રહોડ્ઝ, સેસિલ જૉન (જ. 5 જુલાઈ 1853, હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1902, કિમ્બરલી, દ. આફ્રિકા) : બ્રિટિશ રાજદ્વારી પુરુષ અને હીરા-ઉદ્યોગના બેતાજ બાદશાહ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યને દક્ષિણ આફ્રિકામાં વિસ્તારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વધુમાં વધુ જહેમત ઉઠાવેલી.

સેસિલ જૉન રહોડ્ઝ

તે પાદરીના પુત્ર હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં તેમનો એક ભાઈ કપાસની ખેતી કરતો હતો ત્યાં તે 1870માં ગયા. બીજા વર્ષે તેમના ભાઈએ કિમ્બરલી ખાતે હીરાની ખાણ શરૂ કરી તેમાં તે સુપરવાઇઝર બન્યા. 1873માં ભાઈએ ખાણનું કામકાજ છોડી દેતાં તેમણે ખાણનો કારોબાર સંભાળ્યો, સાથે સાથે 1873માં જ તે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે દાખલ થયા. દર વર્ષે છ માસ ત્યાં ગાળતા રહીને 1881માં તે સ્નાતક બન્યા. આ વર્ષો દરમિયાન રહોડ્ઝે કિમ્બરલી ખાતેની બીજી વધુ ખાણોનો કબજો પણ મેળવેલો.

1881માં દક્ષિણ આફ્રિકાની કેપ કૉલોનીની એસેમ્બ્લીમાં તેઓ ચૂંટાયા. એસેમ્બ્લીમાં ચૂંટાયા બાદ તેમણે તુરત જ બ્રિટિશ ઇમ્પીરિયલ ઑથૉરિટીને દક્ષિણ આફ્રિકાના આ વિસ્તારનો કબજો મેળવી લેવા જરૂરી તજવીજ કરવા જણાવ્યું. આ માટે તેમણે તત્કાલીન બેચુઆનાલૅન્ડ(હાલના બૉત્સ્વાના)ને 1885માં દબાણ કર્યું. ચાર વર્ષ બાદ, તેમણે ન્ડેબેલે (માતાબેલે) લોકોને પણ તેમનો પ્રદેશ ગ્રેટ બ્રિટનને સોંપી દેવા માટે પણ દબાણ કર્યું. આ પ્રદેશ પછીથી રહોડેશિયા રાજ્ય બન્યું – આજે તે ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેમાં વિભાજિત થયેલું છે. બ્રિટિશ સાઉથ આફ્રિકા કંપનીને આ પ્રદેશ સોંપાયો. રહોડ્ઝ આ કંપનીના મુખ્ય અધિકારી બન્યા. આ દરમિયાન, 1888 સુધીમાં તેમણે અહીંની બધી જ હીરાની ખાણોને ‘ધ બિયર્સ કોન્સૉલિડેટેડ માઇન્સ’ હેઠળ લાવી મૂકી. આ રીતે હીરા-ઉદ્યોગના વ્યવસાયને કારણે તેઓ ખૂબ જ શ્રીમંત અને સત્તાશાળી બની રહ્યા.

1890માં રહોડ્ઝ કેપ કૉલોનીના વડાપ્રધાન બન્યા. તેમણે કેપથી કાઇરો (કેરો) સુધી ઉત્તર-દક્ષિણ આફ્રિકાને રેલમાર્ગથી જોડવા માટેનું આયોજન કર્યું. પણ તેમને તેમાં સફળતા મળી નહિ; આની પાછળ આફ્રિકા ખંડના ઘણા વિસ્તારો બ્રિટિશ હકૂમત હેઠળ આવે એવી તેમની યોજના હતી.

રહોડ્ઝે એ પણ વિચારી જોયું કે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ શાસનનો વિસ્તાર ડચ લોકોના ભોગે જ થઈ શકે તેમ છે. ડચ લોકો સેંકડો વર્ષોથી  દક્ષિણ આફ્રિકામાં આવીને વસ્યા હતા. અને તેમને હસ્તક ઘણી અસ્કામતો હતી. પોતાની યોજના સિદ્ધ કરવા ડચ ટ્રાન્સવાલની રાજદ્વારી બાબતોમાં તેમણે ખલેલ પહોંચાડવા માંડી. રહોડેશિયન દળોએ ટ્રાન્સવાલમાં હુમલા શરૂ કર્યા, જેને માટે તે પોતે મોટા પાયા પર જવાબદાર હતા. 1895ના ડિસેમ્બરમાં બનેલી આ ઘટના માટે તેમના આયોજનમાં ઘણી ખામીઓ હોવાથી તેઓ ઘણી ટીકાને પાત્ર બન્યા અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. પરિણામે તેમણે કેપ કૉલોનીના વડાપ્રધાનપદેથી રાજીનામું મૂક્યું અને બ્રિટિશ સત્તાનું વિસ્તરણ કઈ રીતે થાય એ સમયની રાહ જોવાનું ઉચિત ગણ્યું.

1899માં ઍંગ્લો-બોઅર યુદ્ધ થયું ત્યારે રહોડ્ઝ કિમ્બરલી ખાતે હતા. તેમણે કિમ્બરલી શહેરને યુદ્ધથી રક્ષણ મળે તે માટે મદદ કરી, પરંતુ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને યુદ્ધ પૂરું થાય તેના બે માસ અગાઉ તેઓ મૃત્યુ પામ્યા.

પોતાની મિલકતનું તેમણે વસિયતનામું કરેલું અને તે જાહેર સેવાનાં કાર્યોમાં ઉપયોગમાં લેવાય એવી ઇચ્છા વ્યક્ત કરેલી. તેમની કેટલીક રકમ તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીને દાનમાં આપેલી, જેમાંથી જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ મળે એવી વ્યવસ્થા પણ તેમણે કરી છે.

ગિરીશભાઈ પંડ્યા