રહોડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 29 ઑક્ટોબર 1876, કિર્બઇટન, યૉર્કશાયર, યુ.કે.; અ. 8 જુલાઈ 1973, બૅન્કસમ પાર્ક, ડૉરસેટ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. પ્રથમ કક્ષાની ક્રિકેટ મૅચમાં તેમણે કાયમ માટે સૌથી વધારે વિકેટ ઝડપી હતી અને તેઓ એક સર્વાંગનિપુણ (all rounder) ખેલાડી હતા. તેમનો રનનો જુમલો કેવળ 15 બૅટધર વટાવી શક્યા હતા. તેમની સમગ્ર લાંબી કારકિર્દી દરમિયાન તેઓ અત્યંત નિપુણ સ્લો લેફ્ટ-આર્મ ગોલંદાજ બની રહ્યા. સાથે સંગીન બૅટિંગમાં પ્રગતિ થતી રહી, આને પરિણામે 1899ની પ્રથમ સિરીઝમાં તેઓ ઇંગ્લૅન્ડની ટીમમાં 10મા ક્રમના ખેલાડી હતા, તેમાંથી તેમણે એવો વિકાસ સાધ્યો કે 1909થી 1921ના ગાળા દરમિયાન તેઓ મુખ્યત્વે જૅક હૉબ્ઝ સાથે દાવની શરૂઆત કરવા લાગ્યા. જૅક હૉબ્ઝની સાથે તેમણે 8 વાર ઓપનિંગમાં સદીની ભાગીદારી નોંધાવી.

ટેસ્ટ ક્રિકેટમાં દરેક ક્રમે બૅટિંગ કરનારા 3 પૈકીના તેઓ પણ એક ખેલાડી બની રહ્યા. એક સિઝનમાં 1,000 રન તથા 100 વિકેટની બેવડી (doubles) સિદ્ધિ તેમણે 16 વાર હાંસલ કરી અને આ એક કાયમી વિક્રમ છે. એ જ રીતે 23 સિઝનમાં 100 કે તેથી વિશેષ વિકેટ ઝડપવાનો પણ એવો જ કાયમી વિક્રમ છે.

1898ની પ્રથમ સિઝનમાં 14.60ની સરેરાશથી 150 વિકેટ ઝડપી, ત્યાંથી માંડીને 1900માં 13.81ની સરેરાશથી ‘પીક સિઝન’માં 261 વિકેટ ઝડપી. તેમણે પ્રત્યેક સિઝનમાં વિકેટદીઠ 20થી પણ ઓછા રન આપ્યા. 1903થી 1926 વચ્ચેના ગાળામાં ઇંગ્લૅન્ડમાંની 20 પૈકીની પ્રત્યેક સિઝનમાં તેમણે 1,000 ઉપરાંત રન કર્યા. તેમાં 1911માં 2,261 રન કર્યા, તે તેમનો સર્વોચ્ચ સ્કોર બની રહ્યો. જમૈકામાં કિંગ્સ્ટન ખાતે 52 વર્ષ અને 165 દિવસની ઉંમરે સૌથી મોટી ઉંમરના ટેસ્ટ-ખેલાડી બની રહ્યા, 31 વર્ષ અને 315 દિવસની તેમની ટેસ્ટ-ખેલાડી તરીકેની  કારકિર્દી એક વિક્રમરૂપ છે. પ્રથમ કક્ષાની મૅચમાં 1,107 વાર તેઓ રમ્યા એ પણ એક વિક્રમ. ઉત્તરજીવનમાં તેમણે હૅરો સ્કૂલ ખાતે પ્રશિક્ષણ કામગીરી સંભાળી હતી. તેમનો કારકિર્દી- આલેખ આ પ્રમાણે છે :

(1) 1899–1930 : 58 ટેસ્ટ; 30.19ની સરેરાશથી 2,325 રન, 2 સદી, સૌથી વધુ જુમલો 179; 26.96ની સરેરાશથી 127 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 868, 60 કૅચ.

(2) 1898–1930 : પ્રથમ કક્ષાની મૅચ; 30.83ની સરેરાશથી 39,802 રન; સદી 58, સૌથી વધુ જુમલો 267; 16.71ની સરેરાશથી 4,187 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 924, 764 કૅચ.

મહેશ ચોકસી