રથ, વ્રજનાથ (જ. 12 જાન્યુઆરી 1936, બાલાસોર નગર, ઓરિસા) : ઊડિયાના ઉદ્દામવાદી કવિ. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. ચાળીસી પછી કવિ તરીકે તેમણે સાહિત્યક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.

‘કાવ્ય’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું અને ‘ધરિત્રી’ (1957) અને ‘સમસામયિક ઑરિયા પ્રેમ કવિતા’ (1962) નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. આ ઉપરાંત તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘મરુ ગોલાપ’ (1960), ‘તિનોતી નિસ્વસર આકાશ’ (1962), ‘નિજસ્વ સંલાપ’ (1969), ‘મરુ ગોલાપ ઑ અન્યાન્ય કવિતા’ (1972) અને ‘નિ:શબ્દ પ્રતિબદ’ (1977), ‘મનરા માનચિત્ર’ (1983), ‘હે મહાજીવન’ (1991) તથા ‘હે મોર સ્વદેશ’(1997)નો સમાવેશ થાય છે. ‘લઘુ શતક’ (1993) તેમનો વક્રોક્તિયુક્ત કાવ્યસંગ્રહ છે.

‘તસ્લીમા કી શ્રેષ્ઠ કવિતા’ (1994); ‘નિર્વાચિત  કલમ’ (1995) તસ્લીમા નસરીનના બંગાળી ગદ્ય અને પદ્યનો અનુવાદ છે. ‘કાચ કા ઘર’ શીર્ષક હેઠળ તેમનાં અનેક કાવ્યો હિંદીમાં અનુવાદિત થયાં છે.

તેઓ ફકીર મોહન સાહિત્ય પરિષદના પ્રમુખ અને ઓરિસા સાહિત્ય અકાદમીના સભ્ય રહી ચૂક્યા છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1984; વિષુવમિલન સિલ્વર જ્યુબિલી ઍવૉર્ડ, 1974; કવિ શેખર ચિંતામણિ ઍવૉર્ડ, 1995માં આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ તરફથી તેમને સન્માનિત કરાયા હતા. શરૂમાં ભાવનાપ્રધાન કાવ્યો રચ્યા પછી તેમણે ક્રાંતિકારી આદર્શને વણી લેતી કાવ્યકૃતિઓ સરળ અને લાલિત્યપૂર્ણ શૈલીમાં રચી.

બળદેવભાઈ કનીજિયા