રવિશંકર, પંડિત

January, 2003

રવિશંકર, પંડિત (જ. 7 એપ્રિલ 1920, વારાણસી) : વિશ્વવિખ્યાત સિતારવાદક. ચાર ભાઈઓમાં વિખ્યાત નર્તક ઉદયશંકર (1900-77) સૌથી મોટા અને રવિશંકર સૌથી નાના. મૂળ નામ રવીન્દ્રશંકર. પિતા શ્યામાશંકરે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ઝાલાવાડ રિયાસતના દીવાનપદે કામ કર્યું હતું અને જીવનનાં અંતિમ વર્ષો યુરોપ અને અમેરિકામાં વિતાવ્યાં હતાં. 1923-24માં તેમણે લંડનમાં પશ્ચિમના દર્શકો સમક્ષ ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તેમણે અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં વેદાન્ત-દર્શનના પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી કરી હતી.

1930-38 દરમિયાન રવિશંકર તેમના મોટા ભાઈ ઉદયશંકરની નૃત્યસંસ્થા સાથે રહ્યા હતા, જ્યાં તેમણે ‘ચિત્રસેના’ જેવી લોકપ્રિય નૃત્યનાટિકાઓનું નિર્માણ કર્યું હતું. 1935માં તેમની મુલાકાત મહિયરના વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ અલાઉદ્દીનખાંસાહેબ સાથે થઈ હતી. 1938માં રવિશંકરે મહિયર ખાતે અલાઉદ્દીનખાંસાહેબ પાસેથી શાસ્ત્રીય સંગીતની વિધિસર તાલીમ લેવાની શરૂઆત કરી. સાથોસાથ ખાંસાહેબ પાસેથી રવિશંકરે સિતારવાદનની પ્રાથમિક તાલીમ લેવાની પણ શરૂઆત કરી. આ તાલીમ છ વર્ષ સુધી ચાલી (1938-44). તે અરસામાં રવિશંકર ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે પણ સંકળાયેલ રહ્યા (1938-44). 1941માં ઉસ્તાદ અલાઉદ્દીનખાંસાહેબની પુત્રી અન્નપૂર્ણાદેવી સાથે રવિશંકરનાં લગ્ન થયાં. અન્નપૂર્ણાદેવી પોતે એક અગ્રણી સંગીતકાર અને સુરબહારનાં સારાં વાદક છે. 1945માં રવિશંકરે ‘અમર ભારત’ જેવા કથાનૃત્યની સંગીતરચના કરી. ત્યારબાદ તેમણે 1947માં ઇન્ડિયન નૅશનલ થિયેટરના નેજા હેઠળ ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ તથા ‘સામાન્ય ક્ષતિ’ જેવી નૃત્યનાટિકાઓના સંગીતનું નિર્દેશન કર્યું. તે જ અરસામાં 1948માં તેમની દિલ્હી ખાતે આકાશવાણીના રાષ્ટ્રીય વાદ્યવૃંદના મુખ્ય સંચાલકપદે નિમણૂક થઈ; જ્યાં તેમણે પોતાનું વાદ્યવૃંદ (orchestra) ઊભું કરી એક અનોખો પ્રયોગ કર્યો. ત્યાં સુધી વાદ્યવૃંદ એ પાશ્ર્ચાત્ય સંગીતનો જ ભાગ હોય એવી એક પ્રણાલિકા હતી. 1949માં રવિશંકરે ‘યુનેસ્કો’ દ્વારા પૅરિસ ખાતે આયોજિત સંગીત-સમારોહમાં હાજરી આપી અને ત્યાં વિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહિન (1916-1999) અને ડેવિડ ઑઇસ્ટ્રૅચ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ર્ચાત્ય સંગીતના મિશ્રણ(fusion)નો કાર્યક્રમ રજૂ કર્યો, જે શકવર્તી સાબિત થયો. 1958માં રવિશંકરે અમેરિકાના લૉસ ઍન્જેલસ ખાતે કિન્નર સ્કૂલ ઑવ્ મ્યૂઝિકની સ્થાપના કરી. 1967માં તેમની નિમણૂક કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ સંસ્થાના ભારતીય સંગીત વિભાગના વડા તરીકે કરવામાં આવી. 1968માં તેમને સંગીત નાટક અકાદમીની ફેલોશિપ મળી. 1982માં દિલ્હી ખાતે આયોજિત ‘એશિયાડ’ રમતોત્સવમાં રજૂ થયેલા સંગીતનું નિર્દેશન રવિશંકરે જ કર્યું હતું. 1997માં તેમણે ભારતની આઝાદીની સુવર્ણજયંતી પ્રસંગે ‘સ્વર્ણજયંતી’ શીર્ષક હેઠળ સંગીત-રચના કરી હતી.

રવિશંકરે બે બંગાળી ચલચિત્રો ‘કાબુલીવાલા’ અને ‘પથેર પાંચાલી’; ત્રણ હિંદી ચલચિત્રો ‘અનુરાધા’, ‘ગોદાન’ અને સર રિચર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત ‘ગાંધી’ તથા બે અંગ્રેજી ચલચિત્રો ‘ધ ચૅરિટેબલ’ અને ‘ધ ફ્લૂટ ઍન્ડ ધી ઍરો’નું સંગીત-નિર્દેશન કર્યું હતું. ‘ગાંધી’ ચલચિત્રના સંગીત માટે ઑસ્કર પારિતોષિક માટે તેમના નામનો પ્રસ્તાવ રજૂ થયો હતો.

રવિશંકરનું સિતારવાદન અદ્વિતીય ગણવામાં આવે છે. તેઓ પહેલા સિતારવાદક છે, જેમણે સાબિત કરી આપ્યું છે કે સિતાર જેવા વાદ્ય પર પણ આલાપ તથા જોડ અને બીન-અંગનું ગંભીર સંગીત પણ રજૂ કરી શકાય છે. તેમણે એ પણ સાબિત કરી આપ્યું છે કે કોઈ સાધારણ રાગને પણ જો આલાપ, જોડ, વિલંબિત ગત, દ્રુત ગત, ઝાલા વગેરેથી સંકલિત રૂપમાં રજૂ કરવામાં આવે તો તેના દ્વારા સર્વસાધારણ શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કરી શકાય છે. લયકારી પર તેમનો અદભુત કાબૂ છે તથા તેઓ કોઈ પણ તાલ પર કુશળતાથી સિતારવાદન રજૂ કરી શકતા હોય છે. ઉત્તર હિંદુસ્તાની તથા કર્ણાટક સંગીતના રાગોના મિશ્રણથી તેમણે કેટલાક નવા રાગોનો પ્રચાર-પ્રસાર પણ કર્યો છે.

તેમને વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીઓએ માનાર્હ ડૉક્ટરેટની પદવીઓથી નવાજ્યા છે. ભારત સરકારે તેમને 1967માં ‘પદ્મભૂષણ’ ખિતાબથી અને 2002માં ‘ભારતરત્ન’ ખિતાબથી સન્માન્યા છે. તેમને ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભાના સભ્યપદે પણ નિયુક્ત કર્યા હતા.  તેમને અત્યાર સુધી ત્રણ વાર ‘ગ્રામી ઍવૉર્ડ’ એનાયત થયો હતો.

માત્ર ભારતનાં જ નહિ, પરંતુ યુરોપ અને અમેરિકાનાં ઘણાં નગરોમાં સિતારવાદનના તેમના જાહેર કાર્યક્રમો થયા છે. વૈશ્ર્વિક સ્તર પર તેઓ અત્યંત લોકપ્રિય કલાકાર ગણાય છે.

તેમના બહોળા શિષ્યવર્ગમાં તેમનાં પુત્રી અનુષ્કા ઉપરાંત ઉમાશંકર મિશ્ર, જયા બોઝ, કાર્તિકકુમાર, શમીમ અહમદ, શંકર ઘોષ, શંભુ દાસ તથા જાણીતા વીણાવાદક ગોપાલકૃષ્ણનો સમાવેશ થાય છે. પાશ્ર્ચાત્ય બીટલ સંગીતના વિખ્યાત ગાયક જ્યૉર્જ હૅરિસને પણ રવિશંકર પાસેથી ભારતીય સંગીતની તાલીમ લીધી હતી.

પંડિત રવિશંકરનાં પૌત્રી કાવેરીએ ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના ક્ષેત્રે નામના મેળવી છે, જ્યારે તેમનાં પુત્રી અનુષ્કા અને નૉરા જોન્સ બંનેના નામનો પ્રસ્તાવ આ વર્ષ(2003)ના ગ્રામી ઍવૉર્ડ માટે રજૂ થયેલો, જેમાંથી નૉરાને પાંચ વ્યક્તિગત અને કુલ આઠ ગ્રામી ઍવૉર્ડ એનાયત થયા હતા. આ રીતે રવિશંકરે પોતે તો વૈશ્ર્વિક સ્તર પર સંગીતમાં પ્રખ્યાતિ પ્રાપ્ત કરી છે જ, પરંતુ તે ઉપરાંત તેઓ વારસામાં પોતાનાં સંતાનોને તથા બહોળા શિષ્યવર્ગને સંગીતના મૂલ્યવાન પાઠ આપી રહ્યા છે અને તે દ્વારા ભારતીય સંગીતની અનોખી સેવા કરી રહ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે