રવિવર્મા, રાજા

January, 2003

રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ જોવા મળે છે. તેમણે 1868માં થિયોડૉર જૉન્સન નામના વાસ્તવદર્શી યુરોપીય શૈલી(કંપની શૈલી)ના વિખ્યાત બ્રિટિશ ચિત્રકાર પાસેથી તૈલચિત્રણાની ટૅક્નિક બરાબર સમજી લીધી અને કલાસર્જન શરૂ કર્યું. આમ તેમને મહદંશે સ્વશિક્ષિત ચિત્રકાર ગણી શકાય. આ રીતે કલાસર્જન કરનારા તેમના સમકાલીનોમાં બંગાળી ચિત્રકારો વામાપદ બૅનર્જી અને શશિકુમાર હેશ વગેરે હતા.

રવિવર્માએ પૉર્ટ્રેટ(વ્યક્તિચિત્રો)થી કારકિર્દી આરંભી. તત્કાલીન ભારતનાં રજવાડાંઓનાં અનેક કુટુંબોની વ્યક્તિઓએ તેમની પાસે પોતાનાં વ્યક્તિચિત્રો ચિતરાવ્યાં હતાં. તેમાં ભારતીય પરંપરાથી વિપરીત આબેહૂબ દર્શનને પરિણામે ભારતીય લોકો તુરત જ રવિવર્માની કલાથી આકર્ષાયા. આ પછી યુરોપના નામી ચિત્રકારોએ બાઇબલના પ્રસંગોને આધારે અને ગ્રેકોરોમન પુરાકથાઓને આધારે કરેલાં આબેહૂબ આભાસી ચિત્રોમાંથી પ્રેરણા લઈ રવિવર્માએ હિંદુ પુરાકથાઓ, પુરાણો, ઇતિહાસ અને મહાકાવ્યોની કથાઓ આલેખતાં ચિત્રો વિપુલ પ્રમાણમાં કર્યાં. તેમની દૃશ્ય-આયોજનની સૂઝ ઉપરાંત પરંપરાગત ભારતીય ચિત્રપદ્ધતિમાં નહોતાં તે પ્રકાશ-છાયા, પરિપ્રેક્ષ્ય તથા તેને લીધે સર્જાતા આભાસી ઊંડાણને કારણે તેમનાં ચિત્રો ખૂબ પ્રભાવક નીવડ્યાં અને પોતે ચિત્રકાર તરીકે સમગ્ર ભારતીય ઉપખંડમાં ખ્યાતિ મેળવી. મહારાજા સયાજીરાવનું નિમંત્રણ સ્વીકારી, તેમણે વડોદરામાં રહી અનેક પૌરાણિક ચિત્રો કર્યાં. તેમાં દેવદેવીઓને વ્યક્તિગત ધોરણે પારખી શકાય એવાં સ્વરૂપે આલેખ્યાં. આને લીધે જનસમાજના માનસપટ પર આરાધ્ય પ્રતિમાઓના સ્વરૂપનો ખ્યાલ ધરમૂળથી બદલાવા માંડ્યો. પ્રણાલીગત કળામાં રૂપક રૂપે પ્રયોજાતી આકૃતિઓ હવે ઓળખી શકાય તેવા ચહેરા, દેહયષ્ટિ અને પરિધાન દ્વારા પ્રગટ થઈ અને પ્રાચીન પ્રતિમારૂપો લગભગ ભૂંસાયાં. લક્ષ્મી, સરસ્વતી કે દુર્ગા હવે મધ્યકાલીન મૂર્તિઓની સ્મૃતિએ નહિ, પણ રવિવર્માએ સર્જેલી ‘સ્ત્રી’ના સ્વરૂપે લોકસ્મૃતિમાં અંકિત થઈ.

રાજા રવિવર્મા

દેશભરમાં ફરીને રવિવર્માએ સાડી-પરિધાનની પ્રત્યેક પ્રાદેશિક લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. કાશ્મીરથી કન્યાકુમારી અને બલૂચિસ્તાનથી નેફા-આસામ લગીની પ્રત્યેક નારીને સમાવતું ‘ભારતીય નારી’ નામનું સામૂહિક વ્યક્તિચિત્ર પણ સર્જ્યું. આમ, મેકૉલેના પશ્ચિમી શિક્ષણથી પ્રેરિત આધુનિક અખંડ ભારતીયતાના ખ્યાલ(concept)થી પ્રભાવિત તેઓ પ્રથમ ભારતીય ચિત્રકાર છે. પરંતુ રવિવર્માનાં પૌરાણિક અને ઐતિહાસિક વિષયોનાં ચિત્રોનાં લક્ષ્મી, દ્રૌપદી, દમયંતી, સીતા, શકુંતલા, મેનકા, મોહિની, ભીમ, યુધિષ્ઠિર, અર્જુન, દુર્યોધન, વિશ્વામિત્ર, ઇન્દ્ર તેમજ લક્ષ્મીબાઈ, શિવાજી વગેરે પાત્રો મુખ્યત્વે દક્ષિણ ભારતીય અને મહારાષ્ટ્રીય પરિધાનમાં જોવા મળે છે. વળી, તત્કાલીન મુંબઈની પારસી અને મરાઠી રંગભૂમિની તીવ્ર છાપ રવિવર્માનાં આ પૌરાણિક-ઐતિહાસિક ચિત્રો પર જોવા મળે છે. આ ચિત્રોનાં ઉપર્યુક્ત પાત્રો તત્કાલીન નાટકોનાં નાયક-નાયિકાઓ જેવાં દેખાય છે. વળી આવાં નાટકોમાં આવતી પરાકાષ્ઠાની ક્ષણે પાત્રો જે ભાવાત્મક અંગભંગિ અને મુખમુદ્રા દાખવે તે રવિવર્માનાં ચિત્રોમાં ચીતરાઈ છે. રવિવર્માનાં ચિત્રોની પૌરાણિક-ઐતિહાસિક નાયિકાઓ હૃષ્ટપુષ્ટ અંગોપાંગો અને મુખ ધરાવતી જોવા મળે છે.

માત્ર રાજા-મહારાજા કે ધનિકોમાં જ નહિ, પણ સમગ્ર ભરતખંડ(હાલનાં નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને પાકિસ્તાન સહિત)ના મધ્યમ અને નીચલા વર્ગના જનસમુદાયમાં તેમની કલા એટલી બધી તો પ્રિય થઈ પડી કે મસમોટી માંગને પહોંચી વળવા 19મી સદીના અંતમાં પુણેમાં પોતાનાં તૈલચિત્રોના ઓલિયોગ્રાફી(oleography)ની ઢબે જથ્થાબંધ મુદ્રણ માટે ચાર જર્મન કારીગરોનો સાથ લઈ પ્રેસ સ્થાપ્યું અને ચિત્રોની નકલો મધ્યમવર્ગના નાગરિકને પોસાય તેવા સસ્તા ભાવે વેચવા માંડી. આ રીતે રવિવર્માનાં ચિત્રોની મુદ્રિત નકલો સમગ્ર ભરતખંડમાં ઘેર ઘેર પૂજામાં, શયનખંડમાં, દીવાનખંડમાં અને કાર્યાલયોમાં સ્થાન પામી. દુર્ભાગ્યે, પ્રેસસ્થાપનાનું રવિવર્માનું સાહસ દુ:સાહસ નીવડ્યું અને જંગી ખોટ ખાવાને પરિણામે રવિવર્માએ તેને પોતાના જ ચાર જર્મન કારીગરોને વેચી દીધું.

તેમના જીવન દરમિયાન ચેન્નાઈ (1873), મુંબઈ (1889), શિકાગો (1893), તિરુવનંતપુરમ્ (1899) તથા વડોદરામાં તેમની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં હતાં. 1817માં ચેન્નાઈમાં યોજાયેલા ફાઇન આર્ટ્સ ફેરમાં રવિવર્માએ બે ચિત્રો પ્રદર્શિત કરેલાં. તેમાંના ‘નાયર લેડી એડૉરિંગ હર લૉન્ગ હેર’ને ગવર્નરનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો.

19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં ભારતીય પુરાણો, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિને વિશાળ ફલકના કૅન્વાસ પર પાશ્ર્ચાત્ય ઢબે રજૂ કરવા માટે થઈને રવિવર્માની અનેક દેશીવિદેશી કલાકારો, વિવેચકો અને વિદ્વાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી. તેમાં રવીન્દ્રનાથ ટાગોરનો પણ સમાવેશ થાય છે. પરંતુ 1915 પછી સ્વદેશી ચળવળે જોર પકડતાં રવિવર્માનાં ચિત્રોની આબેહૂબ આભાસી પદ્ધતિ એ યુરોપીય ચિત્રણાનું ભારતીય સંદર્ભમાં બિનજરૂરી અનુકરણ છે એવી વ્યાપક ટીકા તત્કાલીન વિદ્વાનો દ્વારા કરવામાં આવી. આ ટીકાકારોમાં સ્ટેલા ક્રેમ્રિશ, ઈ.બી. હાવેલ અને અવનીન્દ્રનાથ ટાગોર ઉપરાંત રવિવર્માના એક વારના પ્રશંસક રવીન્દ્રનાથ ટાગોર પણ હતા. આમ, અગાઉ રવિવર્માનાં ચિત્રોની જે લક્ષણોને કારણે પ્રશંસા કરવામાં આવી, તે જ લક્ષણો સ્વદેશી ચળવળ શરૂ થતાં બૌદ્ધિકોમાં અપ્રિય અને અગ્રાહ્ય થઈ પડ્યાં અને તેથી તે ચિત્રો ટીકાપાત્ર બન્યાં. આમ રવિવર્મા રાષ્ટ્રની બદલાતી પરિસ્થિતિમાં એક વિવાદાસ્પદ કલાકાર બની રહ્યા.

1993માં દિલ્હી ખાતે અને 2000માં વડોદરા ખાતે તેમનાં ચિત્રોનું પશ્ર્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શન યોજાયું હતું.

તેમનાં ચિત્રો દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, તિરુવનંતપુરમ્ મ્યુઝિયમ, કેરળની ચિત્રા આર્ટ ગૅલરી, ચેન્નાઈ ગવર્નમેન્ટ મ્યુઝિયમ, વડોદરાનાં મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ અને લક્ષ્મીવિલાસ પૅલેસમાં તથા ઘણા અંગત સંગ્રહોમાં સંગ્રહાયેલાં છે.

અમિતાભ મડિયા

બળદેવભાઈ કનીજિયા