રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy) : હલકી (base) ધાતુઓનું સોનામાં રૂપાંતરણ (transmutation) કરવાની તથા બધા રોગો માટે એક જ દવા (cure) અને જીવનને અનંતકાળ સુધી લંબાવવા માટે જીવનામૃત(અમૃતતત્વ, elixir of life)ની શોધ સાથે સંકળાયેલું છદ્મવિજ્ઞાન (pseudoscience).
કીમિયાગીરી પૂર્વમાં શરૂ થઈ; પરંતુ તેનાં મૂળ તો કાંસ્યયુગની ઇજિપ્ત તથા મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં કે જેમાં ધાતુવિદ્યા, રંગાટીકામ તથા કાચ બનાવવાનું શરૂ થયેલું તેમાં નંખાયેલાં જણાય છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં આ ટૅકનિકલ કારીગરી ઍલેક્ઝાન્ડ્રિયામાં ગ્રીસના કાલ્પનિક (speculative) વિચારો સાથે સંમિશ્રિત થઈને કીમિયાગીરીમાં પરિણમી. વેપાર તથા લશ્કરી ફતેહ સાથે આ કળા અરબસ્તાન, ભારત અને ચીનમાં ફેલાઈ અને આ પૂર્વીય સંસ્કૃતિની પદ્ધતિ (તથા વ્યવહાર) તથા ફિલસૂફી સાથે એકાકાર (saffused) થઈ; ઉદા., જબીર ઇબ્ન હય્યાન (Jubir ibn Hayyan) તથા અલ્-રાઝી (al-Razi, Rhazes), જેઓ આઠમી અને નવમી સદીના અરબી કીમિયાગરો હતા, તેમણે ધાતુઓ પારા (mercury) તથા ગંધકની બનેલી છે તેવો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કરેલો. આ સિદ્ધાંતે ત્યારપછીના યુરોપિયન કીમિયાગરો ઉપર ઊંડી અસર નિપજાવેલી. ચોથી સદીના ચીની કીમિયાગર કો હુંગ(Ko Hung)ના તાઓવાદના પ્રસાર પછીની સદીઓમાં અમૃતતત્વની અવિરત શોધ માટે કીમિયાગરો મથતા રહેતા હતા.
કીમિયાગીરી યુરોપમાં : ઇજિપ્શિયન, મેસોપોટેમિયન અને પર્શિયન સંસ્કૃતિ તેમજ મિલેટ્સ, ક્લાઝોમિની (Clazomenae), એબ્ડેરા (Abdera) તથા અન્ય એજિયન (Aegean) નગરોમાંથી ઉદભવેલી દાર્શનિક પ્રણાલી દ્વારા કીમિયાગીરી 22 સદી પૂર્વે ઍલેક્ઝાન્ડ્રિયામાં પ્રવેશી. ઇજિપ્શિયન અને બેબિલૉનિયન રહસ્યવાદ અને જ્યોતિષવિજ્ઞાન તથા ગ્રીક (Hellinic) વિચારધારાના સમન્વયથી કીમિયાગીરીના લક્ષ્યવિસ્તારોમાં, પ્રતીકાત્મક વિધિવિધાનોમાં વ્યાવહારિક ભૂમિકાએ ઘણો વિકાસ સધાયો. ત્યારપછી રોમન સામ્રાજ્ય અને પૂર્વના દેશો વચ્ચેના વેપાર દ્વારા ઍલેક્ઝાન્ડ્રિયન કીમિયાગીરીમાં મોટા ફેરફારો આવ્યા. ચીનનો તાઓવાદ અને સીઝરના રોમની મૂર્તિપૂજા (Paganism) એકબીજામાં ભળીને કીમિયાગીરી-કળા એક રહસ્યમય ભાત ઊભી કરે છે. ત્યારપછી પણ, બાયઝૅન્ટાઇન(Byzantine)ના વિદ્વાનો દ્વારા આ કળા સચવાઈ તેમજ વિકસાવાઈ. પયગંબરના જન્મનાં 200 વર્ષથી ઓછા સમયમાં આઠમી સદીમાં ઇસ્લામનું મોટું સામ્રાજ્ય તેમના નામે ઊભું થઈ ગયેલું. મહમ્મદ પયગંબરનું ઇસ્લામી સામ્રાજ્ય ભારતની સરહદોએ, પર્શિયા, અરેબિયા, ઇજિપ્ત તથા આખા ઉત્તર આફ્રિકા, ભૂમધ્ય સમુદ્ર અને આઇબેરિયન દ્વીપકલ્પ (Iberian peninsula) (સ્પેન તથા પોર્ટુગલ વચ્ચેનો પ્રદેશ) સુધી વિસ્તરી ગયું. મુસ્લિમોએ પુરાણી ભૂમિઓ ઉપર જીત મેળવતાં કીમિયાગીરીને સ્વીકારી, સજાવી અને વિસ્તારી. આ રીતે યુરોપમાં કીમિયાગીરી સ્પૅનિશ ગ્રૅનાડા (granada) મારફતે પ્રવેશી અને મૂર લોકોના કૉર્ડોવાની ખિલાફત(Caliphate of Cordova)માં વિકસી. વળી કીમિયાગીરીને લગતાં અરબી પુસ્તકોનાં મુખ્યત્વે ટૉલેડો ખાતે ભાષાંતરો થતાં અને આ અનુવાદો બાર્સિલોના તથા બેયોન મારફતે પાયરિનિઝમાંથી પસાર થતાં કીમિયાગીરીનો ફેલાવો યુરોપીય વિજ્ઞાનના ભાવિ ઇતિહાસનું એક અગત્યનું સોપાન બની રહ્યો.
મધ્યયુગમાં કીમિયાગીરી : રોજર બૅકન તથા આલ્બર્ટ્સ મૅગ્નસ (Albertus Magnus) જેવા વિદ્વાનોના પ્રયત્નો દ્વારા જ્ઞાનની બધી જ શાખાઓના રેકર્ડ એકઠા કરાયા. આમ મધ્ય યુગમાં કીમિયાગીરી ખૂબ જાણીતી બની અને લોકો ઉપર પ્રભાવ પાડતી રહી. આ દરમિયાન ઘણા ધુતારાઓ (puffers) પારસ દ્રવ્ય બનાવવાના ભાતભાતના કીમિયા દ્વારા પ્રજાને છેતરવા લાગ્યા. દરબારી કીમિયાગરો તેમના રાજાઓના સામ્રાજ્યને સ્થાયી કરવા હલકી ધાતુઓમાંથી સુવર્ણ બનાવવાના મિથ્યા પ્રયત્નો કરતા રહ્યા. ચોથી સદીના અંત સુધીમાં આ કીમિયાગીરી ધીમી પડી તથા ઘણું નવું રાસાયણિક જ્ઞાન તેમજ નવી તકનીકો નોંધાઈ. આમ જે થોડું નવું પરંતુ અસ્પષ્ટ હતું એ કીમિયાગીરીના રેકર્ડ તરીકે રહી ગયું.
કીમિયાગીરીમાં પ્રતીકો (સંજ્ઞાઓ) : કીમિયાગીરીના લાંબા સમય દરમિયાન તેમાં રહસ્યમય (ભેદી) સંજ્ઞાઓ (symbols) વપરાતી. આમાંની ઘણી પૌરાણિક દેવ-દેવીઓ અથવા ગ્રહો પરથી પ્રયોજાઈ છે. દા. ત., મંગળ(Mars)ના ભાલો તથા ઢાલ ઉપરથી લોહ (iron) માટે , શુક્રના અરીસા પરથી તાંબા માટે . ધાતુઓ માટેની આવી સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે :
તત્વનું નામ સંજ્ઞા
Cadmium Cd
Calcium Ca
Californium Cf
Carbon C
Cerium Ce
Cesium Cs
Chlorine Cl
Chromium Cr
Cobalt Co
Curium Cm
Copper Cu
જેમ જેમ કીમિયાગીરીનો વ્યાપ મધ્યયુગીન યુરોપમાં ફેલાતો ગયો તેમ તેમ આવી સંજ્ઞાઓનો વપરાશ લુપ્ત થતો ગયો. કીમિયાગરો દ્વારા વપરાતી આવી સંજ્ઞાઓ અંગેની માહિતી સોલોમન ટ્રિસમોસિન(Soloman Trismosin)ના પુસ્તક ‘Splendour of the Sun’-માં વિસ્તૃત રીતે વર્ણવી છે.
કીમિયાગીરી દ્વારા હુન્નરમાં પ્રગતિ (Technical Advances) : ઓગણીસમી સદીના વિજ્ઞાની જે. બી. ડ્યૂમાએ લખ્યું છે કે રસાયણનું વિજ્ઞાન કુંભારના ચાકડા, કાચ જડનારાના કારખાના, લુહારની (ધાતુ ગાળવાની) ભઠ્ઠી તથા સરૈયા(perfumer)ના અતિથિખંડ (salon) દ્વારા જન્મ્યું છે. સદીઓથી તેમની પુરાણી માન્યતાઓને સાચી ઠેરવવા માટે કીમિયાગરોએ તકનીકી પ્રવીણતા તથા સાધનો વિકસાવ્યાં. આ માટે તેમણે બધા જ પ્રકારની ચીજો-ધાતુઓ, ખનિજો, છોડવાઓ, માંસ, વાળ, પીંછાં, હાડકાં તથા વિષ્ટાનો અનેક પ્રકારે ઉપયોગ કર્યો છે, જેના પરિણામે નિસ્તાપન (calcination), ઊર્ધ્વીકરણ (sublimation), ગાળણક્રિયા (filtration), આથવણ (fermentation), સંરસીકરણ (amalgamation), પરાવર્તન (reverberation), પરિશોધન (rectification) વગેરે પ્રવિધિઓ વિકસાવાઈ. તેમણે બનાવેલાં કેટલાંક અણઘડ (crude) સાધનો સુધારાવધારા સાથે આધુનિક પ્રયોગશાળાઓમાં તથા ઉદ્યોગોમાં આજે પણ વપરાય છે. કીમિયાગીરીની સૌથી મુખ્ય વિધિ નિસ્યંદન (distillation) છે. નિસ્યંદન આજે પણ રસાયણ-ઉદ્યોગમાં એકમ-પ્રવિધિ (unit process) તરીકે તથા સંશોધનમાં ખૂબ વપરાય છે. કીમિયાગીરીને જાદુ, છેતરપિંડી તેમજ ભેદભર્યા મંત્રોચ્ચાર તથા ગુપ્તસંજ્ઞાઓ તરીકે વિચારાય છે; પરંતુ તેનું રાસાયણિક પ્રવિધિઓ અને સાધનો વિકસાવવા માટેનું પ્રદાન ઇતિહાસ તરીકે સ્વીકારાયું છે.
કીમિયાગીરી દ્વારા ઔષધીય પ્રગતિ : સોળમી સદી સુધીમાં તો હલકી ધાતુને સુવર્ણમાં ફેરવવાની વાત (તત્વાંતરણ, transmutation) અસ્વીકૃત બની ગયેલી. તેના બદલે માનવીને થતા રોગના પ્રતિકાર માટે ઔષધો શોધવાનું શરૂ થઈ ગયું. આવા સંશોધકો ઔષધ-રસાયણવિદો (Iatrochemists) તરીકે ઓળખાતા (Iatrochemistry = ઔષધ-રસાયણ). આમાં સ્વિસ પેરાસેલ્સસ (Philippus Aureolus Paracelsus) (1493–1531) ખૂબ મહત્વની વ્યક્તિ ગણાય છે. રોમન સંત ગેલન (Galen) માનતો કે માનવશરીર ચાર તરલો(humors)નું કફ (phlegm), રક્ત (blood), પિત્ત (yellow bile) તથા શ્યામ પિત્ત(black bile)નું બનેલું છે અને આ ચારની સમતુલા ખોરવાઈ જવાથી રોગ થાય છે. આરબ વૈદ્ય એવીસેન્ના (Avicenna) દ્વારા વિકસાવેલી રીતો જ ત્યારે રોગ સામે વપરાતી.
પેરાસેલ્સસ માનતો કે શરીરમાં થતા ફેરફારો રાસાયણિક હોય છે અને તે અનુસાર ચોક્કસ રોગ સામે ચોક્કસ ઔષધ આપતો, જેમાં તેને સારી સફળતા મળેલી. અફીણ(opium)ને ઔષધ તરીકે વાપરનાર તે પ્રથમ યુરોપિયન હતો. આ ઉપરાંત તે લોહ, પારદ, આર્સેનિક વગેરેનાં સંયોજનો પણ વાપરતો, જે આજના આધુનિક ફાર્માકોપિયામાં જોવા મળે છે. પેરાસેલ્સસને આધુનિક ઔષધ-વિજ્ઞાનનો પિતા ગણવામાં આવે છે. તેના સમયથી રસાયણવિજ્ઞાને ઔષધના અભ્યાસ તથા પ્રૅક્ટિસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.
કીમિયાગીરીનો મબલક પાક : કીમિયાગીરીની રોમાંચક ઘટનાનું રસાયણના સાહસમાં ક્યારે પરિવર્તન થયું તે નક્કી કહી શકાતું નથી.
છદ્મવિજ્ઞાન, જાદુ અને હુન્નરવિદ્યામાંથી વ્યવસ્થિત રીતે દ્રવ્ય તથા ઊર્જાને સમજવાનું પ્રાયોગિક વલણ ધીમે ધીમે વિકસ્યું. એટલું તો ચોક્કસ કહી શકાય કે કીમિયાગરો દ્વારા ધાતુના તત્વાંતરણ વડે સુવર્ણ જેવી પૂર્ણ ધાતુ બનાવવાની અવિરત શોધ તથા અમૃતતત્વ શોધવાના નિષ્ફળ પ્રયોગોએ માનવજાતને એક યશસ્વી વારસો આપ્યો છે તથા સંસાધનો, તકનીક તથા અતિઉપયોગી પ્રવિધિઓ ભવિષ્યને માટે આપી છે; દા. ત., ગળણી (strainer), વજનતુલા, ક્રુસિબલ જેવાં સાધનો આજે પણ વપરાય છે. તેઓએ માટી તથા કચરા(dirt and dross)માંથી સોનું મેળવવાના સદીઓ સુધી ચલાવેલા પ્રયત્નોએ ચાર નવાં તત્વો – ઍન્ટિમની, આર્સેનિક, બિસ્મથ અને ફૉસ્ફરસ શોધ્યાં તેમજ સેંકડો અગત્યનાં સંયોજનો અને મિશ્રણો શોધી આપ્યાં છે.
ફ્રાન્સિસ બૅકન નામના સત્તરમી સદીના અંગ્રેજ તત્વજ્ઞાનીએ કહ્યું છે કે કીમિયાગીરીને આપણે એક ખેડૂતે તેના દીકરાઓને કહેલી વાત સાથે સરખાવી શકીએ. તેણે તેના દ્રાક્ષના બગીચામાં કોઈક ઠેકાણે સોનું દાટ્યું છે એમ મરતી વખતે કહેલું. દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પણ સોનું મળ્યું નહિ, પણ જ્યારે ખેતરમાં દ્રાક્ષનો મબલક પાક થયો ત્યારે તે આખી વાત સમજ્યા. (ભારતમાં કીમિયાગીરી માટે જુઓ ‘રસતંત્ર’, ગુજરાતી વિશ્વકોશ ખંડ 17.)
જ. પો. ત્રિવેદી