રાજ કપૂર (જ. 14 ડિસેમ્બર 1924, પેશાવર, હાલ પાકિસ્તાનમાં; અ. 2 જૂન 1988, દિલ્હી) : જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. પૂરું નામ રણવીરરાજ કપૂર. પિતા : ખ્યાતનામ અભિનેતા પૃથ્વીરાજ કપૂર. અભિનય વારસામાં મેળવનાર રાજ કપૂર માત્ર એક અભિનેતા બની રહેવાને બદલે સમય જતાં નિર્માતા દિગ્દર્શક પણ બન્યા અને એવાં કથાનકોને પડદા પર લાવ્યા જેમાં એક બાજુ તો જમીન સાથે જોડાયેલાં લોકની વાત હોય અને તે સાથે તેમાં પ્રેમને પોતાની આગવી શૈલીથી પરિભાષિત કરવાનો પ્રયાસ કરાયો હોય. મૅટ્રિકમાં નાપાસ થયા પછી રાજ કપૂર ચલચિત્ર-ક્ષેત્રે આવી ગયા હતા. રણજિત સ્ટુડિયોમાં દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તે પછી બૉમ્બે ટૉકિઝમાં અમિય ચક્રવર્તી સાથે અને ફિલ્મિસ્તાનમાં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. તે સાથે પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ તેમણે મદદનીશ તરીકે ફરજ બજાવી. રાજ કપૂર નાના હતા ત્યારે 1935માં ન્યૂ થિયેટર્સના એક ‘ઇન્કિલાબ’ ચિત્રમાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. નાયક તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી. ચલચિત્રોમાં તેમને કેદાર શર્માના ચિત્ર ‘નીલકમલ’માં તક મળી હતી.

રાજ કપૂર

જોકે ‘આગ’માં તેમણે પ્રથમ વાર નરગિસ સાથે કામ કર્યું અને આ ચિત્રથી જ નરગિસ સાથેની તેમની જોડીએ એક પછી એક અનેક સફળ ચિત્રો આપ્યાં. તેમણે પોતાની ચિત્રનિર્માણ-સંસ્થા ‘આર. કે. ફિલ્મ્સ’ની  સ્થાપના કરી હતી, અને તેના નેજા હેઠળ ‘આગ’ તૈયાર થયું. તેના નિર્માતા-દિગ્દર્શક તરીકે પણ ‘આગ’ રાજ કપૂરનું પ્રથમ ચિત્ર હતું. આ ચિત્રે કથાનક અને તેની નાવીન્યપૂર્ણ રજૂઆત બંને રીતે ધ્યાન ખેંચ્યું હતું. રાજ કપૂર ભવિષ્યમાં કેવાં ચિત્રોનું નિર્માણ કરવાના છે તેનો સંકેત પણ આ ચિત્રે જ આપી દીધો હતો અને બીજા ચિત્ર ‘બરસાત’ની સફળતાએ તો તેમને નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા તરીકે પ્રથમ હરોળમાં મૂકી દીધા હતા. અર્થપૂર્ણ ગીતો અને કર્ણપ્રિય સંગીત રાજ કપૂરનાં ચિત્રોનું એક આગવું પાસું રહ્યાં છે અને છેક ‘આગ’ ચિત્રથી તેમણે આ બંને પાસાં પર ખાસ્સું ધ્યાન આપ્યું હતું. ‘આવારા’માં એક બાજુ તેમણે નાયક અને નાયિકા વચ્ચેના ગાઢ પ્રણયનું નિરૂપણ કર્યું હતું, તો તે સાથે ગુનેગારનો દીકરો ગુનેગાર બને અને સારા માણસનો દીકરો સારો જ બને એ માન્યતા ખોટી છે, પણ માણસનો ઉછેર કેવા સંજોગોમાં થાય છે તેના પર બધો આધાર છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચિત્રે માત્ર ભારતમાં જ નહિ, પણ વિદેશોમાં અને ખાસ કરીને રશિયામાં રાજ કપૂરને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી હતી. તેમનું ‘બૂટપૉલિશ’ ચિત્ર જ્યારે અમેરિકામાં પ્રદર્શિત થયું હતું ત્યારે ખ્યાતનામ ‘ટાઇમ’ સાપ્તાહિકે આ ચિત્રને એક કલાકૃતિ ગણાવ્યું હતું. રાજ કપૂરનાં તમામ ચિત્રોમાં કથાનક સામાજિક નિસબત ધરાવતાં રહ્યાં, પણ તે સૌમાં ‘શ્રી 420’ ચિત્રની હળવી અને વ્યંગ્યાત્મક રજૂઆત નોખી ભાત પાડતી હતી. રાજ કપૂરનું ચિત્ર ‘જાગતે રહો’ તેમનાં બીજાં ચિત્રો જેટલી વ્યાવસાયિક સફળતા નહોતું મેળવી શક્યું, પણ દુનિયાભરના ચિત્ર-મહોત્સવોમાં તે વખણાયું હતું અને 1956માં કાર્લોવી વારી ચિત્ર-મહોત્સવમાં તેને ગ્રાં પ્રી (Grand Prix) એનાયત કરાયો હતો. કોઈ પણ ભારતીય ચિત્રને મળેલો આ પ્રથમ ગ્રાં પ્રી હતો. રાજ કપૂરે 17 ચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાં ‘મેરા નામ જોકર’ તેમનું આત્મકથાત્મક ચિત્ર હતું. આ ચિત્ર પણ વ્યાવસાયિક દૃષ્ટિએ નિષ્ફળ રહ્યું હતું. તે પછી રાજ કપૂરે ‘બૉબી’નું નિર્માણ કર્યું ને આ ચિત્રની અભૂતપૂર્વ સફળતા સાથે હિંદી ચિત્રોમાં કિશોર-વયનાં પ્રેમીઓનાં કથાનક ધરાવતાં ચિત્રોનો એક નવો પ્રવાહ શરૂ થયો હતો. નિર્માતા તરીકે તેમનું અંતિમ ચિત્ર ‘પ્રેમરોગ’ હતું. તેમણે 10 ચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં અંતિમ ચિત્ર ‘રામ તેરી ગંગા મૈલી’ હતું. તેમનું નિધન થયું તેના એક મહિના પહેલાં તેમને 1988માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક એનાયત કરાયું હતું.

રાજ કપૂરના બંને ભાઈ શમ્મી કપૂર અને શશી કપૂર પણ તેમના સમયના જાણીતા અભિનેતાઓ હતા. રાજ કપૂરના ત્રણ પુત્રો રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર પણ અભિનયક્ષેત્રે આવ્યા હતા, જેમાંથી વધુ સફળતા ઋષિ કપૂરને મળી હતી. રાજીવ કપૂરની કારકિર્દી બહુ લાંબી ન રહી, પણ રણધીર કપૂર કેટલાંક ચિત્રોમાં અભિનય કર્યા પછી આર. કે. ફિલ્મ્સના સંચાલક અને નિર્માતા-નિર્દેશક બન્યા.

રાજ કપૂરનાં ચિત્રો પૈકી શ્રેષ્ઠ ચલચિત્ર માટે ‘બૂટપૉલિશ’ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ને; શ્રેષ્ઠ દિગ્દર્શન માટે, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘પ્રેમરોગ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ને તથા શ્રેષ્ઠ અભિનય માટે ‘અનાડી’ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ને ‘ફિલ્મફેર’ પારિતોષિકો એનાયત કરાયાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : ‘નીલકમલ’ (1947), ‘ગોપીનાથ’ (1948), ‘આગ’ (1948), ‘બરસાત’ (1949), ‘અંદાઝ’ (1949), ‘બાવરે નૈન’ (1950), ‘દાસ્તાન’ (1950), ‘આવારા’ (1951), ‘આહ’ (1953), ‘બૂટપૉલિશ’ (1954), ‘શ્રી 420’ (1955), ‘જાગતે રહો’, ‘ચોરી ચોરી’ (1956), ‘ફિર સુબહ હોગી’ (1958), ‘અનાડી’, ‘ચાર દિલ, ચાર રાહેં’ (1959), ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘છલિયા’ (1960), ‘સંગમ’ (1964), ‘તીસરી કસમ’ (1966), ‘મેરા નામ જોકર’ (1970), ‘કલ આજ ઔર કલ’ (1971), ‘બૉબી’ (1973), ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ (1978), ‘અબ્દુલ્લા’ (1980), ‘પ્રેમરોગ’ (1982), ‘રામ તેરી ગંગા મૈલી’ (1985).

હરસુખ થાનકી