રાઇન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : ટેનિસનાં અમેરિકન મહિલા-ખેલાડી. 1914 અને 1934ની વચ્ચે તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડનનાં યુગ્મ (doubles) વિજયપદકોનાં વિજેતા બન્યાં હતાં. એમાં 12 મહિલા-યુગ્મ વિજયપદકો અને 7 મિશ્ર (mixed) વિજયપદકો હતાં. 1979માં બિલી કિંગ આ આંક પાર કરી શક્યાં હતાં. યુગ્મરમતનાં ખેલાડી તરીકેની તેમની સર્વોપરિતા દર્શાવતા બીજા ઘણા વિજય તેમણે મહત્વની ચૅમ્પિયન-સ્પર્ધાઓમાં મેળવ્યા હતા, જે આ પ્રમાણે છે : ફ્રેન્ચ – 4 મહિલા-યુગ્મ; યુ.એસ. – 9 મહિલા-યુગ્મ અને 2 મિશ્ર; ઇટાલિયન – 9 મહિલા-યુગ્મ અને 9 મિશ્ર; અને વિશ્વ હાર્ડ કૉર્ટ – 2 મહિલા-યુગ્મ અને 2 મિશ્ર. તેમને મળેલા મહિલા- યુગ્મ સ્પર્ધાના 20 વિજયોમાંથી 8 વિજયમાં તેમનાં સાથીદાર તરીકે સુઝાન લગ્લેન હતાં. રાઇનને મળેલા એકલ (singles) વિજયમાં 1924 અને 1925માં બ્રિટિશ હાર્ડ કૉર્ટ વિજયપદક તથા 1933માં ઇટાલિયન વિજયપદકનો સમાવેશ થતો હતો. 1921 અને 1930માં વિમ્બલડન ખાતે અને 1926માં યુ. એસ. ચૅમ્પિયનશિપમાં તેઓ છેવટની સ્પર્ધામાં હારી ગયાં હતાં.

1912માં તેઓ ઇંગ્લૅન્ડની પ્રથમ મુલાકાતે આવ્યાં ત્યારપછી ત્યાં જ સ્થાયી વસવાટ સ્વીકાર્યો અને ઇતિહાસમાં તેઓ આ ટુર્નામેન્ટનાં કદાચ સૌથી ખંતીલાં ખેલાડી બની રહ્યાં. તેઓ 659 ટુર્નામેન્ટમાં વિજયી બન્યાં હતાં. તેમાં 1914ની ઇમ્પીરિયલ રશિયાની આખરી ટુર્નામેન્ટનો સમાવેશ પણ થાય છે; આ ઉપરાંત બીજી 800 ઉપરાંત ટુર્નામેન્ટમાં રનર્સ-અપ નીવડ્યાં હતાં. તેમની કારકિર્દી-નોંધ પરથી જણાય છે કે તેઓ તમામ યુગ્મ-ખેલાડીઓમાં સૌથી મહાન હતાં અને ‘ચૉપ સ્ટ્રોક’ અને ‘ચૉપ વૉલી’ એ ખેલાડી તરીકેની તેમની સબળ તાકાત હતી.

તેમનું અવસાન પણ બહુ સૂચક અને સમુચિત રહ્યું. જે દિવસે બિલી કિંગે વિજયપદકો જીતવાની સંખ્યાનો તેમનો વિક્રમ તોડ્યો તેના આગલા જ દિવસે વિમ્બલડન ખાતે તેમનું અવસાન થયું !

મહેશ ચોકસી