રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં આશરે 100 કિમી. જેટલા અંતર સુધી નૌકાઓની હેરફેર થઈ શકે છે. આ નદી જળવિદ્યુત-વિકાસ અને સિંચાઈ માટેની સારી સુવિધા ધરાવે છે. ગ્રેટ રુઆહા તેની મુખ્ય સહાયક નદી છે.

જાહ્નવી ભટ્ટ