રાકૈયા (નદી) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 43° 56´ દ. અ. અને 172° 13´ પૂ. રે. તે દક્ષિણ આલ્પ્સમાંથી વ્હીટકૉમ્બે ઘાટ નજીકની લાયલ અને રામસે હિમનદીઓમાંથી નીકળે છે. ત્યાંથી પ્રથમ તે પૂર્વ તરફ અને પછીથી અગ્નિ તરફ આશરે 145 કિમી. અંતર સુધી વહીને બૅંક્સ દ્વીપકલ્પની પશ્ચિમે ત્રિકોણપ્રદેશ રચે છે અને કૅન્ટરબરીના ઉપસાગરમાં ઠલવાય છે. તેને મળતી મથિયાસ અને વિલ્બરફૉર્મ શાખાનદીઓનાં પાણી તેમાં ભળે છે. આથી આ નદીનો થાળા-વિસ્તાર આશરે 2,600 ચોકિમી. જેટલો બની રહે છે. હેઠવાસમાં આ નદી કૅન્ટરબરીનાં મેદાનોને વીંધે છે. અહીંની ભૂમિ સમતળ હોવાથી આ નદી ગુંફિત (braided) જળપરિવાહ રચે છે, પરિણામે છીછરી બની રહે છે. તેથી જળવ્યવહાર (નૌકાસફર) માટે અનુકૂળ પડતી નથી. જૂના વખતમાં આ નદીને પાર કરવા માટે તેના વહેતા જળને ફાંટાઓમાં વહેંચી નાખવામાં આવતું હતું, તેથી તેનું નામ રાકૈયા (ક્રમિક વિભાજન) પડેલું છે.
આ નદીની નાળના કાંઠા પરના રાકૈયા નગર(43° 45´ દ. અ. અને 172° 01´ પૂ. રે.)થી 20 કિમી. ઉપરવાસમાં 1.6 કિમી. લાંબા પુલ પરથી ન્યૂઝીલૅન્ડના રેલ અને સડકમાર્ગો પસાર થાય છે. નદીના હેઠવાસની આજુબાજુની ભૂમિ લોએસથી છવાયેલી છે. ત્યાં ધાન્ય પાકો ઉગાડાય છે અને નદીમાંથી સાલમન માછલીઓ મેળવાય છે. ઉપરવાસમાં કૉલરીજ જળાશય ખાતે જળવિદ્યુત-મથકો સ્થાપવામાં આવેલાં છે.
જાહ્નવી ભટ્ટ