રાઇખસ્ટાઇન, ટેડ્યઝ (જ. 20 જુલાઈ 1897, પોલૅન્ડ અ. 1 ઑગસ્ટ 1996, બસેલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સન 1950ના ફિલિપ શ્વૉલ્ટર હેન્ચ અને એડવર્ડ સી. કેન્ડાલ સાથે તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા તથા સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક. તેમને અધિવૃક્ક બાહ્યક નામની અંતસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવોની રાસાયણિક સંરચના, જૈવિક અસરો વગેરે બાબતો વિશે શોધ કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું હતું.

ટેડ્યઝ રાઇખસ્ટાઇન
રાઇખસ્ટાઇન સ્ટોડિન્ગરના વિદ્યાર્થી હતા અને ઝૂરિચમાં સન 1922માં સ્નાતક બન્યા હતા. તેમણે કેન્ડાલ અને હેન્ચ સાથે અધિવૃક્ક-બાહ્યકના અંતઃસ્રાવો અંગે સંશોધન કર્યું અને કૉર્ટિઝોન નામના અંતઃસ્રાવને અલગ કરી આપ્યો, જેને કારણે તેનો હાલ ચિકિત્સાલક્ષી ઉપયોગ સંભવિત બન્યો છે. હેન્ચે કૉર્ટિઝોનનો આમવાતી સંધિશોથ નામના રોગમાં સફળ ઉપચાર તરીકે ઉપયોગ કર્યો. હાલ તેનો દમ, ઍલર્જી (વિષમોર્જા), લોહીનાં કેટલાંક કૅન્સર વગેરે અન્ય વિવિધ રોગોની સારવારમાં ઉપયોગ થાય છે. આમ રાઇખસ્ટાઇને કૉર્ટિઝોનના અલગીકરણમાં તથા તેના ચિકિત્સીય ઉપયોગમાં સંશોધન કરીને તથા તેના ચિકિત્સીય ઉપયોગમાં સંશોધન કરીને ઘણી ઉપયોગી માહિતી મેળવી આપી.
શિલીન નં. શુક્લ