રાઇટ, ફ્રૅન્ક લૉઇડ (જ. 1867, રિચલૅન્ડ સેન્ટર, મિશિગન; અ. 1959) : મહાન આધુનિક અમેરિકન સ્થપતિ. વિસ્કૉન્સિનમાં સિવિલ ઇજનેરીમાં અભ્યાસ. તેમની કલાસાધના 60થી વધુ વર્ષ સુધી પ્રસરેલી છે. અને તે કોઈ રીતે ચીલાચાલુ, પરંપરાજડ કે રૂઢિબદ્ધ રહી નથી. શરૂઆતમાં તેઓ તેમના સતત પ્રશંસાપાત્ર સ્થપતિ લૂઇસ સલિવાન સાથે સંકળાયા હતા. નવી બાંધેલી ઇમારતનો આગળનો ભાગ તૂટી પડતાં સ્થાપત્યમાં ઇજનેરી સિદ્ધાંતો લાગુ પાડવા પ્રેરાયા. શિકાગોમાં સ્થિર થયા બાદ તેમણે પ્રેઅરી હાઉસનો પ્રથમ પ્રકાર ઓક પાર્ક, નદી તરફના વિસ્તારમાં વિકસાવ્યો. એ પ્રકારનાં ઘરો નીચાં, પણ વિસ્તારવાળાં, એકબીજા સાથે સંકળાયેલા ઓરડાવાળાં, ઉદ્યાનો સાથે સુમેળ સાધતાં ઓટલા-અટારીવાળાં અને બહાર નીકળતાં છજાંવાળાં હતાં. આ પ્રકારે તેમને પ્રસિદ્ધિ અપાવી. સ્થાપત્યની આ વિકાસ-પ્રક્રિયા સુવાંગે ચાલતી રહી અને તે ક્ષેત્રમાં અન્ય કોઈ સ્થપતિ કરતાં તેમની સ્થાપત્યરચનાઓમાં સવિશેષ સાહસ અને નાવીન્ય પ્રગટેલું જોઈ શકાયું. આ શ્રેણી 1900થી શરૂ થઈ, 1905 સુધીમાં પૂર્ણતાએ પહોંચી. શિકાગોનું રૉબી હાઉસ (1908) ઉપર્યુક્ત સ્થાપત્ય-વિધાનની પરાકાષ્ઠારૂપ છે. જેમ કેટલીક ખાનગી તેમ જાહેર સ્થાપત્ય-રચનાઓ પણ તેમના તાજગીભર્યા અભિગમ સાથે તૈયાર થઈ. તેમાં યુનિટી ટેમ્પલ, ઓક પાર્ક (1905-06) નામનું દેવળ અને લર્કિન બિલ્ડિંગ, બફેલો (1905) નામનું કાર્યાલયનું એક મકાન એકસાથે તૈયાર કર્યાં. તેમાં લર્ક્ધિા બિલ્ડિંગને કાળની સૌથી વધુ મૌલિક સ્થાપત્યરચના કહી શકાય.
પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં તેમને કેટલાંક મોટાં કામો મળ્યાં; જેવાં કે, મિડ્વે ગાર્ડન્સ, શિકાગો (1913) અને ટોકિયો ખાતેની ઇમ્પીરિયલ હોટેલ (1916-20), જે મનોરંજન માટેની ભારે ખર્ચાળ ઇમારત તરીકે થોડો સમય જ ટકી શકી. આ કામમાં જાપાનમાં પાછળથી સ્થાયી થયેલા ઍન્ટૉનિન રેમન્ડની સહાય એમને સાંપડેલી. આ બંને ઇમારતોને ભારે સુશોભિત કરવામાં આવી હતી અને આ સુશોભનના બહુકોણીય અને તીવ્ર અણીદાર આકૃતિઓના ઉપયોગમાં પૂરેપૂરી રાઇટની દૃષ્ટિ કામ કરતી હતી. 1920ના દાયકાનાં પ્રેઅરી હાઉસોમાં તે તત્વો ઓછાં જોવા મળે છે. રાઇટે પછી પહેલેથી ઢાળીને તૈયાર કરેલા કૉન્ક્રીટ બ્લૉકવાળી, બહારની સપાટીના ભાગોને પણ સુશોભિત કરતી નવી ટેક્નિક દાખલ કરી.
સ્થાપત્યવિધાનની આંતરરાષ્ટ્રીય પ્રચલિત પ્રણાલિકાથી ચાતરીને રાઇટે સ્થાપત્યવિકાસમાં પોતાની રીતે પ્રયોગો આગળ ધપાવ્યા. આમાં અપવાદરૂપ રચના તે તેમણે કરેલ ફૉલિંગ વૉટર, બિયર રન, પેન્સિલવેનિયા (1937-39). તે વખતના યુરોપના કહેવાતા ઇન્ટરનૅશનલ મૉડર્નની વધુ નજીકની તે સ્થાપત્યરચના હતી. 1914-17ના અરસામાં તેના પોતાના કામનો પ્રભાવ ગ્રૉપિયસ તેમજ ડચ દ સ્ટિજ્લ જૂથ પર પડેલો. વિસ્કૉન્સિનમાં ટેલિસિન ખાતે તેમણે ત્રણ વખત (1911, 1914 અને 1925) ઇમારતો બાંધી અને પછી વધુ એક રચના ઍરિઝોનામાં ટેલિસિન વિન્ટર કૅમ્પ નામની ખૂબ પ્રભાવક અને કલ્પનારમ્ય કરી (1927).
જોકે, વિશ્વવ્યાપી ખ્યાતિ તેમને ઘણી મોડી મળી, અને ફક્ત છેલ્લાં 20 વર્ષ દરમિયાન, એટલે પોતે 70ની વયે પહોંચ્યા ત્યારે, ઘણાં મોટાં કામો એમને મળ્યાં. તેમાંનું પ્રથમ હતું : રેસીન, વિસ્કૉન્સિન ખાતેની જૉન્સન વૅક્સ ફૅક્ટરી (193639). અહીં તેમણે ઈંટો અને કાચની નળીઓથી કાર્યાલયની ઇમારત ઊભી કરી; અને તેની અંદરના ભાગે પ્રબલિત કૉન્ક્રીટ મશરમ સ્તંભોની રચના કરી. 1949માં તેમાં પ્રયોગશાળા-ટાવરનો ઉમેરો થયો. ફ્લૉરિડા સધર્ન કૉલેજનું દેવઘર (ચૅપલ) 1942માં બંધાવું શરૂ થયું. 1960માં તે પૂરું થયું અને ઑક્લાહોમાના બાર્ટલેસ્વિલે ખાતેની કચેરીની ગગનચુંબી ઇમારતનું બાંધકામ 1955માં પૂરું કરવામાં આવ્યું. વર્તુળાકાર આયોજનમાં સર્પિલ ઢોળાવથી રચાયેલું આ મ્યુઝિયમ વ્યવહારદૃષ્ટિએ કદાચ પૂરતું કાર્યક્ષમ કે સલામત ન લાગે, તોયે આકૃતિવિધાનની ષ્ટિએ નિ:સંશય પ્રભાવક બની રહ્યું.
આમ તેઓ ભૂમિનાં કુદરતી લક્ષણોને અનુરૂપ આયોજન કરીને અદ્યતન ખાનગી નિવાસોના અગ્રણી ડિઝાઇનર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ટોકિયોની ઇમ્પીરિયલ હોટેલ અને ન્યૂયૉર્ક શહેરમાં બાંધેલ ગગેનહૅમ મ્યુઝિયમ ઑવ્ આર્ટ તેમનાં ઘણાં મોટાં ઇમારતી કાર્યો છે.
સ્નેહલ શાહ
અનુ. બળદેવભાઈ કનીજિયા