રાખી (જ. 15 ઑગસ્ટ 1951, પદ્માનગર, હાલ બાંગ્લાદેશ) : ભારતીય અભિનેત્રી. પહેલાં બંગાળી અને પછી હિંદી ચિત્રોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવીને સંવેદનશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થયેલાં રાખી 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ કોલકાતામાં તેમનાં એક સંબંધી અને અભિનેત્રી સંધ્યા રાય પાસે મોકલી દીધાં હતાં. સંધ્યાની સાથે સ્ટુડિયોમાં જતાં હોવાને કારણે એક દિવસ તેમને એક બંગાળી ચિત્રમાં નાની ભૂમિકા મળી. બીજા ચિત્ર ‘વિદ્રોહિણી’માં તો તેઓ સૌમિત્ર ચૅટરજી સાથે નાયિકા હતાં. તેમની કારકિર્દી કોઈ ચોક્કસ ઘાટ પકડે એ પહેલાં તો એક નાટ્ય કલાકાર અજય વિશ્ર્વાસ સાથે 1966માં તેમનાં લગ્ન થઈ ગયાં. રાખી ચલચિત્રોમાં કામ કરે તે અજયને પસંદ નહિ હોવાથી બે બંગાળી ચિત્રોમાં કામ કરીને રાખીની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. પણ અજય પોતે અભિનયક્ષેત્રે કોઈ સફળતા હાંસલ કરી શકતા નહોતા તેની અસર તેમના દાંપત્ય પર પડી. બંને છૂટાં પડ્યાં. એ વખતે તેઓ મુંબઈ આવી ગયાં હતાં.

રાખી

રાખીએ કોલકાતા પરત જવાને બદલે મુંબઈમાં જ ચિત્રોમાં કામ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા અને તેમાં સફળતા પણ મળી. ધર્મેન્દ્ર સાથે તેમને પ્રથમ હિંદી ચિત્ર ‘જીવનમૃત્યુ’ મળ્યું. આ પ્રથમ ચિત્રમાં જ તેમણે વિધવાની ભૂમિકા ભજવવાની હતી. આ ભૂમિકા માટે ઘણી અભિનેત્રીઓ ના પાડી ચૂકી હતી, પણ રાખીએ તે સ્વીકારી લીધી. ‘જીવનમૃત્યુ’ની સફળતા પછી તેમને એક પછી એક ચિત્રો મળતાં રહ્યાં. જોકે રાખીએ હંમેશાં ભૂમિકાને જ પ્રાધાન્ય આપ્યું. પરિણામે તેમણે ‘રેશમા ઔર શેરા’માં એક નાનકડી ભૂમિકા પણ કરી હતી અને કલાચિત્ર ‘27 ડાઉન’માં પણ કામ કરવાનું પસંદ કર્યું હતું. દરમિયાનમાં લેખક-ગીતકાર-નિર્માતા અને દિગ્દર્શક ગુલઝારના સંપર્કમાં આવતાં 1973ની 8મી એપ્રિલે બંનેએ લગ્ન કરી લીધાં. રાખી ફિલ્મોમાં કામ કરે એ ગુલઝારને પસંદ ન હોવાથી રાખીએ ફરી એક વાર અભિનયને તિલાંજલિ આપી દીધી અને ગૃહસ્થી સંભાળવામાં વ્યસ્ત થઈ ગયાં. તેઓ એક દીકરી મેઘનાનાં માતા બન્યાં. પણ મેઘના નાની હતી ત્યારે જ ગુલઝાર સાથેના અણબનાવને કારણે રાખી મેઘનાને સાથે લઈને ગુલઝારથી જુદાં થઈ ગયાં અને ત્યારથી જુદાં જ રહે છે. જોકે મેઘનાના ઉછેરની જવાબદારી તેમના માથે આવી પડતાં ફરી એક વાર તેમણે ચિત્રોમાં કામ કરવું શરૂ કર્યું અને યશ ચોપડાના ચિત્ર ‘કભી કભી’થી તેમણે ફરી અભિનયક્ષેત્રે પુનરાગમન કર્યું અને કેટલાંક ચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ ચરિત્ર-ભૂમિકાઓ ભજવવા માંડી. રાખીએ હિંદી ઉપરાંત બંગાળી, ઊડિયા અને અસમી ચિત્રોમાં કામ કર્યું છે. ‘તપસ્યા’ ચિત્રમાં રાખીને શ્રેષ્ઠ અભિનેત્રી અને ‘દાગ’ અને ‘રામલખન’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનાં ‘ફિલ્મફેર’ પારિતોષિક મળ્યાં હતાં. 2003માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. તેમનાં પુત્રી મેઘના પણ દિગ્દર્શિકા બની ગયાં છે. તેમનું એક ચિત્ર ‘ફિલહાલ’ 2002માં પ્રદર્શિત થયું હતું.

નોંધપાત્ર ચિત્રો : ‘જીવનમૃત્યુ’ (1970), ‘રેશમા ઔર શેરા’ (1971), ‘શર્મિલી’ (1971), ‘બ્લૅકમેઇલ’ (1973), ‘દાગ’ (1973), ‘તપસ્યા’ (1975), ‘કભી કભી’ (1976), ‘દૂસરા આદમી’ (1977), ‘27 ડાઉન’ (1978), ‘કસ્મેં વાદે’ (1978), ‘મુકદ્દર કા સિકંદર’ (1978), ‘ત્રિશૂલ’ (1978), ‘કાલા પત્થર’ (1979), ‘આંચલ’ (1980), ‘બરસાત કી એક રાત’ (1981), ‘બસેરા’ (1981), ‘શ્રદ્ધાંજલિ’ (1981), ‘શ્રીમાન શ્રીમતી’ (1982), ‘શક્તિ’ (1982), ‘બેમિસાલ’ (1982), ‘પારોમા’ (1985), ‘રામ લખન’ (1989), ‘રુદાલી’ (1993), ‘કરન અર્જુન’ (1995).

હરસુખ થાનકી