રાઇસબ્રૅન (ચોખાની કુશકી) : ડાંગર-પિલાણ(rice milling)ઉદ્યોગની એક સૌથી મહત્વની ઉપપેદાશ. રાઇસ-મિલમાં ડાંગરનું પિલાણ કરતાં 70 %થી 72 % ચોખા અને ઉપપેદાશોમાં 20 %થી 22 % ફોતરી, 4 % કુશકી અને 2 % ભૂસું મળે છે.

ડાંગરના દાણાના સૌથી બહારના રેસામય પડને ફોતરી કહે છે. આ ફોતરીની નીચે રહેલા કથ્થાઈ રંગના ચોખાના દાણા(કડ)ને મેળવવા માટે તેની ઉપરની ફોતરી દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘છડામણ’ (husking) કહે છે. ડાંગરની ફોતરી દૂર થયા પછી કડને પૉલિશ કરતાં જે આવરણ છૂટું પડે છે, તેને કુશકી કહે છે. ‘રોલર’ પ્રકારની મિલ ખૂબ ચોખ્ખી કુશકી ઉત્પન્ન કરે છે; પરંતુ ‘હલર’ પ્રકારના પિલાણમાં ફોતરીનો ભૂકો થઈ જતો હોવાથી તેને કુશકીથી અલગ કરી શકાતી નથી.

રોલરમાંથી નીકળતા કડ, ફોતરી અને તરિયાના મિશ્રણમાંથી ફોતરી અલગ કર્યા પછી કડ અને તરિયાના મિશ્રણને ‘પૅડી સેપરેટર’માં દાખલ કરવામાં આવે છે, જેથી તરિયા અને કડ જુદાં પડે છે અને કડનું પૉલિશિંગ કરી શુદ્ધ કુશકી મેળવવામાં આવે છે. કડની પૉલિશ કરવા એમરી-કોન પૉલિશર અથવા હલરનો ઉપયોગ કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે ભારતમાં કુશકીનું ઉત્પાદન 5 % પ્રમાણે ગણતાં 20 લાખ ટન જેટલું થવું જોઈએ.

ગુજરાતમાં હાલમાં આશરે 3,000 જેટલા ડાંગરના પિલાણના ઘટકો નોંધાયેલા છે, તે પૈકી 1,800 સિંગલ હલર મિલ, 300 જેટલી હલર-રોલર-સંયુક્ત પ્રકારની મિલ અને 900 જેટલી અદ્યતન રાઇસ મિલો છે.

કુશકીનું રાસાયણિક બંધારણ પિલાણની પદ્ધતિ અને તેની મર્યાદા ઉપર આધાર રાખે છે. રોલરમાંથી મેળવેલ કુશકીમાં તૈલી અને પ્રોટીન-દ્રવ્યો વધારે પ્રમાણમાં અને ભસ્મ અને સિલિકા અલ્પ પ્રમાણમાં હોય છે. હલરમાંથી મેળવેલ કુશકીમાં ફોતરીનું પ્રમાણ વધારે હોવાથી ગઠનમાં તે બરછટ હોય છે અને તેલ ઓછું તેમજ ભસ્મ અને સિલિકા વધારે હોય છે. હલરમાંથી મેળવેલ કુશકીમાં પ્રોટીન-દ્રવ્ય રોલરમાંથી મેળવેલ કુશકીના પ્રોટીનના 2/3 જેટલું અને તેલ અડધું જ હોય છે. કુશકીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે. પાણી 8.9 %થી 12.5 %, લિપિડ 10.6 %થી 22.4 %, પ્રોટીન 10.6 %થી 14.8 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 38.7 %થી 44.3 %, રેસો 9.6 %થી 14.1 % અને ભસ્મ 9.3 %થી 15.0 %. કુશકીમાં સુક્રોઝ (3 %થી 5 %) અને અપચાયક (reducing) શર્કરાઓ (1.3 %) હોય છે. તેમાં પ્રજીવક દ્રવ્યો (માઇક્રોગ્રામ/ગ્રા., શુષ્ક વજનને આધારે) આ પ્રમાણે હોય છે : થાયેમિન 27.9, રાઇબોફ્લેવિન 2.14થી 4.0, નિકોટિનિક ઍસિડ 408.6, પૅન્ટોથેનિક ઍસિડ 71.3, પાયરિડૉક્સિન 32.1, બાયૉટિન 0.47 અને પ્રજીવક ‘ઇ’ 30. મીંજ કરતાં તે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન ધરાવે છે. કુશકીમાં ખનિજદ્રવ્યો આ પ્રમાણે હોય છે : કૅલ્શિયમ 0.13 %, ફૉસ્ફરસ 2.39 %, પોટૅશિયમ 0.14 %, સોડિયમ 0.24 %, મૅગ્નેશિયમ 0.14 % અને સિલિકા 4.07 %. કુશકીમાં લોહ (224 પી.પી.એમ.), ઍલ્યુમિનિયમ, તાંબું, મૅંગેનીઝ, ટિન અને ક્લોરિન પણ હોય છે.

ફોતરી વિનાની કુશકી ઊંચું પોષણમૂલ્ય ધરાવે છે. તેનું પોષણમૂલ્ય આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 89.0 %, પ્રોટીન 9.3 %, પાચ્ય પ્રોટીન 6.1 %. કુલ પાચ્ય પોષકો 54.5 %, પોષક-ગુણોત્તર 8.3. કુશકીનો મુખ્ય ઉપયોગ ઢોરના ખાણ તરીકે થાય છે. હલર પ્રકારના પિલાણથી મેળવેલી કુશકી ઢોરો માટે સલામત નથી; કારણ કે તેનાથી પ્રાણીઓમાં પાચનતંત્રને લગતા રોગો થાય છે. તે મનુષ્યને થતા બેરીબેરીના રોગમાં ઉપયોગી છે. તે તાજી હોય ત્યાં સુધી ખાદ્ય હોય છે, પરંતુ તેનો સંગ્રહ કરતાં ખરાબ વાસ મારે છે. ઢોરોને કુશકી ખવરાવતાં દૂધનું ઉત્પાદન વધે છે.

કુશકી અથવા તેનો જલીય નિષ્કર્ષ મરઘીમાં બહુચેતાશોથ(polyneuritis)ની સામે રક્ષણાત્મક પ્રક્રિયા આપે છે. તે મચ્છરની ઇયળોનો નાશ કરે છે. જાપાનમાં તેમાંથી અલગ કરેલા ત્રણ પદાર્થો ત્વચાના રોગોમાં ઉપયોગી છે.

કુશકીમાં વધારેમાં વધારે 25 % જેટલું તેલ હોય છે, જેનો ખાવામાં અને અન્ય હેતુઓ માટે ઉપયોગ થાય છે. જાપાનમાં વિપુલ જથ્થામાં કુશકીમાંથી તેલ કાઢવામાં આવે છે. હાલમાં ભારતમાં કુશકીના તેલનો ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે અને તે લગભગ 1.5 લાખ ટન જેટલા તેલનું ઉત્પાદન કરે છે. કુશકીમાં 17 %થી 22 % જેટલું તૈલી દ્રવ્ય હોય છે. પિલાણ પછી તુરત જ કુશકીમાંથી તેલ મેળવી લેવામાં આવે છે. ડાંગરમાંથી કુશકી કાઢતાં તેમાં રહેલો લાઇપેઝ નામનો અત્યંત સક્રિય ઉત્સેચક લિપિડનું જલાપઘટન (hydrolysis) કરી મુક્ત ફૅટી ઍસિડો ઉત્પન્ન કરે છે અને તેલ ઝડપથી બગડે છે. સંગ્રહના પ્રથમ થોડા કલાકો 1 %ના દરે ફૅટી ઍસિડો મુક્ત થાય છે. તાજી કુશકીમાંથી પ્રાપ્ત કરેલા તેલમાં 3 % જેટલા મુક્ત ફૅટી ઍસિડો હોય છે અને 100 દિવસ પછી તેનું પ્રમાણ 62.5 % થાય છે. પિલાણ પછી 100° સે. તાપમાને બે કલાક માટે કુશકીને રાખતાં લિપિડનું જલાપઘટન કરતું ઉત્સેચકીય તંત્ર નિષ્ક્રિય થઈ જાય છે અને કુશકીની સંગ્રહની મર્યાદા ઘણી વધારી શકાય છે. વધારે અમ્લીયતા ધરાવતા તેલનું ખાદ્ય કક્ષાનું પરિષ્કરણ (refinement) અને વિરંજન (bleaching) થઈ શકતું નથી. પરિષ્કૃત તેલ આછા લીલા રંગનું હોય છે અને સારી વાસ ધરાવે છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 0.916થી 0.921 છે. અસાબુનીકરણીય (unsaponifiable) દ્રવ્યમાં ટોકૉફેરૉલ (તેલમાં આશરે 0.1 %), સીટોસ્ટેરૉલ અને સ્ટિગ્મોસ્ટેરૉલ હોય છે. તેલમાં કૅલ્સિફેરૉલ જેવો પદાર્થ પણ માલૂમ પડ્યો છે. α અને γ ટોકૉફેરૉલ જેવા પ્રતિ-ઉપચાયકો(antioxidants)ની હાજરીને લીધે તેની ગુણવત્તા જળવાઈ રહે છે. આ ખાદ્યતેલ રુધિરનું ઊંચું દબાણ ધરાવતા દર્દીઓ માટે વધારે હિતાવહ છે અને ઔષધ તથા સૌંદર્ય-પ્રસાધનોના ઉત્પાદનમાં પાયસીકારક (emulsifier), વિરૂપક (deformer) અને મૃદુકારી (softener) તરીકે વપરાય છે. તાજેતરમાં વિકસતા પ્લાસ્ટિક અને સાંશ્લેષિક રબર-ઉદ્યોગમાં કુશકીમાંથી મળતા ફૅટી ઍસિડ અને તેલનો વિશેષ માત્રામાં ઉપયોગ થાય છે. કુશકીના તેલ અને યુરિયા-રેઝિનમાંથી એક નવા પ્રકારના સખત સાંશ્લેષિક રેસા મેળવી શકાય છે; જેનો વસ્ત્ર-ઉદ્યોગ, જાળી અને દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે. આવા રેસાઓ દરિયાના પાણીમાં કોહવાતા નહિ હોવાને લીધે માછલાં પકડવાની જાળ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. સ્ક્વેલિન નામના ઘટકનો ત્વચાના રોગો અને ફેફસાનો ક્ષય મટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

કુશકીનું અખાદ્ય તેલ સાબુ બનાવવા, ઓલેઇન અને સ્ટિયરિન નાળિયેર કે તાડના તેલ સાથે ડિટરજન્ટ બનાવવામાં ખૂબ ઉપયોગી છે. તેલનું બહુલીકરણ (polymerization) અને સલ્ફોનીકરણ (sulphonation) કરી તેનો લૉન્ડ્રી-વસ્ત્ર (textile) અને ચામડાની ચિકિત્સામાં ડિટરજન્ટ તરીકે ઉપયોગ થાય છે. તેલને 200° સે.થી 230° સે. તાપમાને ત્રણ કલાક માટે મેલેઇક ઍન્હાઇડ્રાઇડ સાથે ઉકાળી વાર્નિશનું બંધારણ આપવામાં આવે છે અને નમ્ય (flexible) ફિલ્મનું ઉત્પાદન કરવામાં આવે છે. ફિનૉલીય રાળ અને CNSL રાળ સાથે ચિકિત્સા આપી ઇનૅમલ બનાવી શકાય છે. કુશકીનું તેલ ઉંદરના યકૃતમાં કૅન્સર થતું અટકાવે છે. ઉચ્ચ નિર્વાત-નિસ્યંદન (vacuum distillation) દ્વારા ટોકૉફેરૉલને અલગ કરવામાં આવે છે. ડાંગરના પ્રાંકુર(germ)ના તેલમાં કુશકી કરતાં ત્રણથી ચારગણો ટોકૉફેરૉલ હોય છે. નિષ્કર્ષિત કુશકીનો લોટ સારી રીતે રહી શકે છે, કારણ કે તેમાં લિપિડ અને ભેજ ઓછો હોય છે તેમજ પ્રજીવક ‘બી’ અને ખનિજો વિપુલ પ્રમાણમાં હોય છે તેમજ કુશકી કરતાં તે ઢોરો માટે વધારે સારો ખોરાક છે. મરઘાં-બતકાં અને સૂવરને પૂરક ખોરાક તરીકે તે આપવામાં આવે છે.

કુશકીના તેલના નિષ્કર્ષણ દરમિયાન કુલ તેલના 3 %થી 9 % જેટલું મીણ ઉપપેદાશ તરીકે મેળવવામાં આવે છે. અશુદ્ધ મીણ બદામી કે કથ્થાઈ રંગનું હોય છે અને અશુદ્ધ કુશકીના તેલ જેવી વાસ ધરાવે છે. તેનું ગઠન મૃદુ હોય છે અને બહુ થોડોક જ ભાગ કઠણ હોય છે; જે વધારે કીમતી હોય છે. આ કઠણ મીણ કાળા રંગનું હોય છે, જેનું હાઇડ્રોજન પેરૉક્સાઇડ અને ત્યારપછી સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડની ચિકિત્સા આપી વિરંજન કરી સફેદ મીણ પ્રાપ્ત કરી શકાય છે. આ કઠણ મીણના બંધારણમાં મિરિસિલ સેરોટેટ (43 %થી 44 %), સેરિલ સેરોટેટ (21 %થી 22 %) અને આઇસોસેરિલ-આઇસોસેરોટેટ (9.5 %થી 10.5 %) હોય છે. તેની તુલના ‘કાર્નોબા’ મીણ સાથે થઈ શકે છે. તેનો સૌંદર્ય-પ્રસાધનોની બનાવટમાં, ખાસ પ્રકારનાં કવર બનાવવા, કાર્બન-પેપર, સ્ટેન્સિલ અને મીણબત્તીઓ ઉપરાંત, ચૉકલેટ, ચૂઇંગ ગમ, ફળ અને શાકભાજીના સંવેષ્ટન(packing)માં ખૂબ ઉપયોગ થાય છે.

મૃદુ મીણના અસાબુનીકરણીય દ્રવ્યમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત ફૅટી ઍસિડો (C14-20), સિટોસ્ટેરૉલ, સ્ટિગ્મેસ્ટેરૉલ, ફૉસ્ફેરિડ, સ્ક્વેલિન અને ટોકૉફેરૉલ હોય છે.

કુશકીમાંથી તેલ કાઢી નાખ્યા પછી રહેલા કૂચાને ખોળ કહે છે. તેનો ઢોરોના ખાણ તરીકે ઉપયોગ થાય છે. તેલયુક્ત ખોળમાં નુકસાનકારક તત્ત્વો હોવાથી પોષકતત્ત્વોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થતો નથી. તેલરહિત કુશકીમાં પ્રોટીન ખૂબ જ ઉપયોગી અને પોષક હોય છે.

તેલયુક્ત કુશકીના ખોળમાં ચરબી અને મીણ હોવાથી છોડના મૂળને નુકસાન થાય છે. તેલરહિત ખોળમાં તેલયુક્ત ખોળ કરતાં નાઇટ્રોજન, ફૉસ્ફેટિક ઍસિડ અને પોટાશનું પ્રમાણ વધારે હોય છે.

કુશકીના ખોળમાં પ્રજીવક ‘બી’, ‘બી7’, ઍમિનોઍસિડ, ફૉસ્ફેટિક ઍસિડ અને ઇનોસિટોલ હોવાથી ઔષધ અને રોજિંદા આહારની વસ્તુઓના ઉત્પાદનમાં તે ઉપયોગી છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ