રાજકીય અર્થકારણ (political economy) : અઢારમી સદીમાં અર્થશાસ્ત્ર માટે રૂઢ થયેલો શબ્દ. આજે જેને રાજ્યની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે એવાં પગલાંની ચર્ચા કરતાં લખાણો માટે તે નામ પ્રયોજવામાં આવેલું. આંતરરાષ્ટ્રીય વેપાર, હૂંડિયામણ, નાણું, કરવેરા વગેરેને સ્પર્શતાં સરકારી પગલાંઓની ચર્ચાનો સમાવેશ નવી ઊપસી રહેલી જ્ઞાનની આ શાખામાં થતો હતો. સમય જતાં અન્ય આર્થિક પ્રશ્ર્નો તેમાં ઉમેરાયા અને રાજકીય અર્થકારણ એક સ્વીકૃત વિદ્યાશાખા બન્યું, એટલું જ નહિ, તેને વિજ્ઞાનનો દરજ્જો સાંપડ્યો. ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોમાં માર્શલ અને જિવોન્સ જેવા અર્થશાસ્ત્રીઓના પ્રભાવ નીચે તે વિદ્યાશાખા અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવા લાગી. આજે હવે મોટાભાગની યુનિવર્સિટીઓમાં તે અર્થશાસ્ત્રના નામે જ ઓળખાય છે. આમ છતાં કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારની આર્થિક નીતિઓની ચર્ચાને રાજકીય અર્થશાસ્ત્ર તરીકે રજૂ કરવાનું પસંદ કરે છે. એ જ રીતે અર્થશાસ્ત્રના મુખ્ય પ્રવાહથી જુદા પડતા કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ તેમના દ્વારા કરવામાં આવતી મૂડીવાદી અર્થતંત્રોના પ્રશ્ર્નોની ચર્ચાને રાજકીય અર્થકારણ તરીકે ઓળખાવે છે. સામાન્ય રીતે આ અર્થશાસ્ત્રીઓની ચર્ચા આર્થિક અસમાનતા અને તેમાંથી ઉદભવતી સત્તાની અસમાનતા પર કેન્દ્રિત થયેલી હોય છે. અર્થશાસ્ત્રના મુખ્ય પ્રવાહમાં સાધનોની કાર્યક્ષમ ફાળવણી, આર્થિક સ્થિરતા, આર્થિક વૃદ્ધિ વગેરે પ્રશ્ર્નો ચર્ચાના કેન્દ્રમાં હોય છે.

કાર્લ માર્કસે ઍડમ સ્મિથ, રિકાર્ડો, માલ્થસ વગેરે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા વિકસાવવામાં આવેલા અર્થશાસ્ત્રને રાજકીય અર્થકારણ તરીકે રજૂ કર્યું હતું. માર્કસની ટીકા એવી હતી કે મૂડીવાદી અર્થવ્યવસ્થાને, તેમાં કરવામાં આવતા શોષણ સહિત, વાજબી ઠરાવવાના આશયથી રાજકીય અર્થકારણનો વિકાસ કરવામાં આવ્યો છે. જોકે તેમણે એ સ્વીકારેલું કે કેટલાક અર્થશાસ્ત્રીઓએ પ્રામાણિકપણે સત્ય શોધવાની કોશિશ કરી છે.

રમેશ ભા. શાહ