રસરત્નપ્રદીપિકા

January, 2003

રસરત્નપ્રદીપિકા : ભારતીય અલંકારશાસ્ત્રનો રસ વિશે ચર્ચા કરતો અલ્લ નામના રાજાએ લખેલો ગ્રંથ. આ ગ્રંથ છ પરિચ્છેદોનો બનેલો છે. ગ્રંથના પ્રથમ પરિચ્છેદના આરંભમાં લેખક પોતાના પિતા હમ્મીર નામના પ્રતાપી રાજાનો અને એ પછી પોતાનો પરિચય આપે છે. ત્યારબાદ રસનો મહિમા, રસના દેવતાઓ, રસનું ફળ 25 જેટલી કારિકાઓમાં બતાવે છે. બીજા પરિચ્છેદમાં ભાવની વ્યાખ્યા, તેના પ્રકારો, સ્થાયિભાવની વ્યાખ્યા અને તેના પ્રકારોની વાત 25 કારિકાઓમાં આપી છે. ત્રીજા પરિચ્છેદમાં વિભાવની વ્યાખ્યા અને વિવિધ રસોના વિભાવો તથા અનુભાવોની વ્યાખ્યા અને વિવિધ રસોના અનુભાવો આપી અંતે સાત્ત્વિક ભાવોનું નિરૂપણ કર્યું છે. ચોથા પરિચ્છેદમાં વ્યભિચારી ભાવોની સોદાહરણ વ્યાખ્યા અને વિવિધ રસોના વ્યભિચારી ભાવોનું વર્ણન કર્યું છે. પાંચમા પરિચ્છેદમાં રસની વ્યાખ્યા અને આઠ રસોની સોદાહરણ સૂક્ષ્મ ચર્ચા કરી છે. છેલ્લા છઠ્ઠા પરિચ્છેદમાં નાયિકાના સ્વભાવજ અલંકાર, હાવ વગેરેની ચર્ચા કરી રસવિષયક પ્રકીર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે. આ ગ્રંથ 1945માં ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા પ્રગટ થયો છે અને તેના સંપાદક છે રા. ના. દાંડેકર.

‘રસરત્નપ્રદીપિકા’ના લેખક રાજા અલ્લ મેવાડના પ્રતાપી અને વિદ્વાન રાજા હતા. તેમણે મહારાષ્ટ્ર અને કોંકણના રાજાઓ, બાદશાહ અલાઉદ્દીન વગેરે સાથે યુદ્ધ કરેલું; આમ છતાં ઇતિહાસમાં તેઓ પ્રસિદ્ધ નથી. તેમની રાજધાની રણથંભોર હતી. તેમણે 1250માં થયેલા શારદાતનયના ‘ભાવપ્રકાશન’માંથી એક ઉદ્ધરણ આપ્યું છે અને ઈ. સ. 1300ની આસપાસ થયેલા પ્રસિદ્ધ લેખક ભાનુદત્તે તેમની ‘રસતરંગિણી’માં આ ‘રસરત્નપ્રદીપિકા’નો ઉલ્લેખ કર્યો છે. 1650માં થયેલા રત્નકંઠ જેવા ટીકાકારો પણ આ ગ્રંથમાંથી ઉદ્ધરણો આપે છે; તેથી આ ગ્રંથલેખક અલ્લ 13મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયાનું અનુમાન થયું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી