રાઉશેનબર્ગ, રૉબર્ટ (જ. 22 ઑક્ટોબર 1925, પૉર્ટ આર્થર, ટેક્સાસ, અમેરિકા) : વિશ્વના ટોચના એક આધુનિક ચિત્રકાર. તેમણે કલાનો અભ્યાસ કૅન્સાસ સિટી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસની અકાદમી જુલિયો અને નૉર્થ કૅરલાઇનની બ્લૅક માઉન્ટન કૉલેજમાં કર્યો. 1949માં તેઓ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થયા. 1958થી તેમને ખ્યાતિ મળવા લાગી અને 1977માં તેઓ ટોચના સ્થાને પહોંચી ગયા. 1977માં વૉશિંગ્ટન ડી.સી. ખાતેના નૅશનલ કલેક્શન ઑવ્ ફાઇન આર્ટ્સ ખાતે તેમનાં ચિત્રોનું પશ્ર્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શન યોજાયું અને ત્યારબાદ આ પ્રદર્શન અમેરિકાનાં ઘણાં નગરોમાં રજૂ થયું. રાઉશેનબર્ગ મૂળભૂત રીતે કૉલાજચિત્રકાર છે. કલા વિશેના ચોખલિયાપણા તથા સુગાળવાપણાવાળા ખયાલો ઉપર પ્રહાર કરવાનું વલણ રાઉશેનબર્ગની પ્રારંભિક કૃતિઓથી જ શરૂ થયેલું જોઈ શકાય છે. તેમની એક નમૂનારૂપ પ્રારંભિક કૃતિ તે હકીકતમાં તો ‘વિલેમ દ કૂનિન્ગ’નું પોતે અંશત: ભૂંસી કાઢીને પછી એમ જ રહેવા દીધેલું એક રેખાંકન છે. સામાન્યતયા ભૂસા ભરેલાં મૃત પ્રાણીઓ, પંખા, વીજળીના ગોળા, છાપાંની કાપલીઓ અને છપાયેલા ફોટા, કાપડ, લાકડાના ટુકડા, કાચ, ખાલી કૅન વગેરે ચીજવસ્તુઓ તેઓ ચિત્ર-સપાટી પર એટલી મોટી માત્રામાં ચોંટાડતા હતા કે એ ચિત્રો કબાડીના સામાનના શંભુમેળા જેવાં જણાતાં હતાં. આ ઉપરાંત તેઓ ચિત્રોની સાથે સાથે જીવંત માનવો પાસે મૂક અભિનય પણ કરાવતા હતા. ‘ધ બેડ’ અને ‘મૉનોગ્રામ’ને તેમની આવી શૈલીની નમૂનારૂપ ચિત્રકૃતિઓ ગણી શકાય. 1955માં રચાયેલી ‘ધ બેડ’ ચિત્રકૃતિમાં ખાટલાને ભીંત પર ઊભો ટીંગાડીને તેની પર રંગછાંટણાં કરેલાં. 1955-59 દરમિયાન રચાયેલી ‘મૉનોગ્રામ’માં એક બકરીની ભૂસું ભરેલી ખાલને કૉલાજ પેઇન્ટિંગ પર ચોંટાડી છે અને બકરીને કોઈ વાહનનું રબરનું ટાયર પહેરાવ્યું છે ! 1960 પછી તેમની કૃતિઓમાં દૃશ્યકલા સાથે રંગમંચીય કલાનો સમન્વય વધતો જણાય છે.

અમિતાભ મડિયા