રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છ ધોરણ સુધીનો.
વીસ વર્ષની વયે મહારાજને આર્યસમાજી કવિ છોટાલાલના સંગથી આર્યસમાજનો રંગ લાગ્યો. ‘आर्यों पर अनार्यो का राज्य नहीं होना चाहिए ।’ સ્વામી દયાનંદના એ વાક્યે એમનામાં રાષ્ટ્રીય અસ્મિતાનું બીજ વાવ્યું. સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોએ એ બીજને અંકુરિત કર્યું. પરિણામે સમાજ અને રાષ્ટ્ર વિશે તેઓ ગંભીરતાથી વિચાર કરતા થયા. 1911માં ક્રાંતિકારી રાષ્ટ્રભક્ત મોહનલાલ કામેશ્વર પંડ્યા(‘ડુંગળીચોર’)નો ભેટો થઈ ગયો. એમણે મહારાજની રાષ્ટ્રીયતામાં પ્રાણ પૂર્યો.
1915માં પંડ્યાજીએ અમદાવાદના કોચરબ આશ્રમમાં મહારાજને ગાંધીજીનો પરિચય કરાવ્યો. પ્રથમ દર્શને જ તેઓ ગાંધીજીથી આકર્ષાયા. એ જ દિવસના ગાંધીજીના શ્રીમદ્ રાજચંદ્ર વિશેના પ્રવચને મહારાજ પર જાદુઈ અસર કરી. 1917ના નવેમ્બરમાં યોજાયેલી ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજીએ દેશસેવા માટે ચોવીસ કલાક કામ કરનારા કાર્યકરોનું આહવાન કરતાં સરદાર વલ્લભભાઈ પટેલે એમાં પોતાનું નામ નોંધાવ્યું. મહારાજ પર એની ઊંડી અસર થઈ. 1920ના નાગપુર કૉંગ્રેસ અધિવેશનમાં જાણે ગાંધીજીના પ્રવચને એમને દેશસેવાની દીક્ષા આપી. પોતાનાં ચાર બાળકો – મેધાવ્રત (પંડિતજી), વિષ્ણુભાઈ, મહાલક્ષ્મી અને લલિતાની જવાબદારી પત્ની સૂરજબાને સોંપી દેશસેવાર્થે એમણે ગૃહત્યાગ કર્યો.
1922માં અંગ્રેજ જજ બ્રૂમફીલ્ડે અમદાવાદના સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ મૂકી એમને છ વર્ષની જેલની સજા ફરમાવી. ચુકાદો સાંભળી મહારાજ રડી પડ્યા. ગાંધીજીએ એમનો ખભો થાબડી બહારવટિયાઓની કોમની સેવાનું કામ ચીંધ્યું.
ગાંધીજીની ઇચ્છાને માન આપી મહારાજ ચોર-ડાકુ ગણાતી ખેડા જિલ્લાની કાંઠા વિભાગની પાટણવાડિયા કોમની સેવામાં લાગી ગયા. એ કોમને પોલીસથાણે ફરજિયાત હાજરી પુરાવવાની અપમાનભરી પ્રથામાંથી મુક્તિ અપાવી. વળી એ કોમને ચોરી, ડાકુગીરી, શરાબ-ખોરી ને ખૂનામરકી જેવા અપરાધોથી મુક્ત કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓ પણ આરંભી. મહારાજે કરુણામય પ્રેમથી ચોર-ડાકુ, બહારવટિયા, ખૂની ને દારૂડિયાઓના અંતરના ઊંડાણમાં પડેલી સદભાવનાઓને જગાડી એમનામાં માનવતાના દીવડા પ્રગટાવ્યા તથા એમને સદાચારી નાગરિક જીવનની દીક્ષા આપી. મહારાજના આ અલૌકિક કાર્યને કવિ ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના દીવા’ પુસ્તક દ્વારા અમર કર્યું છે.
મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા. ગાંધીજીનો સ્વરાજનો સંદેશ ગુજરાતને ગામડે ગામડે પહોંચાડવા તેઓ પગપાળા ઘૂમતા રહ્યા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એમનાં ચીંધ્યાં કામ કર્યાં. આઝાદીની લડતોમાં સક્રિય ભાગ લીધો. જેલવાસ વેઠ્યો, આફતગ્રસ્તોની વહારે ધાયા અને આંખ સામે અન્ય જે કંઈ સેવાકાર્ય આવ્યાં તેમાં પોતાનો આત્મા રેડીને કર્યાં.
1947થી 1952 સુધી મહારાજે મહેસાણા જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ પ્રદેશની ગરીબી અને વિશેષ કરીને પાણીની હાલાકી જોઈ એમનું દિલ દ્રવી ગયું. રાત-દિવસ ખૂબ પરિશ્રમ કરીને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં 48 કૂવા અને 51 બોરિંગ કરાવી એ પ્રદેશની પાણીની સમસ્યા કંઈક હળવી કરી. તેથી બનાસકાંઠાના લોકો મહારાજને ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે ઓળખવા લાગ્યા !
1952માં મહારાજે ચીનનો પ્રવાસ કર્યો. ચીનના ખેડૂતોની દેશદાઝ અને વિપુલ ઉત્પાદન દ્વારા દેશને બેઠો કરવાની લગન અને ધગશથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. એવું કામ આપણા દેશમાં અહિંસક પદ્ધતિએ કઈ રીતે થઈ શકે, એ પ્રશ્ર્ન એમને મૂંઝવતો હતો. એ મૂંઝવણના ઉકેલની કંઈક ઝાંખી, એ દિવસોમાં વિનોબાજીએ આરંભેલ ભૂદાન આંદોલનમાં એમને થઈ. તા. 14-12-52ના રોજ મહારાજ વિનોબાજીને ઉત્તર પ્રદેશના ચાંડિલ ગામે મળ્યા. ચર્ચા કરી. વિનોબાના અનુરોધથી મહારાજે ગુજરાતના ગામડે ગામડે ભૂદાનનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ કર્યો.
1955ના એપ્રિલની 13મીએ વીરમગામથી એમણે પદયાત્રા શરૂ કરી. જે પ્રવૃત્તિ હાથમાં લે એ અત્યંત વફાદારીથી પોતાનાં મન, બુદ્ધિ અને શરીર – ત્રણેયને પૂરાં કામે લગાડીને કરવાની મહારાજની રીત. ભૂદાનકાર્યમાં પણ એમણે એમનો આત્મા રેડી દીધો. પાંચ વર્ષની પદયાત્રામાં મહારાજે ગુજરાતના તમામ જિલ્લાઓ ને તાલુકાઓમાં વિનોબાજીનો ભૂદાન યજ્ઞનો સંદેશ પહોંચાડ્યો.
મહારાજ પરદુ:ખે દ્રવી જનારા સંત હતા. ગુજરાતમાં કે દેશમાં ક્યાંય રેલ આવી હોય, દુષ્કાળ પડ્યો હોય, ધરતીકંપ થયો હોય, વાવાઝોડું આવ્યું હોય, કૉલેરા ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હોય, અને લોકોને આફતમાં આવી પડેલા જાણે કે મહારાજની સંવેદનાના તાર ઝણઝણી ઊઠે, એમની ઊંઘ ઊડી જાય. તેઓ તત્કાળ આફતગ્રસ્તોની વહારે દોડી જાય ને કામ શરૂ કરી દે. ગુજરાતની તમામ કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં મહારાજની હસ્તી એક મોટું બળ પુરવાર થતી હતી. 1964થી 1972 દરમિયાન બિહારના દુષ્કાળની, ઓરિસાના જળપ્રલયની અને બાંગ્લાદેશની માનવસર્જિત આપત્તિઓ વખતે ગુજરાતના રાહત કાર્યકરો સાથે સક્રિય કાર્ય કરીને મહારાજે દેશમાં ગુજરાતની શાન વધારી હતી.
વર્ષોનાં એકધારાં ત્યાગ અને તપશ્ર્ચર્યાને કારણે સામાન્ય જનસમાજ અને શ્રીમંતોમાં મહારાજ વિશે એક એવી છાપ બંધાઈ ગઈ હતી કે મહારાજને દાનમાં આપેલ એકેક પૈસાનો સદુપયોગ થશે. એ વેડફાશે નહિ. લોકોના આવા જીવતા-જાગતા વિશ્વાસને કારણે મહારાજને સાર્વજનિક કામો માટે કદી પૈસાની ખોટ પડતી નહોતી. દાનની અપીલ થતાની સાથે લોકો એમની દાનની ઝોળી છલકાવી દેતા; એટલું જ નહિ, દાન આપીને દાતાઓ ઉપકાર કર્યાની નહિ, કૃતજ્ઞતાની લાગણી અનુભવતા !
ગુજરાતમાં કે અમદાવાદ શહેરમાં કોમી હુલ્લડો વખતે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે દ્વેષભાવ વગર વેરની આગ હોલવવા મરણને મૂઠીમાં લઈને ચાલનારા એ મરજીવા હતા. 1941માં અમદાવાદમાં ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું, ત્યારે સાત દિવસ સુધીમાં તેમણે કુલ 87 અજ્ઞાત શબોનો અગ્નિસંસ્કાર કર્યો હતો.
7મી જુલાઈ 1946ના કોમી હુલ્લડને શાંત કરવા જતાં શહીદ થયેલા વસંતરાવ હેગિષ્ટે ને રજબઅલી લાખાણી નામના બે યુવાનોનાં શબ જાનના જોખમે લઈ આવી એમના ધર્માનુસાર અંતિમ ક્રિયા તેમણે કરી હતી.
1969માં ભયંકર કોમી રમખાણ વખતે પણ મોતને મૂઠીમાં લઈ શાંતિસ્થાપનાના કાર્યમાં તેઓ લાગી ગયા હતા. એ રીતે તમામ કોમી હુલ્લડોમાં મહારાજે કરેલી સેવાઓ અપ્રતિમ હતી.
આવાં તો અગણિત સેવા- કાર્યો એમના હાથે થયાં; છતાં એમનામાં કદી કર્તૃત્વનું અભિમાન જોવા મળતું નહોતું. સેવાના હરેક પ્રસંગે ‘इदं न मम’ની એમની વૃત્તિ રહેતી. ચૈતન્ય મહાપ્રભુએ જનતાજનાર્દનના સેવકનાં ત્રણ લક્ષણ બતાવ્યાં છે : तृणादपि सुनीचने – તે પોતાને તણખલાથી પણ તુચ્છ સમજે, એટલે કે એ નમ્ર હોય. तरोखि सहिष्णुना – તે વૃક્ષ જેવો સહનશીલ હોય. અર્થાત્ પોતે કષ્ટ વેઠીને બીજાને સુખ આપે, अमानिना मानदेन – તે કોઈની પાસે માનની અપેક્ષા ન રાખે, પણ બીજાને માન આપે. આ ત્રણેય લક્ષણ મહારાજમાં ઉત્કૃષ્ટ સ્વરૂપે ચરિતાર્થ થયાં હતાં.
1921માં મહારાજે ઘર છોડ્યું તે દિવસથી તેઓ સાચા અર્થમાં અકિંચન, અપરિગ્રહી ને અનિકેત બન્યા હતા. પોતાની કહી શકાય એવી એમની પાસે કોઈ મિલકત નહોતી. ઘર ને કુટુંબની મમતાનો એમણે ત્યાગ કર્યો હતો. વર્ષો સુધી પૈસાને સ્પર્શ સુધ્ધાં કર્યો નહોતો. પોતાની જરૂરિયાતો એમણે એકદમ ઘટાડી દીધી હતી. પોતે વરસમાં 80-90 મીટર ખાદી થાય એટલું સૂતર કાંતે, પણ પોતાને માટે તો બે જોડ કપડાં થાય એટલું 13 મીટર કાપડ જ વાપરે. બાકીની ખાદી જરૂરિયાતવાળાને આપી દે. મહારાજને કોઈ વ્યસન ન મળે. સવારે મળી શકે તો દૂધ ને બે ટંક ભોજન સિવાય વચ્ચે કંઈ ન લે. મોઢામાં ભૂલથી ઇલાયચીનો દાણો પડી જાય તોપણ ચોવીસ કલાકનો ઉપવાસ થાય. પચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી. ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા. સખત તાપમાં ને કાંટાકાંકરાવાળી જમીન પર ખુલ્લા પગે માઇલોના માઇલ ચાલ્યા. પગનાં તળિયાં એવાં તો મજબૂત બનાવી દીધાં હતાં કે કાંટો ભાંગી જાય, પણ પગમાં પેસી ન શકે. લોકોનાં કામ હોય ત્યારે ટાઢ-તાપ કે વરસાદની પરવા ન કરે. શરીરને ખૂબ કષ્ટ આપે. મહારાજ કહેતા કે દરેક ચીજ ઘસાવાથી ઊજળી થાય છે. લોખંડની કોશ કાળી હોય છે, પણ હળમાં ઘસાવાથી ઊજળી દૂધ જેવી થાય છે. ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાંને ખપમાં આવીએ’ એ મંત્ર એમણે જીવી બતાવ્યો. યજમાન જમાડે તે જમવું, એ સુવાડે ત્યાં સૂવું અને બેસાડે ત્યાં બેસવું એ મહારાજનો નિયમ. યજમાનને ઓછામાં ઓછી તકલીફ પડે એની કાળજી રાખે. સાચા અર્થમાં તેઓ કર્મયોગી હતા. એમના જીવનની પળેપળ કોઈ ને કોઈ ઉપયોગી કામમાં વપરાતી. દિવસે કદી આરામ ના કરે. આખા દિવસના અથાક પરિશ્રમને કારણે પથારીમાં પડતાની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડે. મહારાજ એક અચ્છા તરવૈયા હતા. જાનને જોખમે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી અનેક ડૂબતા કે તણાતા લોકોને એમણે બચાવ્યા હતા. મહારાજે કોઈ સંસ્થા સ્થાપી નહોતી, પણ ગુજરાતની તમામ સંસ્થાઓના સંચાલકો પોતાની સંસ્થામાં ક્યારેક આંટી પડી હોય, કોઈ નૈતિક સમસ્યા ઊભી થઈ હોય કે આર્થિક ભીડ પડી હોય ત્યારે મહારાજનું માર્ગદર્શન ઝંખતી.
મહારાજનું ઔપચારિક શિક્ષણ ખૂબ ઓછું, પણ અનુભવજ્ઞાન એટલું ઊંડું ને વિશાળ કે મોટા મોટા વિદ્વાનો એમની વાણી સાંભળવા ઉત્સુક રહેતા. સતત ગુણવિકાસ કરતાં કરતાં અને દોષોને દાબતાં દાબતાં ગાંધીજી મોહનમાંથી મહાત્મા બન્યા; એટલું જ નહિ, વીસમી સદીની વિશ્વવિભૂતિ બની શક્યા. તેમ પ્રાથમિક છ ધોરણ સુધી ભણેલા ને ગામમાં યજમાનવૃત્તિ કરતા રવિશંકર ત્યાગ, તપસ્યા ને દીનદુખિયાંની સેવા દ્વારા ‘મહારાજ’ ને ‘દાદા’નાં વહાલસોયાં બિરુદ પામ્યા. દેશના તેઓ સેવક-શિરોમણિ બની શક્યા. ગાંધીજીએ સમાજસેવકનો જે આદર્શ આંકેલો એ આદર્શને વ્યાવહારિક ને વાસ્તવિક ભૂમિકાએ ઉત્તમ રીતે ચરિતાર્થ કરી બતાવ્યો મહારાજે.
મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે ‘મૂઠી ઊંચેરા માનવી’ ગ્રંથ દ્વારા ગુજરાત ને દેશના લોકોએ મહારાજનો ખૂબ ખૂબ મહિમા ગાયો. વિનોબાજીએ એમને ‘તુકારામની કોટિના સંત ને કારુણ્યમૂર્તિ’ કહ્યા, તો સ્વામી આનંદે ‘પુણ્યના પર્વત સમા મૂઠી ઊંચેરા માનવી’; કાકાસાહેબે ‘અનાસક્ત પ્રેમમૂર્તિ’ કહ્યા તો કવિ ઉમાશંકરે ‘ઊર્ધ્વ માનુષ’; મુનિ સંતબાલજીએ તેમને ‘ગુજરાતના મહર્ષિ’ કહ્યા તો દાદા ધર્માધિકારીએ ‘અધ્યાત્મવીર’; વિમલાતાઈ ઠકારે ‘ગુજરાતનો નંદાદીપ’ કહ્યા, તો પાંડુરંગ આઠવલે શાસ્ત્રીએ ‘જટાજૂટ’; સરદાર વલ્લભભાઈએ તો બારડોલી સત્યાગ્રહ વખતે જ એમની ઓળખાણ ‘એક પવિત્ર ઋષિ’ તરીકે આપી હતી.
વેદના પુરુષસૂક્તમાં ઋષિ વિરાટ પુરુષનો મહિમા ગાઈને અંતે કહે છે : ‘एतावानस्य महिमा अतो ज्यायान् च पूरुषः।’ (મેં આ જે મહિમા ગાયો એના કરતાં એ પુરુષ વધારે મોટો છે.) મહારાજ માટે પણ તે એટલું જ સાચું છે. એ એમના મહિમાથી મોટેરા હતા ! 1984ના જુલાઈની 1લીએ વલ્લભ વિદ્યાલય, બોચાસણમાં એમણે છેલ્લો શ્વાસ લીધો.
90 વર્ષ સુધી જે ઋષિપુરુષ સેવારત રહ્યા એેમને પગે ફ્રૅક્ચર થવાથી અને આંખોનું તેજ જવાથી 11 વર્ષ જાણે શરશય્યા પર સૂઈ રહેવું પડ્યું. ભલભલા જ્ઞાનીને પણ હતાશ ને નિરાશ કરી મૂકે એવી એ સ્થિતિ હતી; પરંતુ એનેય એમણે પ્રભુની પ્રસાદી માની ચિત્તની સમતા કે પ્રસન્નતા ખોઈ નહિ અને સો વર્ષનું પૂરું આયુષ્ય ભોગવ્યું.
મહારાજે એમના સમૃદ્ધ સ્વાનુભવના પરિપાક રૂપે સહજ-સરળ ભાષાશૈલીમાં કેટલાંક પુસ્તકો પણ આપ્યાં છે. ‘સત્યાગ્રહનો વિજય’ (1939), ‘શિક્ષણ અને સંસ્કૃતિ’ (1948), ‘પર્વમહિમા’ (1950), ‘લગ્નવિધિ’ (1953) ‘મારો ચીનનો પ્રવાસ’ (1954) અને ‘ગીતા બોધવાણી’ (1984). ‘મહારાજની વાતો’(1972)માં તેમની કેટલીક પ્રેરણાત્મક અનુભવવાણી ઝીલીને રજૂ કરવામાં આવી છે.
મગનભાઈ જો. પટેલ