રોંસા, પિયરે દ’ (જ. 11 સપ્ટેમ્બર 1524, લ પૉસોનિયેર, ફ્રાન્સ; અ. 27 ડિસેમ્બર 1585, તૂર્સ) : ફ્રેન્ચ રેનેસાંસ કાળના અગ્રણી કવિ. ઉમદા કુટુંબમાં જન્મેલા આ કવિએ 1536માં 12 વર્ષની વયે રાજવી કુટુંબમાં અનુચર તરીકેની નોકરી સ્વીકારી અને રાજકુમારી મૅડલિનનાં લગ્ન પંચમ જેમ્સ સાથે થયાં ત્યારે તેમની સાથે એડિનબરો પ્રયાણ કર્યું. 2 વર્ષ બાદ ફ્રાન્સ પરત થતાં તેમના માટે લશ્કરમાં કે રાજકાજમાં કારકિર્દીની તકો ખુલ્લી હતી. 1540માં લઝારે દ’ બેફ સાથે અલ્સૅસેમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લેવા જવાનો અવસર તેમને પ્રાપ્ત થયો, પણ પ્રવાસ દરમિયાન ગંભીર માંદગીમાં સપડાતાં શ્રવણેન્દ્રિયને ભારે ચોટ પહોંચી અને અંશત: બહેરાશ આવી. તેમણે હવે જ્ઞાનપ્રાપ્તિ અને સાહિત્યસાધનામાં મન પરોવ્યું. વિધિસર પાદરી તરીકે દીક્ષિત બન્યા વિના ચર્ચમાં સેવા આપવાનું શરૂ કર્યું અને ત્યાંની સહાયના સહારે જીવન વિતાવવા માંડ્યું. આ સમય દરમિયાન પ્રશિષ્ટ કૃતિઓનો ધગશથી અભ્યાસ આદર્યો તથા ત્યાંના તેજસ્વી શિક્ષક દોરાત પાસેથી ગ્રીક ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે જમાનાની તમામ ખ્યાતનામ ગ્રીક અને લૅટિન કૃતિઓ વાંચી લીધી. ઇટાલિયન કવિતાની પણ જાણકારી જોતજોતામાં મેળવી લીધી. સાહિત્યના કેટલાક જિજ્ઞાસુઓની સાથે ‘લા પ્લેઆડ’ નામની એક સાહિત્યિક મંડળીની રચના કરી, જેનો હેતુ પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યની સમકક્ષ રહે તેવું ફ્રેન્ચ સાહિત્ય સર્જવાનો હતો.

પિયરે દ’ રોંસા

રોંસાના સૌપ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓડ્ઝ’(1550)માં ફ્રેન્ચ ભાષામાં હૉરેસની શૈલીમાં ઓડ રચવાનો પ્રયાસ છે. ‘લૅઝ એમર્સ’(1552)માં ઇટાલિયન કૅન્ઝોનિયર પ્રકારનાં કાવ્યો છે. પ્રણય, વિલાપ વગેરે વિષયો ઉપર અત્યંત દિલચસ્પ કવિતાના આ નમૂના છે. ઈ. પૂ. છઠ્ઠી સદીના ગ્રીક કવિ અનેક્રિયની કવિતામાંથી પ્રેરણા મેળવી એક નવા પ્રયોગ તરીકે ‘ગ્રોવ’ અને ‘મિસેલની’ નામની કાવ્યકૃતિઓ 1554માં સર્જી, જેમાં પ્રકૃતિ તથા ગ્રામીણ સંસ્કૃતિ-વિષયક કાવ્યોનો સંગ્રહ છે. 1555માં પ્રસિદ્ધ થયેલ ‘હિમ્સ ઑવ્ ધ સ્કાય’ દીર્ઘ કાવ્યમાં પ્રાકૃતિક જગત, મૃત્યુ, ન્યાય, દેવો, પ્રાચીનતા, શૌર્ય જેવા વિવિધ વિષયો સમાવી લેવામાં આવ્યા છે. 1559માં પ્રસિદ્ધ થયેલ ‘મેસ્લૅન્જિસ’ નામના કાવ્યસંચયમાં કવિનાં શૈશવકાળનાં સંસ્મરણો કંડારવામાં આવ્યાં છે. તેમાં કવિ પોતે એકલાઅટૂલા જંગલોમાં વિચરતા અને પ્રકૃતિ-નિરીક્ષણની સાથે આત્મખોજના વિચાર કરતા તે સુંદર રીતે નિરૂપાયું છે. ધર્મયુદ્ધો ફાટી નીકળ્યાં તે સમયમાં કવિ કૅથલિક સંપ્રદાયને વરેલા હતા અને રાજાના ચુસ્ત ટેકેદારોના પક્ષમાં હતા. તેથી તેમણે પ્રૉટેસ્ટંટ સંપ્રદાયનો વિરોધ વહોરી લીધેલો. વિરોધીઓની ટીકા કરતાં કાવ્યો ‘ડિસ્કોર્સ ઑવ્ ધ મિઝરિઝ ઑવ્ ધીઝ ટાઇમ્સ’માં અત્યંત કટુતાથી દેશદ્રોહીઓ અને દંભીઓ ઉપર તેમણે ચાબખા ફટકાર્યા છે. રાજા ચાર્લ્સ નવમાના સમયમાં તેમને રાજકવિનું પદ પ્રાપ્ત થયેલું અને તે વખતે ‘લા ફ્રાન્સિયાડ’ નામનું રાષ્ટ્રીય મહાકાવ્ય વર્જિલના ‘ઈનિડ’ મહાકાવ્યના અનુકરણમાં રચવાની શરૂઆત કરેલી; જેના 4 ગ્રંથ 1572માં પ્રસિદ્ધ થયા. પરંતુ રાજાના નિધન બાદ હેન્રી ત્રીજો રાજગાદીએ આવતાં તેની કૃપાના તે અધિકારી બની શક્યા નહિ અને તેઓ નિવૃત્ત થયા; તેથી તેમનું મહાકાવ્ય અધૂરું રહ્યું. કાવ્યસર્જન ચાલુ હતું, તેથી 1578માં કેટલીક નવી કાવ્યરચનાઓ સહિત પોતાની ચુનંદી કવિતાનું પ્રકાશન થયું. આ કાવ્યોમાં કવિનો પ્રકૃતિપ્રેમ પ્રગટ થાય છે. તેમાંય ‘એલિજી અગેઇન્સ્ટ ધ વુડકટર્સ ઑવ્ ગેટીન’ નામની કાવ્યરચનામાં પોતાના ઘર નજીક કપાતાં જંગલો વિશેની દ્રાવક અભિવ્યક્તિ નોંધપાત્ર છે. કવિના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલ ‘લેઝ ડર્નિયર્સ વર્સ’ નામની રચનાઓમાં જીવનના છેલ્લા તબક્કામાં અનિદ્રામાં વિતાવેલ એકલવાયી રાત્રીઓ દરમિયાનની વ્યથાનું વર્ણન છે. કવિ તેમાં નિદ્રાનું સુખ વાંછે  છે અને મૃત્યુ બાદ નવજીવનના પ્રભાતની ઝંખના પ્રગટ કરે છે. રોંસાએ ઍલેક્ઝાન્ડ્રિયન પંક્તિઓ ફ્રેન્ચ કવિતામાં કટાક્ષકાવ્ય અને કરુણપ્રશસ્તિના યોગ્ય માધ્યમ તરીકે સુરેખ રીતે અંકિત કરી આપી. મેધાવી રોંસા પોતાના જમાનાના શ્રેષ્ઠ કવિ ગણાયા અને અનેક કવિઓના પ્રેરણાસ્રોત બની રહ્યા. પ્રકૃતિ-કવિ તરીકે, યૌવનના સૌંદર્યને શ્રેષ્ઠ અભિવ્યક્તિ અર્પનાર તથા અપરિપૂર્ણ પ્રણયના કવિ તરીકે તેમજ ઉત્કટ દેશભક્તિ અને સઘન માનવતા પ્રકટ કરતા કવિ તરીકે સદીઓ સુધી રોંસા અજોડ રહ્યા. તેમણે રચેલાં ઓડ સંગીતકારોની રચનામાં સ્થાન પામ્યાં છે. અને આજે પણ ફ્રાન્સની પ્રજા તેમને લોકકાવ્યો તરીકે મન ભરીને માણે છે.

પંકજ જ. સોની