રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ)

January, 2003

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ) (જ. 30 ઑગસ્ટ 1871, સ્પ્રિંગ ગ્રૂવ, ન્યૂઝીલૅન્ડ; અ. 19 ઑક્ટોબર 1937, કેમ્બ્રિજ) : તત્વોના વિભંજનના અને રેડિયોઍક્ટિવ પદાર્થોના રસાયણલક્ષી અભ્યાસ માટે 1906નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રખર રસાયણશાસ્ત્રી.

સાહસિક, શ્રમિક અને સફળ કૃષિકાર જેમ્સ રધરફર્ડના તેઓ બીજા પુત્ર. પિતા સાથે ખુલ્લામાં સખત મહેનતકશ બની ખેતીનો લહાવો લૂંટવામાં તેઓ આનંદ માણતા હતા. આ ખેડૂત-પુત્ર આશાસ્પદ વિદ્યાર્થી પણ હતા. શિષ્યવૃત્તિ મેળવીને તેઓ 1889માં કૅન્ટરબરી કૉલેજમાં જોડાયા. અહીંથી તેઓ માન સહ સ્નાતક થયા. ત્રણ વર્ષ પછી બીજી શિષ્યવૃત્તિ મળતાં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. અહીં તેમણે ઇલેક્ટ્રૉનનું અસ્તિત્વ પુરવાર કરનાર જે. જે. ટૉમસનના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય શરૂ કર્યું.

લૉર્ડ અર્નેસ્ટ રધરફર્ડ

રધરફર્ડ રેડિયોઍક્ટિવિટી અને પરમાણુ-સંરચનાના અભ્યાસમાં આખુંય આયખું ગળાડૂબ રહ્યા. યુરેનિયમ જેવાં તત્વોમાંથી ઉત્સર્જિત થતાં વિકિરણોના ત્રણ ઘટકોનો તેમણે સવિસ્તાર અભ્યાસ કર્યો. આમાંથી બે ઘટકો આલ્ફા અને બીટા કણોના હતા. ત્રીજો ઘટક ઉચ્ચ આવૃત્તિ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણનો હતો. આ બધો અભ્યાસ તેમણે પાંચ સંશોધનલેખોમાં પ્રગટ કર્યો હતો.

1898માં તેમણે કેમ્બ્રિજ છોડ્યું. તે જ વર્ષે, મૉન્ટ્રિયલની મેક્ગ્રિલ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના મેક્ડોનાલ્ડ સંશોધન-પ્રાધ્યાપક બન્યા. ત્યાં તેમણે થોરિયમની રેડિયોઍક્ટિવિટીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસના અંતે તેમણે અને ફ્રૅડરિક સોડીએ ઉત્તરોત્તર રૂપાંતરણનો સિદ્ધાંત રજૂ કર્યો. તેમણે બતાવ્યું કે યુરેનિયમ અને થોરિયમ જેવાં તત્વો સ્વયંભૂ રીતે રેડિયોઍક્ટિવ ક્ષય પામી બીજાં તત્વોમાં રૂપાંતર પામે છે, જ્યારે આખરી તત્વ સ્થાયી બને છે ત્યારે ક્ષયપ્રક્રિયા બંધ થાય છે.

1903માં તેઓ રધરફર્ડ રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. 1904માં તેમણે લખેલ પુસ્તક ‘રેડિયોઍક્ટિવિટી’ વિશ્વવિખ્યાત બન્યું.

1907માં તેઓ માન્ચેસ્ટરમાં ભૌતિકવિજ્ઞાનમાં લગવર્ધી પ્રાધ્યાપક બન્યા. તેઓ ખૂબ જ સક્રિય રહ્યા. તેમણે માત્ર સાત વર્ષમાં 80 સંશોધનલેખો પ્રગટ કર્યા. આલ્ફા અને બીટા વિકિરણ ઉપર તેમણે ખૂબ સંશોધન કર્યું, જેનો વિજ્ઞાનક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો રહ્યો. તેમાંથી પરમાણુનું ન્યૂક્લિયર પરિરૂપ ઊપસી આવ્યું.

તેમણે વિજ્ઞાન-સંશોધનના ક્ષેત્રે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. એચ. ગાઇગર અને ઈ. માર્સડને તેમની પ્રયોગશાળામાં આલ્ફા કણોના પ્રકીર્ણન (scattering) ઉપર કેટલાક પ્રયોગો કર્યા. તે પ્રયોગોને આધારે બતાવ્યું કે પરમાણુના કેન્દ્રમાં સૂક્ષ્મ વિસ્તારમાં ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય છે. આ ભાગને ન્યૂક્લિયસ કહે છે. તેમાંથી રધરફર્ડ પરમાણુ પરિરૂપનો જન્મ થયો.

1914માં તેમણે યુ. એસ., ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડની મુલાકાત લીધી અને તેમની શોધો ઉપર શ્રેણીબદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. 1915–17માં તેઓ નૌ-સેનામાં જોડાયા અને સબમરીનોને લગતું કાર્ય કર્યું. 1919માં માન્ચેસ્ટરની પ્રયોગશાળામાં એકલપંડે સંશોધન કરતાં કરતાં દ્રવ્યના કૃત્રિમ રૂપાંતરણ વિશે સંશોધનલેખ પ્રગટ કર્યો. 1919માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના ‘કૅવન્ડિશ’ પદ ઉપર જે. જે. ટૉમસનના ઉત્તરાધિકારી બન્યા. ત્યાં રહીને તેમણે 1907 સુધી કાર્ય કર્યું. આ સમય દરમિયાન તેમણે નાઇટ્રોજન અને ઑક્સિજનમાં લાંબી અવધિના આલ્ફા કણોનો અભ્યાસ કર્યો અને તેને આધારે ન્યૂટ્રૉનના અસ્તિત્વની આગાહી શક્ય બની. 1921માં તેમને ઑર્ડર ઑવ્ મેરિટ અર્પણ કરવામાં આવ્યો. 1925માં રૉયલ સોસાયટીના અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાયા. 1931માં નેલ્સનના બૅરન રધરફર્ડ બન્યા. 1930–37 સુધી વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધનની સલાહકાર સમિતિના અધ્યક્ષ બન્યા. 1937માં તેમના સહકાર્યકરો જેમ્સ ચૅડ્વિક, જૉન કોક્રૉફ્ટ અને અન્યનાં તત્વોના રૂપાંતરણના સંશોધનના હેવાલ આપતાં ‘ન્યૂઅર ઍલ્કેમી’નું પ્રકાશન કર્યું. સમગ્ર વિજ્ઞાનના ઇતિહાસમાં સમકાલીનો ઉપર તેમની ઊંડી અસર પડી હતી અને તેમાં એ સૌમાં ચડિયાતા હતા.

1900માં તેમણે ક્રાઇસ્ટ ચર્ચ(ન્યૂઝીલૅન્ડ)નાં મેરી જ્યૉર્જિના સાથે લગ્ન કર્યું. તેમને એક પુત્રી હતી. રધરફર્ડ સર્વદા ઉષ્માસભર અને વિનોદરસિક રહ્યા હતા. આથી તેમણે તેમના પ્રશંસકોની વણજાર ઊભી કરી હતી. જર્મનીના નાઝીઓના તેઓ સખત વિરોધી હતા. નાઝીઓના જુલમથી ત્રાસેલા યહૂદી નિરાશ્રિતોને તેઓ ખડે પગે મદદ કરતા હતા.

આનંદ પ્ર. પટેલ