રથચક્ર (1962) : મરાઠી નવલકથાકાર એસ. એન. પેંડસેની એક મહત્વની કૃતિ. સામાન્ય રીતે પેંડસેની નવલકથાઓમાં ઉત્તર કોંકણના અમુક સ્થળ-વાતાવરણનું તેમજ તેનાં રહેવાસીઓનું ચિત્રાત્મક આલેખન હોય છે. ‘રથચક્ર’ની વાર્તા એક અનામી યુવાન સ્ત્રીની આસપાસ ગૂંથાઈ છે; એ અનામી મહિલાને તેના પતિ તથા સ્વાર્થી સાસરિયાંએ તજી દીધી છે. તેણે પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરવાનું રહે છે. તેથી ઘરથી ઘણે દૂરની જગ્યાએ તેને રહેવું પડે છે.

નવલકથાની એક લાક્ષણિકતા એ છે કે તેનાં લગભગ તમામ પાત્રો અનામી છે. વ્યક્તિઓને નામનું વળગણ ન હોવાથી, તેઓ માનવજાતના વિશાળ સમૂહના ભાગરૂપ લાગે છે અથવા તેઓ અમુક લક્ષણોના નમૂનારૂપ બની રહે છે. અનામી ત્યક્તા નારી માટે આજીવિકાનો સંઘર્ષ ત્રાસજનક બની રહે છે. પોતાનાં મર્યાદિત સાધનો છતાં તે પોતાના પુત્રને શિક્ષણ આપે છે. પણ વિધિની વક્રતા એવી છે કે એ પુત્ર પિતાની ભક્તિ કરતો અને પોતા માટે કોઈક પ્રકારનો તિરસ્કાર સેવતો હોવાનું પેલી ત્યક્તાને જાણવા મળે છે. પુત્રની આવી કૃતઘ્નતાના પરિણામે છેવટે એ ત્યક્તા હતાશ થઈ આત્મહત્યા કરે છે.

‘રથચક્ર’ શીર્ષક મહાભારતના એક પ્રસંગ સાથે સંકળાયેલું છે. મહાભારતના યુદ્ધમાં પોતાના પ્રતિસ્પર્ધી અર્જુન સામે લડતા કૌરવ-સેનાની કર્ણના રથનું પૈડું કાદવમાં ખૂંપી જાય છે અને કર્ણને પ્રતીતિ થાય છે કે તેની હાર હવે નિશ્ચિત છે. આ નવલકથામાં તો નીડર અનામી નાયિકાના જીવનરથનાં બંનેય પૈડાં  પતિ અને પુત્ર  છીનવાઈ જાય છે.

મહેશ ચોકસી