રથ, રમાકાન્ત (જ. 13 ડિસેમ્બર, 1934, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી(દિલ્હી)ના પૂર્વ પ્રમુખ. 1956માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.. 1957માં આઇ.એ.એસ.માં જોડાયા. ઓરિસાની તથા કેન્દ્રની સરકારમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી (1957–92). કૉલેજકાળથી કાવ્યલેખનનો પ્રારંભ. પ્રથમ કાવ્યસંગ્રહ ‘કે તે દિનાર’ 1962માં પ્રગટ થયા પછી, ‘અનેક કોઠારી’ (1967) અને ‘સંદિગ્ધ મૃગયા’ (1971) પ્રગટ થયા. તે પછીનો કાવ્યસંગ્રહ તે ‘સપ્તમ ઋતુ’ (1977) અને તે માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો. તે પછી તેમનો કાવ્યસંગ્રહ ‘સચિત્ર અંધારા’ (1982) અને ‘શ્રીરાધા’ (1984) તથા ‘શ્રીપાલટકા’ એ 2 દીર્ઘકાવ્યો પ્રગટ થયાં. સમગ્ર રીતે તેઓ નવ્ય કાવ્ય આંદોલનના અગ્રેસર કવિ રહ્યા છે. તેમની કાવ્યસિદ્ધિથી આ આંદોલનને બળ, દિશા અને ર્દઢતા સાંપડ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રની એફ.એ.ઓ. સંસ્થાના સલાહકારની કામગીરી ઉપરાંત તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ (1993–97) તરીકે અને અધ્યક્ષ (1997–2002) તરીકે કામગીરી બજાવી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1978), સરલા ઍવૉર્ડ (1984), વિશ્વ સંમાન (1990), સરસ્વતી સંમાન (1992) તથા કબીર સંમાન (1993) એ તેમને મળેલાં મુખ્ય સંમાનો છે. તેમનાં કેટલાંક કાવ્યો ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ પામ્યાં છે. તેમણે યુ.કે., યુ.એસ., રશિયા, ચીન, સ્વીડન તથા કૅનેડાનો પ્રવાસ કર્યો છે.

મહેશ ચોકસી