રફાળેશ્વર : સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલ સુપ્રસિદ્ધ શિવાલય. આ મંદિર મોરબીથી 9 કિમી. દૂર આવેલું છે. તેના શિલાલેખ અનુસાર વિ. સં. 2002(ઈ. સ. 1946)માં મહારાજા લખધીરસિંહજી ઠાકોરે જીર્ણોદ્ધાર કરાવી મંદિર-સંકુલમાં રફાળેશ્વર, હાટકેશ્વર, વાઘેશ્વર અને ભીમનાથની પુન:પ્રતિષ્ઠા અને શ્રી લખધીરેશ્વર, શ્રી ગદાધર, મહાકાળી તથા ભૈરવનાથની પ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરાવી હતી.
રફાળેશ્વરનું મંદિર સ્વસ્તિકાકાર છે. રચના પરત્વે તે ગર્ભગૃહ અંતરાલ અને શણગાર-ચોકીઓવાળો મંડપ ધરાવે છે. ગર્ભગૃહમાં મધ્યમાં ત્રણ શિવલિંગ પ્રતિષ્ઠિત છે, જેમાં મધ્યમાં મુખ્ય શિવલિંગ રફાળેશ્વરનું છે, તેની ડાબી બાજુ લખધીરેશ્વરનું અને જમણી બાજુ ભીમનાથનું લિંગ સ્થાપેલું છે. ત્રણેયની સમાંતરે પછીતમાં ત્રણ ગવાક્ષ કરી તેમાં પાર્વતીની મૂર્તિઓ મૂકેલી છે. મંદિર પૂર્વાભિમુખ છે અને ગર્ભગૃહના મંડપને સ્પર્શતા ખૂણામાં ઉત્તરાભિમુખે ગણપતિની અને દક્ષિણાભિમુખે હનુમાનજીની મૂર્તિઓ છે. સ્તંભયુક્ત મંડપની મધ્યમાં ભવ્ય કદના નંદીની સ્થાપના છે. ગર્ભગૃહના દક્ષિણ તરફના ખૂણામાં વાઘેશ્વર અને હાટકેશ્વર મહાદેવનાં ગર્ભગૃહ અને નંદીમંડપયુક્ત મંદિર કરેલાં છે, જ્યારે ઉત્તર તરફના ખૂણામાં મહાકાળી અને ભૈરવનાથનાં ગર્ભગૃહ અને ચોકી ધરાવતાં મંદિરો આવેલાં છે. મહાકાળીની શ્યામ શિલામાં કંડારેલી મૂર્તિ તેમના ઉગ્ર રૂપને સરસ રીતે વ્યક્ત કરે છે. તેમના ચાર હાથમાં અનુક્રમે વરદ, ખડ્ગ, મુંડ અને નીચલા હાથમાં એ મુંડમાંથી ઝરતા રક્તને ઝીલતું પાત્ર છે. દેવી પોઢેલા શિવના વક્ષ-સ્થલ પર ઊભાં છે. ભૈરવની મૂર્તિ પણ શ્યામ શિલામાં કંડારેલી છે. તેમણે લંગોટી ધારણ કરીને તેના પર નાગબંધ બાંધ્યો છે. હાથ-પગમાં નાગવલય અને નાગકંકણ ધારણ કર્યાં છે. મસ્તકે જટા અને પગમાં પાવડી ધારણ કરતા ભૈરવે પોતાના ચાર હાથમાં કુંડી, અભયમુદ્રા, ત્રિશૂળ અને અસુરમસ્તકનો ચોટલો ધારણ કરેલ છે.
રફાળેશ્વર, વાઘેશ્વર, હાટકેશ્વર, મહાકાળી અને ભૈરવનાથ પાંચેય મંદિરો એક હરોળમાં છે અને પાંચેય પર રેખાન્વિત શિખર કરેલાં છે. તેમની ચોકીઓ પર પદ્માકાર કરી મધ્યમાં ઘૂમટ મૂકેલા છે. ગદાધરનું મંદિર રફાળેશ્વરના મંદિરની પૂર્વ તરફની ચોકી પાસે છે, જે ગર્ભગૃહ, અંતરાલ અને ચોકી ધરાવે છે. તેના પર પણ શિખર કરેલું છે. મંદિરની સમીપમાં કુંડ છે અને ઉતારુઓને રહેવાની ધર્મશાળાની સગવડ છે. આજુબાજુના લોકો અહીં અસ્થિવિસર્જન કે શ્રાદ્ધ માટે આવે છે. શ્રાવણ વદ અમાસના રોજ અહીં ભરાતા મેળામાં પચાસ હજાર જેટલા લોકો ભાગ લે છે.
પ્રવીણચંદ્ર પરીખ