રહેંટ : ખેત-સિંચાઈ માટેનું અત્યંત ઉપયોગી એક સાધન. આદિકાળથી વપરાતી આ રહેંટ અગર ‘વૉટર વ્હીલ’નો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. પૂ. 400 વર્ષ પહેલાં ઍન્ટિપેટર નામના ગ્રીક કવિની કાવ્યરચનામાં જોવા મળે છે. તેની કાવ્યરચનામાં કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, જે ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂરું પાડવામાં તેમજ લુહારીકામમાં રાતદિવસ કાળી મજૂરી કરે છે, તેણે પોતાની આવી તમામ યાતનાઓનો અંત ‘વૉટર વ્હીલ’ અગર તો રહેંટના આવિષ્કાર/વપરાશથી આવતો જોયાનો ઉલ્લેખ છે.
આ ઉલ્લેખ મુજબ, ગ્રીક લોકો રહેંટમાં બે ગોળ આડા પથ્થરનાં પૈડાં રાખતા હતા. જેમાંનું નીચેનું પથ્થરનું પૈડું સ્થિર રહે અને ઉપરનું પૈડું ત્રાક આકારની ધરી પર ફરે તેવું આયોજન હતું. પથ્થરનું પૈડું વજનદાર હોવાથી સખત પરિશ્રમ કરવો પડતો. આધુનિક રહેંટનો પ્રણેતા રોમન સામ્રાજ્યનો ઇજનેર વિટુવિયસ હતો; જેણે રોમન ઇજનેરીને લગતાં તમામ પાસાંઓને દસ દળદાર ગ્રંથોની શ્રેણીમાં આવરી લીધાં હતાં. આમ ઈ. પૂ. 20થી 11મી સદીમાં તે માહિતી લોકભોગ્ય બની.
રહેંટને ઇંગ્લિશમાં ‘પર્શિયન વ્હીલ’ કહેવામાં આવે છે. તે પાણી સિંચવાનું કે ઉલેચવા માટેનું સદી-પુરાણું સાધન છે. આ સાધનનો આદિવાસી તેમજ ગ્રામવિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો ખેતી માટે પાણી ઉલેચવા વિશેષ ઉપયોગ કરે છે. આ સાધન પાણીનાં તળ ઊંચાં હોય તેમજ તળાવ, નદી કે ઝરણાં આસપાસ જ્યાં નાનાં ખેતરો હોય ત્યાં સિંચાઈ માટે ઘણું ઉપયોગી છે.

પર્શિયન રહેંટ
મોટા ચગડોળ (જાયન્ટ વ્હીલ) જેવાં બે, અંદાજે 10થી 12 ફૂટ વ્યાસનાં પૈડાં પાસપાસે દોઢથી બે ફૂટના અંતરે લાકડાના ટેકાથી જોડાયેલાં હોય છે. આ પૈડાંની મધ્યમાં ધરી હોય છે અને પૈડાં પર આઠથી બાર લાકડાના અગર તો લોખંડની પટ્ટીના આરા હોય છે. બે પૈડાં વચ્ચેના લાકડાના ટેકા સાથે પાણી ભરવા માટેની મશક, ભંભલી, લાકડા કે પતરાના ડબા અગર તો માટીની ઢોચકીઓ બાંધવામાં આવે છે.
ધરીને એક ઊંટ કે બળદની મદદથી ચલાવવામાં આવે છે. રહેંટનો નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. ધરીને ફેરવતાં રહેંટનું ચક્ર ફરે છે અને એક પછી એક ઢોચકી, મશક કે ડબા પાણીથી ભરાતા જાય છે. આ પાણી ભરેલી ઢોચકી ઉપરથી નીચે આવતાં વારાફરતી ઊંધી થઈ જાય છે. તેમાંના પાણીને તાડ કે ખજૂરીના થડને ઊભું કોરી કાઢીને નીક જેવું બનાવી તેમાં એકત્રિત કરી તે આગળ જરૂર હોય ત્યાં સુધી વહેવા દેવામાં આવે છે.
રહેંટમાં સમયાંતરે જરૂરિયાત મુજબ ફેરફાર થતા રહ્યા છે. આ સાધન અંતરિયાળ વિસ્તારમાં ઘણું ઉપયોગી અને પ્રચલિત થયેલ છે.
મનુભાઈ પટેલ
સુરેશ યશરાજભાઈ પટેલ