રસિયા : વ્રજનાં લોકગીતોમાં ધ્રુપદ-ઘરાનાની વિશિષ્ટ ગાયકી. રસિયા એ ધ્રુપદ શૈલીનો શાસ્ત્રીય સંસ્કાર મનાય છે. હિંદુસ્તાની સંગીતને વ્રજભાષા અને સ્વામી હરિદાસજી તરફથી રસિયાની શાસ્ત્રીય અને લોકગીત બંને સ્વરૂપ પ્રાપ્ત થયાં હોવાનું પ્રતીત થાય છે. ‘આઇન-એ અકબરી’માં દેશી અને માર્ગી એવાં બે પ્રકારનાં ગીતોનો ઉલ્લેખ છે. એમાં દેશી શૈલીમાં મુખ્યત્વે ધ્રુપદનો ઉલ્લેખ છે જે તે સંભવતઃ રસિયાને લગતો છે.

રસિયા મુખ્યત્વે હોળીનું મુખ્ય ગીત છે. હોળીનાં અનેક પ્રકારનાં ગીતોને રસિયામાં ઢાળીને ગવાય છે. લોકકવિ ઘાસીરામ, સનેહીરાય, છીતરમલ વગેરે કવિઓના વ્રજભાષામાં રચેલા રસિયા પ્રચલિત છે. હિંદીના અનેક સંત કવિઓએ પણ રાધા અને કૃષ્ણની લીલાઓનાં વર્ણનમાં રસિયા વિશેષ પ્રયોજાયા છે. બરસાનાની હોળી, રાધા અને કૃષ્ણના મનોવિનોદ તેમજ પ્રેમપ્રસંગો ઘણું કરીને રસિયામાં વર્ણવાયાં છે. રસિયાની તરજ સીધી છે. રસિયા સામૂહિક ગાન કરતાં વ્યક્તિગત અભિવ્યક્તિમાં વિશેષ ખીલી ઊઠે છે.

પ્રવીણચંદ્ર પરીખ