રાજકમલ કલામંદિર : ભારતની અગ્રણી બહુભાષિક ચિત્રપટનિર્માણ-સંસ્થા. સ્થાપના : 1 નવેમ્બર 1942. સંસ્થાપક : વી. શાંતારામ. આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની ચાર દાયકા ઉપરાંત- (1942–83)ની કારકિર્દી દરમિયાન આશરે પચાસ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 33 ચલચિત્રો હિંદી ભાષામાં (5 લઘુપટ), 10 ચલચિત્રો મરાઠી ભાષામાં, 1 અંગ્રેજી ભાષામાં, 1 તેલુગુ ભાષામાં અને 1 બંગાળી ભાષામાં નિર્માણ કર્યાં હતાં. વિવિધ ભાષાઓમાં ચલચિત્ર નિર્માણ કરનારી ભારતમાં આ એકમાત્ર સંસ્થા હતી. સંસ્થાની નિશ્રામાં તૈયાર થયેલ બાલચિત્રપટોની સંખ્યા 4ની હતી. ‘અમર ભૂપાળી’ નામનું મરાઠી ચલચિત્ર (1951) બંગાળી ભાષામાં ધ્વનિમુદ્રિત (dub) કરવામાં આવેલું. તેણે નિર્માણ કરેલ ‘અપના દેશ’ (1949) મૂળ હિંદી ભાષામાં ચલચિત્રિત થયેલું, જેનું તમિળ ભાષામાં ‘નમનાડૂ’ નામથી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે સંસ્થા દ્વારા નિર્મિત ‘ડૉક્ટર કોટનીસ કી અમર કહાની’ (1946) મૂળ હિંદી ભાષામાં ચલચિત્રિત થયેલું, જે અંગ્રેજી ભાષામાં ‘The Song of Buddha’ નામ સાથે ચલચિત્રિત કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ બંગાળી ભાષામાં ‘પલાતક’ નામ સાથે એક ચલચિત્રનું નિર્માણ (1963) કર્યું હતું. ઉપરાંત, કેન્દ્ર સરકારના ફિલ્મ-વિભાગની નિશ્રામાં આ સંસ્થાએ 1956માં પાંચ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જે બધાં જ હિંદી ભાષામાં ચલચિત્રિત કરવામાં આવ્યાં હતાં. આ સંસ્થાએ કેટલાંક દસ્તાવેજી ચલચિત્રોનું પણ નિર્માણ કર્યું હતું, જેમાંથી કેટલાંક પુરસ્કૃત થયાં હતાં.
આ સંસ્થાનાં ચલચિત્રોને રાજ્યકક્ષાનાં, રાષ્ટ્રીય કક્ષાનાં તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં કુલ ચોવીસ જેટલાં ઍવૉર્ડો અને પારિતોષિકો મળ્યાં હતાં, જેની વિગતો નીચે મુજબની છે :
(1) તેનું પ્રથમ સોપાન ‘શકુંતલા’ (1943), જે પૌરાણિક કથા પર આધારિત હતું તેને બૅંગૉલ ફિલ્મ ક્રિટિક્સ દ્વારા ધ્વનિલેખન માટે 1944માં પુરસ્કૃત કરવામાં આવ્યું હતું. વળી વૅનિસ ચલચિત્ર મહોત્સવ(1947)માં તેને ઉત્કૃષ્ટ પટકથાનું પારિતોષિક પણ એનાયત થયું હતું. વ્યાપારી ધોરણે અમેરિકામાં પ્રદર્શિત થયેલ આ પ્રથમ ભારતીય ચલચિત્ર હતું. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક માસ્ટર વિનાયક દ્વારા તથા ‘ફોરમ’ પાક્ષિક દ્વારા આ ચલચિત્રનિર્મિતિનું જાહેર સમારંભ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
(2) ‘ડૉક્ટર કોટનીસ કી અમર કહાની’ ચલચિત્રને કાન્સ ચલચિત્ર સમારોહ(1948)માં ઉત્કૃષ્ટ પટકથાનો ઍવૉર્ડ એનાયત થયો હતો.
(3) ‘પરબત પે અપના ડેરા’ ચલચિત્ર બૅંગૉલ ફિલ્મ ક્રિટિક્સ, કોલકાતા દ્વારા ધ્વનિલેખન માટે પુરસ્કૃત કરવામાં આવ્યું હતું (1948).
(4) ‘અમર ભૂપાળી’(મરાઠી)ને કાન્સ ચલચિત્ર સમારોહમાં સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન માટે ‘ગ્રાન્ડ પ્રી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું (1951). તે જ ચલચિત્રને તે જ વર્ષના ભારતીય ભાષાઓમાં સર્વોત્કૃષ્ટ ચલચિત્ર તરીકેનો પુરસ્કાર ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશને બક્ષ્યો હતો.
(5) ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955) ચલચિત્રને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ તથા ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન દ્વારા 1955ના વર્ષનાં સર્વોત્કૃષ્ટ ચલચિત્ર, સર્વોત્કૃષ્ટ દિગ્દર્શન, સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન, સર્વોત્કૃષ્ટ સંકલન અને સર્વોત્કૃષ્ટ કલાનિર્દેશન – આ પાંચ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં. તે જ વર્ષ માટે તેને આ બધી જ શ્રેણીઓના ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત થયા હતા. ‘ફિલ્મ ફૅન્સ’ નામની સંસ્થાએ પણ આ ચલચિત્રને પુરસ્કૃત કર્યું હતું. વળી 1955ના વર્ષનું સર્વોત્કૃષ્ટ ભારતીય ચલચિત્ર તથા સર્વોત્કૃષ્ટ હિંદી ચલચિત્ર – આ બે પારિતોષિકો પણ તેને ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝને એનાયત કર્યાં હતાં.
(6) દક્ષિણ અમેરિકાના ઉરુગ્વે દેશના મૉન્ટે વિડિયો ખાતે 1956માં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં આ સંસ્થા દ્વારા નિર્મિત ‘સિમ્ફની ઑવ્ લાઇફ’ લઘુ ચલચિત્રને પ્રયોગલક્ષી દસ્તાવેજી ચલચિત્રોની શ્રેણીમાં બહુપ્રતિષ્ઠિત ‘ગ્રાન્ડ પ્રી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
(7) ફિલ્મ્સ ક્રિટિક, મુંબઈ દ્વારા ‘તૂફાન ઔર દિયા’ ચલચિત્રને ઉત્કૃષ્ટ ગીતરચના માટે પારિતોષિક એનાયત કરાયું હતું (1956).
(8) ‘દો આંખેં, બારહ હાથ’ (1957) ચલચિત્રને સાપ્તાહિક હિંદુસ્તાન દ્વારા 1957માં રજત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ચલચિત્રને 1958માં સર્વોત્કૃષ્ટ ચલચિત્ર તરીકે રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક, હિંદી ભાષાના 1957ના વર્ષના સર્વોત્કૃષ્ટ ચલચિત્રનો રૌપ્યચંદ્રક તથા સર્વોત્કૃષ્ટ દિગ્દર્શનનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં. આ જ ચલચિત્રને સર્વોત્કૃષ્ટ ચલચિત્ર, સર્વોત્કૃષ્ટ સંગીતનિર્દેશન, સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન તથા સર્વોત્કૃષ્ટ સંકલન માટે ઑલ ઇન્ડિયા ક્રિટિક્સ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તે જ પ્રકારના ઍવૉર્ડો તેને ફિલ્મ્સ ક્રિટિક, મુંબઈ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. બર્લિન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં તેને 1957ના સર્વોત્કૃષ્ટ ચલચિત્ર તરીકે ‘ગોલ્ડન બેર’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ જ ચલચિત્રને માટે બ્રસેલ્સ ખાતેના કૅથલિક ફિલ્મ બ્યૂરો દ્વારા ઇન્ટરનૅશનલ કૅથલિક ઍવૉર્ડ તથા ‘ફૉરેન ક્રિટિક ઍવૉર્ડ’ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 1957ના સર્વોત્કૃષ્ટ ચલચિત્રનિર્માણ માટે તેને હૉલિવુડ ફૉરેન પ્રેસ ઍસોસિયેશન ઍવૉર્ડ તથા સૅમ્યુઅલ ગોલ્ડવિન ઍવૉર્ડ એનાયત થયા હતા. બૉસ્ટન ફિલ્મ ફેસ્ટિવલ(1961)માં આ ચલચિત્રને ઉત્કૃષ્ટ પટકથા, ઉત્કૃષ્ટ અભિનય, ઉત્કૃષ્ટ સંગીત, ઉત્કૃષ્ટ બાહ્યચિત્રીકરણ (outdoor shooting) તથા ઉત્કૃષ્ટ ધ્વનિલેખન માટે પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.
(9) સંસ્થા દ્વારા નિર્મિત ‘નવરંગ’ ચલચિત્રને ઉત્કૃષ્ટ સંકલન તથા ધ્વનિલેખનના 1960ના વર્ષના ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
(10) સંસ્થાના ‘સ્ત્રી’ (1961) ચલચિત્રને ‘મોશન પિક્ચર્સ એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.
(11) સંસ્થા દ્વારા નિર્મિત ‘ગીત ગાયા પત્થરોં ને’ ચલચિત્રને (1965) મહારાષ્ટ્ર રાજ્યનો ચલચિત્ર પુરસ્કાર એનાયત થયો હતો.
(12) ‘લડકી સહ્યાદ્રિ કી’ (1966) (‘ઇએ મરાઠીચિયે નગરી’ નામના મરાઠી ચલચિત્રનું હિંદી સંસ્કરણ)ને સરસ્વતી પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
(13) ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (1971) ચલચિત્રને ફિલ્મ ફૅન્સ ઍસોસિયેશને પુરસ્કૃત કર્યું હતું.
(14) ‘પિંજરા’ (મરાઠી, 1972) ચલચિત્રમાં અભિનેત્રી સંધ્યાને ઉત્કૃષ્ટ અભિનયનો ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
(15) ‘ઝુંજ’ (મરાઠી, 1976) ચલચિત્રને મહારાષ્ટ્ર સરકારનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
ભારતીય લોકનૃત્ય પર આધારિત અને કેન્દ્ર સરકારના ફિલ્મ પ્રભાગ દ્વારા નિર્મિત ‘ધરતી કી ઝંકાર’ ચલચિત્રને રાષ્ટ્રીય કક્ષાનાં સુવર્ણ અને રજત પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં, જેનું નિર્માણ અને દિગ્દર્શન વી. શાંતારામે કર્યું હતું.
રાજકમલ કલામંદિર ચલચિત્ર-નિર્માણ-સંસ્થાની આ જ્વલંત કારકિર્દીમાં સંસ્થાના સ્થાપક, નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા વી. શાંતારામ(1901–90)નો ફાળો શકવર્તી હતો.
આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની 1942–83 દરમિયાનની કારકિર્દીમાં નિર્માણ કરેલ ચલચિત્રોમાંથી 6 ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં પારિતોષિકો, 9 ચલચિત્રોને રાષ્ટ્રીય સ્તરનાં પારિતોષિકો, 2 ચલચિત્રોને રાજ્ય સ્તરનાં પારિતોષિકો અને 3 ચલચિત્રોને અન્ય પ્રકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે