રાઈનો પર્વત (1913) : રમણભાઈ મહીપતરામ નીલકંઠે રચેલું ગુજરાતી સાહિત્યનું પ્રશિષ્ટ સાહિત્યિક નાટક. તેમાં 7 અંક અને 35 પ્રવેશો છે. નાટ્યકારે નાટકનું કથાવસ્તુ મહીપતરામ નીલકંઠ સંપાદિત ‘ભવાઈ સંગ્રહ’માંના ‘લાલજી મણિયાર’ના વેશમાં આવતા દુહા પરથી અને દુહા નીચે પાદટીપમાં મુકાયેલી વાર્તા પરથી લીધું છે અને તેમાં ઉચિત ફેરફારો કરી સ્વપ્રતિભાબળે મૌલિક રીતે વિકસાવ્યું છે. ગુજરાતની ભાતીગળ ભવાઈ પરંપરા, સંસ્કૃત નાટ્યપ્રણાલી અને પાશ્ર્ચાત્ય નાટકનાં તત્ત્વોને સમાવિષ્ટ કરી રમણભાઈએ નીતિ-અનીતિ, ધર્મ-અધર્મ, સાધન-સાધ્ય જેવાં દ્વંદ્વોને સંઘર્ષના મુદ્દા બનાવી સદાચાર અને પ્રભુપ્રીતિનો મહિમા ગાયો છે.

અમૃતદેવી પોતાના પતિનું રાજ્ય પાછું મેળવવા અને પુત્ર જગદીપને હકપૂર્વકની રાજગાદી પાછી અપાવવા જાલકા માલણનો વેશ ધારણ કરે છે અને જગદીપને રાઈ બનાવે છે. વૃદ્ધ રાજા પર્વતરાય જુવાન થવાના અભરખા સાથે જાલકાના વૃક્ષપ્રયોગને જોવા આવતાં અજાણતાં રાઈના બાણથી મૃત્યુ પામે છે. કુશાગ્ર બુદ્ધિવાળી જાલકા આ તકનો લાભ લઈ પ્રપંચલીલા આદરે છે અને રાઈને પર્વતરાય તરીકે જાહેર કરે છે; પણ સાધનસાધ્યશુદ્ધિમાં માનનારો તેમજ શીલ અને સત્યની પ્રતિષ્ઠા માટે મથનારો રાઈ અધર્મથી રાણી લીલાવતીના પતિ થવાનું અને કપટથી રાજ્યગાદી પ્રાપ્ત કરવાનું સ્વીકારતો નથી અને પોતાની સાચી ઓળખ પ્રગટ કરી દે છે. પ્રાર્થનાસમાજવાદી રમણભાઈ નીલકંઠે છેલ્લા 2 અંકોમાં રાઈનું વિધવા વીણાવતી સાથે લગ્ન ગોઠવી પોતાની સમાજ-સુધારક તરીકેની મુદ્રા ઉપસાવી છે. તેને કારણે નાટક વસ્તુસંકલનાની દૃષ્ટિએ શિથિલ બન્યું છે; તેમ છતાં ‘રાઈનો પર્વત’ પંડિતયુગનું સમર્થ પ્રતિનિધિ-નાટક બન્યું છે. તેમાં રમણભાઈની પ્રભુનિષ્ઠા અને ઉદાત્ત જીવનમૂલ્યો માટેની નિસબત સુપેરે પ્રગટ થાય છે. અંતમાં જગદીપ અને શીતલસિંહ કેન્દ્રવર્તી દુહો ગાય છે :

પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;

રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી.

જૂની રંગભૂમિની નામાંકિત સંસ્થા મુંબઈ ગુજરાતી નાટક મંડળી તરફથી 1926માં આ નાટક ભજવાયું હતું. સાહિત્યિક સજ્જતાથી નોખા તરી આવતા આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને નાટ્યકાર ચિનુ મોદીએ મુત્સદ્દી જાલકાને અને નાટ્યકાર હસમુખ બારાડીએ  લોકઆંદોલનને કેન્દ્રીય વિષય બનાવી, પરિપ્રેક્ષ્યબિંદુ બદલી અનુક્રમે ‘જાલકા’ (1985) અને ‘રાઈનો દર્પણરાય’ (1989) જેવાં ટોટલ થિયેટરનાં મંચનક્ષમ નાટકો આપ્યાં છે.

લવકુમાર દેસાઈ