ત્રીજા ક્રમનો પક્ષ એકલો વિરોધપક્ષ તરીકેની ભૂમિકા નિભાવે છે. આમ શાસનની અને વિરોધની કામગીરી મુખ્યત્વે આ ત્રણ પક્ષો વચ્ચે જ ચાલતી રહે છે. ઑસ્ટ્રેલિયા આ પ્રકારની ત્રિ-પક્ષ પ્રથાનું ઉદાહરણ છે.

ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટી, લિબરલ પાર્ટી ઑવ્ ઑસ્ટ્રેલિયા અને નૅશનલ પાર્ટી ઑવ્ ઑસ્ટ્રેલિયા – એમ ત્યાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષો છે.

બહુપક્ષ પ્રથા : આ પ્રથા અનુસાર દેશમાં ચાર, પાંચ કે તેથી પણ વધારે રાજકીય પક્ષો હોય છે. આ વિવિધ રાજકીય પક્ષોમાંથી કોઈ પણ એક પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી શકતો નથી. પરિણામે એક કરતાં વધુ પક્ષો ભેગા મળી સરકાર રચે છે અને બાકી રહેલા પક્ષો વિરોધ-પક્ષની ભૂમિકા નિભાવે છે. દેશમાં જમણેરી, ડાબેરી અને મધ્યમમાર્ગી પક્ષો હોવાથી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાનું કામ રાજકીય પક્ષો માટે મુશ્કેલ હોય છે.

આ પ્રકારની પક્ષપ્રથાનું ભયસ્થાન એ છે કે રાજકીય પક્ષો માત્ર સત્તા મેળવવાના હેતુથી જોડાણ કરે છે. આથી આવું જોડાણ સગવડિયું બની રહે છે અને સરકાર લાંબું આયુષ્ય ધરાવતી નથી તેમજ ગમે ત્યારે સરકાર તૂટી પડવાનો ભય રહે છે. આ પદ્ધતિમાં આ કારણોસર રાજકીય અસ્થિરતા સર્જાવાનું જોખમ ઊભું થાય છે. આથી બહુપક્ષ પ્રથાનો વિકલ્પ પસંદગીયોગ્ય ગણાતો નથી. ફ્રાન્સ બહુપક્ષી પદ્ધતિ ધરાવતો જાણીતો દેશ છે. આયર્લૅન્ડ અને 1989 પછીનું ભારત આ પ્રકારની પક્ષ-વ્યવસ્થાની દિશામાં જઈ રહ્યાં છે. ફ્રાન્સ, બેલ્જિયમ, ડેન્માર્ક, નેધરલૅન્ડ્ઝ, ઇટાલી, જાપાન, શ્રીલંકા વગેરે દેશોમાં આ પ્રકારની પક્ષપ્રથા જોવા મળે છે. આ પ્રકારની સરકાર મિશ્ર કે સંયુક્ત સરકાર તરીકે પણ ઓળખાય છે.

રક્ષા મ. વ્યાસ