રહેમાન, વહીદા (જ. 3 જાન્યુઆરી 1938, જેલપેરુ, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. નૃત્યમાં પ્રવીણ અને પ્રતિભાશાળી અભિનેત્રી વહીદા રહેમાનનો જન્મ સામાન્ય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાનાં હતાં. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં વહીદાએ પરિવારના ગુજરાન માટે મદદરૂપ થવા ચલચિત્રોમાં કામ કરવાનું સ્વીકાર્યું.

વહીદા રહેમાન

ભરતનાટ્યમની તાલીમ લીધી હોવાને કારણે એક તેલુગુ ચિત્ર ‘રોજુલ મરાઈ’(1955)થી પોતાની અભિનયયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ખ્યાતનામ ચિત્રસર્જક ગુરુ દત્તે તેમને આ ચિત્રમાં જોયાં હતાં. તેમણે પોતાના ચિત્ર ‘સીઆઇડી’માં વહીદાને પહેલી વાર હિંદી ચિત્રમાં રજૂ કર્યાં. અનેક ચિત્રોમાં યાદગાર અભિનય આપીને આદર્શ ભારતીય નારીને પડદા પર જીવંત કરનાર વહીદા પ્રથમ ચિત્ર ‘સીઆઇડી’ (1956)માં ખલનાયિકા બન્યાં હતાં ! જોકે એ પછીના બીજા જ ચિત્ર ‘પ્યાસા’(1957)માં તેમને પોતાની પ્રતિભા બતાવવાની પૂરેપૂરી તક મળી. ‘પ્યાસા’ ઉપરાંત ગુરુ દત્તે પોતાના ચિત્ર ‘કાગઝ કે ફૂલ’ (1959)માં પણ વહીદાને મહત્ત્વની ભૂમિકા આપી હતી. આ ઉપરાંત ગુરુ દત્ત સાથે જ ‘ચૌદહવીં કા ચાંદ’ (1960) અને ‘સાહબ બીબી ઔર ગુલામ’ (1962) જેવાં ચિત્રોમાં પણ તેમણે કામ કર્યું. એક પછી એક ચિત્રોમાં તેમનો અભિનય ઓર નીખરતો ગયો. ‘પ્યાસા’ની ગુલાબોની જેમ જ ‘ગાઇડ’(1965)ની રોઝી, ‘તીસરી કસમ’(1966)માં નૌટંકીમાં નાચનારી હીરાબાઈ, ‘ખામોશી’(1969)માં પોતાના મનની પીડા સહન કરીને પણ પોતાનું કર્તવ્ય નિભાવતી નર્સ રાધા, રાજા મારબ્રોસના હિંદી-મલયાળમ દ્વિભાષી ચિત્ર ‘ત્રિસંધ્યા’(1974)માં પરિવાર પ્રત્યે પૂર્ણ સમર્પિત નારીની ભૂમિકાઓ પણ ખૂબ વખણાઈ હતી. ‘પ્યાસા’એ વહીદાની અભિનયક્ષમતાનો પરિચય કરાવ્યો, તો ‘ચૌદહવીં કા ચાંદ’ ચિત્રે તેમને અત્યંત ખૂબસૂરત અભિનેત્રી તરીકે સ્થાપિત કર્યાં હતાં. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ મેળવવા ઉપરાંત ‘ગાઇડ’ (1965) અને ‘નીલકમલ’ (1968)માં શ્રેષ્ઠ અભિનેત્રીનાં ‘ફિલ્મફેર’ પારિતોષિકો મેળવ્યાં હતાં. ‘રેશમા ઔર શેરા’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું. ‘ફાગુન’(1973)માં જયા ભાદુડીની માતાની ભૂમિકા કરીને ચરિત્ર ભૂમિકાઓનો તેમણે પ્રારંભ કર્યો હતો. ‘શગૂન’ (1964) ચિત્રમાંના નાયક કમલજિત સાથે 1974ની 26 જુલાઈએ તેમણે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી ધીમે ધીમે ચિત્રોથી તેઓ દૂર થતાં ગયાં, પણ સાવ નાતો તોડ્યો નહિ.

નોંધપાત્ર ચિત્રો : ‘સીઆઇડી’ (1956), ‘પ્યાસા’ (1957), ‘સોલહવાં સાવન’ (1958), ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘ચૌદહવીં કા ચાંદ’ (1960), ‘એક ફૂલ ચાર કાંટે’ (1960), ‘કાલા બાઝાર’ (1960), ‘બીસ સાલ બાદ’ (1962), ‘રાખી’ (1962), ‘સાહબ બીબી ઔર ગુલામ’ (1962), ‘એક દિલ સૌ અફસાને’ (1963), ‘મુઝે જીને દો’ (1963), ‘કોહરા’ (1964), ‘ગાઇડ’ (1965), ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘તીસરી કસમ’ (1966), ‘પત્થર કે સનમ’ (1967), ‘રામ ઔર શ્યામ’ (1968), ‘આદમી’ (1968), ‘નીલકમલ’ (1968), ‘ખામોશી’ (1969), ‘રેશમા ઔર શેરા’ (1971), ‘ફાગુન’ (1973), ‘ત્રિસંધ્યા’ (1974), ‘કભી કભી’ (1976), ‘ત્રિશૂલ’ (1978), ‘નમકહલાલ’ (1982), ‘નમકીન’ (1982), ‘મશાલ’ (1984), ‘લમ્હૈ’ (1991).

હરસુખ થાનકી