રવાન્દા (Rwanda) : પૂર્વ-મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તની દક્ષિણે આવેલો નાનો દેશ. જૂનું નામ રુઆન્ડા. સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ રવાન્દા. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 30° 00´ પૂ. રે.ની આજુબાજુનો 26,338 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ અંતર અનુક્રમે 233 કિમી. અને 177 કિમી. જેટલું છે. આફ્રિકાના અતિ ગીચ વસ્તીવાળા દેશો પૈકીનો તે એક છે. અહીં દર ચોકિમી.દીઠ સરેરાશ વસ્તી 284 જેટલી છે, અર્થાત્ સમગ્ર આફ્રિકા ખંડની વસ્તીની ગીચતાની તુલનામાં આ દેશની વસ્તીગીચતા 13ગણી છે. કિગાલી તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ : તે વિષુવવૃત્તની તદ્દન નજીક હોવા છતાં તેની આબોહવા ઠંડી અને ખુશનુમા છે, કારણ કે તે ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ ધરાવે છે. તેનું ભૂપૃષ્ઠ જ્વાળામુખી પર્વતોની હારમાળાથી બનેલું છે. અહીં જોશબંધ ફૂંકાતા પવનોવાળા ખીણપ્રદેશો, સુંદર સરોવરો અને ઘાસથી છવાયેલાં મેદાનો આવેલાં છે. વાયવ્ય રવાન્દામાં વિરુન્ગા પર્વતો આવેલા છે. તેમાં 4,510 મીટર ઊંચાઈ ધરાવતું કારિસિમ્બી શિખર આવેલું છે. રવાન્દાનું આ ઊંચામાં ઊંચું સ્થળ છે. જોખમી, બિહામણા પહાડી ગોરીલાઓનું આશ્રયસ્થાન ગણાતો વૉલ્કેનો નૅશનલ પાર્ક પણ આ પર્વત-વિસ્તારમાં જ આવેલો છે.

રવાન્દા

દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી હોઈ અસમતળ છે. પશ્ચિમ અને વાયવ્યમાં જ્વાળામુખી પર્વતો છે. આ દેશની પશ્ચિમ સરહદ નજીકથી આફ્રિકી ફાટખીણ પસાર થાય છે. અહીંના ફાટખીણ વિભાગમાં રુસીઝી નદી અને કિવુ સરોવર (Lake Kivu) આવેલાં છે. કાગેરા નદી દેશની પૂર્વ સરહદ અને આકાન્યારુ નદી દક્ષિણ સરહદ રચે છે. કાગેરા નદીનાં ઉપરવાસનાં જળ નાઇલ નદીનો સ્રોત બની રહેલાં છે. કિવુ સરોવરથી દેશની પૂર્વ તરફની ભૂમિ ક્રમશ: 2,700 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પશ્ચિમ રવાન્દામાં ભારે વરસાદ પડે છે, તેથી જમીનમાંથી કસ ધોવાઈ જાય છે, વળી વસ્તીગીચતાને કારણે થતી વધુ પડતી ખેતીથી પણ જમીનોની ફળદ્રૂપતા ઘટી ગઈ છે. પૂર્વ રવાન્દામાં 1,500થી 2,100 મીટર ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશોની શ્રેણી આવેલી છે. તે બધા પૂર્વતરફી ઉગ્ર ઢોળાવવાળા છે. એક વખતે આ ઉચ્ચપ્રદેશો પર જંગલો હતાં, પરંતુ ખેતી માટે કાપીને સાફ કરવાથી તે ઓછાં થઈ ગયાં છે.

આબોહવા : દેશના પશ્ચિમ ભાગમાંથી આફ્રિકી ફાટખીણ પસાર થાય છે. ત્યાંનું સરેરાશ તાપમાન 23° સે. રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. પડે છે; ઉચ્ચપ્રદેશો પર સરેરાશ તાપમાન 20° સે. અને સરેરાશ વાર્ષિક વરસાદ 1,200 મિમી. જેટલો પડે છે. જ્યારે પહાડી પ્રદેશોમાં તાપમાન 17° સે. રહે છે અને વરસાદ 1,470 મિમી. જેટલો પડે છે. વિરુન્ગા પર્વતોમાં વધુ વરસાદ પડે છે.

અર્થતંત્ર : રવાન્દાના મોટાભાગના નિવાસીઓ ખેડૂતો છે. તે પૈકીના ઘણાખરા તો પોતાનાં કુટુંબોની જરૂરિયાત પૂરતી જ ખેતી કરે છે. કેળાં, વાલ, કસાવા, જુવાર અને શક્કરિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. કેટલાક ગ્રામવાસીઓ ઢોરઉછેર કરે છે.

કૉફી, ચા અને પાયરેથ્રમ (કીટનાશકો માટેનો કાચો માલ) અહીંની મુખ્ય નિકાસી ચીજો છે. અહીં ઊંચાઈ મુજબ કૃષિપાકો(મુખ્યત્વે કૉફી)ના પ્રકાર બદલાય છે; જેમ કે, 1,370 મીટર સુધીની ઊંચાઈએ રોબસ્ટા (ઇન્સ્ટન્ટ) કૉફી અને 1,370થી 1,800 મીટર વચ્ચે અરેબિકા (સ્રાવિત્ર – percolator) કૉફીનું વાવેતર થાય છે. કલાઈ અને વુલ્ફ્રેમાઇટ અહીંની મુખ્ય ખનિજ પેદાશો છે, દેશની નિકાસી વસ્તુઓમાં તેમનો 25 % હિસ્સો છે. દેશમાં ઉત્પાદક-ઉદ્યોગો ઓછા છે. રેલમાર્ગો બિલકુલ નથી. પાકા રસ્તાઓની સુવિધા ઊભી કરેલી છે, પરંતુ તે ક્યારેક કાદવવાળા બની જાય છે. કિગાલી ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

જંગલમાં વૃક્ષઉછેર અને સાથે સાથે ઉછેરેલાં વૃક્ષોનાં લાકડાં એકત્ર કરવાં – રવાન્દાની પ્રજાનો મુખ્ય વ્યવસાય

રુઆન્ડા–ઉરુન્ડીના પ્રદેશો જ્યારે ભેગા હતા ત્યારે તેમના સરહદી ભાગો પરના વેપાર-ધંધા અન્યોન્ય સહકારથી ચાલતા હતા. તેમનાં જહાજો ટાન્ઝાનિયા-દારેસલામ, ઍન્ગોલાના લૉબિટો અને મોઝામ્બિકના બેઇરા ખાતે નિકાસી માલસામાન લઈ જતાં; પરંતુ હુતુ અને તુત્સી વચ્ચેના સંઘર્ષો બાદ બંને પ્રદેશોના સંબંધો વણસેલા. આથી હવે રવાન્દાનો નિકાસી માલ કમ્પાલા, યુગાન્ડા થઈને મોમ્બાસા પહોંચાડાય છે. આ રીતે રવાન્દાને આયાતી માલ અને નિકાસી માલની અવરજવર કરવાનું મોંઘું અને મુશ્કેલ પડે છે.

લોકો : રવાન્દાની વસ્તી ઈ.સ. 2000 મુજબ આશરે 76,70,000 જેટલી છે. વસ્તીવૃદ્ધિ દર 2.5 % જેટલો છે. સ્ત્રીઓ અને પુરુષોનો સરેરાશ આયુદર અનુક્રમે 52 અને 49 વર્ષનો છે. 90 % વસ્તી હુતુ (= બાહુતુ) જાતિના લોકોથી બનેલી છે. તેમનો વ્યવસાય ખેતીનો છે. કેટલાક હુતુઓ શહેરમાં નોકરી કરે છે, કેટલાક સ્થળાંતર કરીને અન્ય દેશોમાં ચાલ્યા ગયા છે. 5 % લોકો તુત્સી (= વાતુસી) જાતિના છે. તેઓ સરકારી એજન્સીઓ ચલાવે છે અથવા તો ધંધો કરે છે. 1 % લોકો પિગ્મી છે. જૂના વખતમાં તેઓ શિકાર કરતા હતા, પરંતુ હવે શહેરોમાં રહે છે અને કામ કરે છે. અહીં યુરોપિયનો બહુ જ ઓછા પ્રમાણમાં છે. કેટલાક ચાના બગીચા ધરાવે છે; કેટલાક પાયરેથ્રમમાંથી કીટકનાશક દવાઓ બનાવે છે, કેટલાક ખાણ અધિકારીઓ છે, તો વળી કેટલાક ખ્રિસ્તી ધર્મ-ઉપદેશકો છે.

પાટનગર કિગાલી ઉપરાંત બુટારે, રુહેનગેરી અને ગિસેની અહીંનાં બીજાં મુખ્ય શહેરો છે. ફ્રેન્ચ અને કેન્યા રવાન્દા અહીંની સત્તાવાર ભાષાઓ છે, મોટાભાગના લોકો કેન્યા રવાન્દા (બાન્ટુ) અને કિસ્વાહિલી ભાષાઓનો વધુ ઉપયોગ કરે છે. અહીંના 54 % લોકો રોમન કૅથલિક, 12 % પ્રૉટેસ્ટંટ, 9 % મુસ્લિમ, બાકીના લોકો અહીંનો પરંપરાગત સ્થાનિક આફ્રિકી ધર્મ પાળે છે.

જુદાં જુદાં ખ્રિસ્તી ચર્ચ તરફથી અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચાલે છે. રવાન્દાની નૅશનલ યુનિવર્સિટી અહીંના બુટારે શહેરમાં આવેલી છે. જાહેર શિક્ષણ નિ:શુલ્ક છે તથા 7થી 14 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે; પરંતુ બધાં બાળકો માટે પૂરતા ખંડો નથી. દેશની 50 % વસ્તી લખી-વાંચી શકતી નથી, સાક્ષરતાનો દર પુરુષોમાં 64 % અને સ્ત્રીઓમાં 37 % જેટલો છે.

રવાન્દામાં તેના ભૂમિવિસ્તારમાં સમાઈ શકે એના કરતાં વધુ વસ્તી છે. વળી ઉદ્યોગોનું પ્રમાણ પણ નહિવત્ છે, તેથી રવાન્દા આફ્રિકાના ગરીબ દેશો પૈકી વધુ ગરીબ છે. તુત્સીઓ અહીં લઘુમતીમાં હોવા છતાં સૈકાઓથી રાજકીય અને આર્થિક દૃષ્ટિએ વર્ચસ્ ધરાવે છે. 1959માં હુતુઓેએ તુત્સીઓ સામે બળવો કરેલો. લોહિયાળ સંઘર્ષ બાદ હુતુઓએ સરકારી વહીવટ અને આર્થિક માળખું કબજે કરેલાં. આથી ઘણા તુત્સી લોકો જ્યાં તુત્સીઓનું આધિપત્ય છે તે બુરુન્ડી ખાતે કે અન્યત્ર સ્થળાંતર કરી ગયેલા છે.

વહીવટ : રવાન્દાની સરકારમાં પ્રમુખ દેશના વડા ગણાય છે. અહીં દર પાંચ વર્ષે પ્રમુખની ચૂંટણી થાય છે તથા ધારાસભા માટે 70 સભ્યોની પણ પાંચ વર્ષે ચૂંટણી થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિયુક્તિ પ્રમુખ કરે છે. 16 સભ્યોનું બનેલું પ્રધાનમંડળ પ્રમુખને વહીવટમાં મદદ કરે છે. ધારાસભા અહીં નૅશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ તરીકે ઓળખાય છે. તેઓ પ્રમુખે સૂચવેલા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચાવિચારણા કરી મંજૂર કરે છે. રવાન્દામાં નૅશનલ રેવોલ્યૂશનરી મૂવમેન્ટ નામનો માત્ર એક જ રાજકીય પક્ષ છે. દેશને કુલ અગિયાર જેટલા એકમોમાં વહેંચેલો છે, આ એકમો સ્થાનિક સરકાર તરીકે ઓળખાય છે. સ્થાનિક સરકારો કુલ 143 કૉમ્યૂનમાં વહેંચાયેલી છે.

ઇતિહાસ : આજે જ્યાં રવાન્દાનો પ્રદેશ છે ત્યાં જૂના વખતમાં હુતુ ખેડૂતો અને પિગ્મી શિકારીઓ રહેતા હતા. આજથી લગભગ 600 વર્ષ પહેલાં ઉત્તર તરફથી પોતાનાં ઢોર સહિત તુત્સી નામની લડાયક પ્રજાનાં ટોળાં અહીં ઊમટી આવેલાં. હુતુઓ તુત્સીઓને હરાવી શક્યા નહિ, તેથી તેમને માલિકો તરીકે સ્વીકારવા પડેલા તેમજ હુતુઓનું રક્ષણ કરવાનું તુત્સીઓએ પણ માથે લીધેલું. આ રીતે 1959 સુધી તુત્સીઓએ આ પ્રદેશ પર શાસન કરેલું.

આ દરમિયાન 1897માં રુઆન્ડા-બુરુન્ડીના પ્રદેશને જર્મનીએ જીતી લીધેલો અને જર્મન ઈસ્ટ આફ્રિકાના એક ભાગરૂપે તેના પર શાસન કરેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1916માં રુઆન્ડા-ઉરુન્ડી (તરીકે એ વખતે ઓળખાતા) પ્રદેશને બેલ્જિયન દળોએ કબજે કર્યો. 1918 પછી તો જર્મનીએ અહીંની તેમની વસાહતો ગુમાવી. 1923માં રુઆન્ડા-ઉરુન્ડી બેલ્જિયન વહીવટ હેઠળના પ્રદેશો બન્યા. 1946માં આ પ્રદેશ યુનાઇટેડ નેશન્સના આદેશ અનુસાર બેલ્જિયમને વહીવટ માટે સોંપાયો.

1959માં રાજકીય અવ્યવસ્થા ઊભી થતાં હુતુઓએ તુત્સીઓ સામે બળવો કર્યો. તે લડાઈમાં કુલ 1,50,000 લોકો મરાયા. તુત્સીઓને વધુ અસર થઈ. બળવા અને સંઘર્ષકાળ દરમિયાન આશરે 1.5 લાખ જેટલા તુત્સીઓ બુરુન્ડી તેમજ અન્ય પડોશી દેશોમાં નાસી ગયા.

1961માં રુઆન્ડાનિવાસીઓએ સ્વતંત્રતાની લડત ઉપાડી. 1962ના જુલાઈની પહેલી તારીખે રવાન્દા અને બુરુન્ડી સ્વતંત્ર દેશો બન્યા. 1973માં લશ્કરી આગેવાનોએ મેજર જનરલ જુવેનલ હેબિએરિમાનાના નેતૃત્વ હેઠળ બળવો કરીને 1962, 1965 અને 1969માં વારંવાર ચૂંટાયેલા પ્રમુખ ગ્રેગોઈર કેઈબાન્દાને સત્તા ઉપરથી ઉથલાવ્યા, ધારાસભાને બરખાસ્ત કરી અને હેબિએરિમાના સત્તા હસ્તગત કરીને પ્રમુખ બન્યા. તેઓ 1978, 1983 અને 1988માં પ્રમુખ તરીકે ચૂંટાતા રહ્યા. તેમણે 1981 તથા 1988માં દેશની ધારાસભાની ચૂંટણી પણ યોજી હતી.

આ લશ્કરી જનરલ હેબિએરિમાનાના પ્રમુખપદ હેઠળ રવાન્દાની  આર્થિક પ્રગતિ થતી રહી. કેટલાક માલનું ઉત્પાદન વધ્યું. તેમ છતાં ગરીબીની સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો નથી, તેથી રવાન્દા વિદેશી સહાય પર આધાર રાખે છે.

ગિરીશભાઈ પંડ્યા