ર્યાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની સર્વોપરિતાની પ્રતીતિ રૂપે તેઓ અન્ય મહત્વની ચૅમ્પિયનશિપમાં અનેક વાર વિજેતા બન્યાં હતાં. ફ્રેન્ચ (4 મહિલા), યુ.એસ. (1 મહિલા, 2 મિક્સ્ડ), ઇટાલિયન (1 મહિલા, 1 મિક્સ્ડ) અને વિશ્વ હાર્ડ કૉર્ટ (2 મહિલા, 2 મિક્સ્ડ) તેમના 20 મહત્વના મહિલા ડબલ્સ વિજયોમાંથી 8 વિજયમાં તેમનાં સાથી હતાં સુઝૅન લૅગ્લેન (6 વિમ્બલડન, 2 વિશ્વ હાર્ડ કૉર્ટ). તેમની એકલ-સ્પર્ધાના વિજયો બ્રિટિશ હાર્ડ કૉર્ટ વિજયપદક (1924 અને 1925) પૂરતા સીમિત હતા તથા 1933નું ઇટાલિયન વિજયપદક પણ તેમાં આવી જતું હતું. 1921 અને 1930માં તથા 1926ની વિમ્બલડન ખાતે યુ.એસ. ચૅમ્પિયનશિપમાં ફાઇનલિસ્ટ તરીકે હારી ગયાં હતાં.
તેઓ 659 ટુર્નામેન્ટમાં વિજયી નીવડ્યાં હતાં અને બીજી 800 ટુર્નામેન્ટમાં રનર-અપ નીવડ્યાં હતાં. આ રેકર્ડ ઉપરથી જણાય છે કે તેઓ સૌથી મહાન ડબલ્સ ખેલાડી હતાં અને ચૉપ સ્ટ્રૉક અને ચૉપ વૉલી લગાવવામાં તેમનાં શક્તિ અને સામર્થ્ય રહેલાં હતાં. બિલી કિંગે વિજયપદકો જીત્યાની તેમની સંખ્યાનો વિક્રમ તોડ્યો તેના આગલા દિવસે વિમ્બલડન ખાતે તેમનું અવસાન થયું.
મહેશ ચોકસી