રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ)

January, 2003

રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ) (જ. 8 માર્ચ 1937, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. તેઓ પંજાબીમાં 1960માં બી.એ. (ઑનર્સ) અને પછી પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અધ્યાપન અને લેખનકાર્ય શરૂ કર્યા બાદ તેમણે કૅનેડાના ડિસ્ટ્રિક્ટ રિસૉર્સ સેન્ટરના શિક્ષક-ગ્રંથપાલ તથા સંકલનકાર તરીકે કામગીરી કરી હતી. 1978થી તેમણે કૅનેડાના ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ પંજાબી ઑથર્સ ઍન્ડ આર્ટિસ્ટ્સ લિ.ના પ્રમુખ તરીકે ફરજો બજાવી. કેન્યા, ભારત તથા કૅનેડામાં તેમણે અધ્યાપનકાર્ય કરેલું.

તેમના ઉલ્લેખનીય 10થી વધુ કાવ્યસંગ્રહોમાં ‘દિલ દરિયા સમુદ્રો દુંધે’ (1961), ‘બુકાલ વિચ ચોર’ (1963), ‘બિંદુ’ (1965), ‘મૌન હાદસે’ (1967), ‘મેરે મૌસમ દે વેરી’ (1972), ‘જલ, બ્રહ્મજાલ’ (1976), ‘અકથ કથા’ (1988), ‘વન વીણી’ (1988), ‘સૂરજ તેરા મેરા’ (1989), ‘પ્યાસા બાદલ’ (1990) અને  ‘ગંધન’(1993)નો સમાવેશ થાય છે.

‘કમ્પ્યૂટર કલ્ચર’ (1985) અને ‘અપને અપને ટાપૂ’ (1992) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. વળી ‘આધી રાત દુપહર’ (1983) અને ‘મંચ નાટક’ (1993) તેમનાં ગીતિ-નાટકો છે. ‘મેરી સાહિત્યિક સ્વજીવની’ તેમનું સાહિત્યવિષયક આત્મચરિત્ર છે. તેમનો અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘રેસ્ટલેસ સોલ’ 1978માં પ્રગટ થયો હતો. તેઓ કૅનેડાવાસી છે. તેમણે ઇંગ્લૅંડ, ફ્રાન્સ, બેલ્જિયમ, ડેન્માર્ક, સ્વીડન, અમેરિકા તથા અન્ય દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1980માં શિરોમણિ સાહિત્યકાર પુરસ્કાર, 1989માં પ્રો. મોહનસિંઘ પુરસ્કાર; ડેન્માર્કના એશિયન રાઇટર્સ ઍસોસિયેશન તરફથી 1993માં બાબા ફુલે શાહ પુરસ્કાર; 1994માં બાબા બલવન્ત પુરસ્કાર અને 1983માં ઈશ્વરચંદ નંદા નાટ્ય પુરસ્કાર આપવામાં આવ્યા છે.

તેઓ અદ્યતન સંવેદનક્ષમતાના કવિ તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. પંજાબીમાં ગીતિ-નાટકના તેઓ એક અગ્રેસર લેખાયા છે. તે ક્ષેત્રે તેમનું ‘બીમાર સદી’ એક સીમાચિહન ગણાય છે. તેમણે તેમાં અદ્યતન માનવીની સામાન્ય સૂગ અને ભ્રમ દૂર કરવાની બાબત સુંદર રીતે વણી લીધી છે. તેઓ અદ્યતન પંજાબી કવિતાના પ્રયોગવાદી કવિ ગણાયા છે.

બળદેવભાઈ કનીજિયા