રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ, સહ્યાદ્રિની પેલી પાર સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લા, દક્ષિણે સિંધુદુર્ગ જિલ્લો તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લામથક રત્નાગિરિ જિલ્લાની પશ્ચિમ સરહદે અરબી સમુદ્રને કિનારે આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ તેની ભૂસ્તરીય ખડકરચનાને આધારે તૈયાર થયેલું છે. ભૂપૃષ્ઠ ખૂબ જ અસમતળ છે તથા કિનારા તરફ સાંકડું મેદાન આવેલું છે. જિલ્લાનો 85 %થી વધુ ભૂમિભાગ ટેકરીઓવાળો છે. પૂર્વ તરફ સીધા ઢોળાવવાળી સહ્યાદ્રિની ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓનો મધ્યભાગ વધુ ઊંચાઈવાળો છે. અહીંની ટેકરીઓ એકબીજીને સમાંતર ચાલી જાય છે. તેમાંથી નીકળતી નદીઓએ અન્યોન્ય સમાંતર જળપરિવાહ રચ્યો છે.
જિલ્લાની મોટાભાગની જમીનો લૅટરાઇટજન્ય છે. આ જમીનોમાં રહેલા લોહઑક્સાઇડને કારણે તે તેજસ્વી લાલ રંગથી કથ્થાઈ રંગની જોવા મળે છે, જોકે તેમાં નાઇટ્રોજન અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ હોવાથી તે ગોરાડુ જમીનોની સમકક્ષ બની રહેલી છે. વળી તે છિદ્રાળુ હોવાથી તેની ભેજગ્રહણક્ષમતા ઓછી છે. ટેકરીઓના ઢોળાવો પરની આ જમીનો ઓછી ફળદ્રૂપ છે. તેમાં રાગી, કાજુ અને કેરી થાય છે. ટેકરીઓના તળેટી-વિસ્તારોની જમીનો થોડાઘણા કસવાળી હોવાથી નાળિયેરી અને સોપારીનાં વૃક્ષો થાય છે. દરિયાકિનારા નજીકની જમીનો ઊંડી, રેતાળ, ગોરાડુ પ્રકારની છે. તેમાં પણ નાળિયેરી અને સોપારી થાય છે. દરિયાકિનારાની જમીનો ભરતી-મોજાંને કારણે ક્ષારવાળી છે.
અહીંની બધી જ નદીઓ સહ્યાદ્રિમાંથી નીકળે છે અને પૂર્વથી પશ્ચિમ વહી અરબી સમુદ્રને મળે છે. તે બધી માત્ર 20 કિમી.ના અંતરમાં તેમની ઘસારાની સમભૂમિના સ્તરે (base level of erosion) પહોંચી ગયેલી છે. લંબાઈની ર્દષ્ટિએ વસિષ્ઠી અહીંની મુખ્ય નદી છે. વસિષ્ઠી તથા તેને મળતી જગબુદી બંને માછીમારી માટે ઉપયોગમાં લેવાય છે. વધુ ઉત્તર તરફ સાવિત્રી નદી રત્નાગિરિ અને રાયગઢ જિલ્લાઓ વચ્ચેની સરહદ રચે છે. આ નદી આશરે 35 કિમી.ના અંતર માટે જળમાર્ગ તરીકે ઉપયોગી બની રહે છે. આ ઉપરાંત અહીં બાવ, રત્નાગિરિ, મુચકંદી, જૈતાપુર, કરલી અને તેરેખોલ જેવી નાની નદીઓ પણ છે. અહીંની ભરતીની અસરવાળી નદીઓ જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાય છે.
ખેતી : આ જિલ્લામાં ખરીફ અને રવી પાકો લેવાય છે. ડાંગર, રાગી, બાજરી, કોદરા, કઠોળ, કળથી, અડદ, વેરાઈ અને ચવળી અહીંના મુખ્ય પાકો છે. રત્નાગિરિ દરિયાઈ આબોહવા ધરાવતો પ્રદેશ છે. અહીંના દરિયાકિનારા પૈકી 65 કિમી. જેટલા લાંબા વિભાગમાં માછલીઓ પકડવાનો વ્યવસાય ચાલે છે. હરનાઈ, દાભોળ, જયગડ, રત્નાગિરિ, જૈતાપુર, વિજયદુર્ગ, દેવગઢ વગેરે અહીંનાં મત્સ્યપ્રવૃત્તિનાં મુખ્ય કેન્દ્રો છે. માછલીઓ પકડવાનું કામ સપ્ટેમ્બરથી મે દરમિયાન થાય છે. ચૌદથી વધુ પ્રકારની માછલીઓ ઉપરાંત ક્લૅમ અને કાલુ (oyster) પણ અહીંથી મેળવવામાં આવે છે. ખાડીઓમાંથી, નદીનાળાંઓમાંથી તેમજ પાછાં પડતાં પાણીમાંથી પણ માછલીઓ મળી રહે છે. 60 % તાજી, 30 % ખારી-ભીની તથા 10 % સૂર્યતાપમાં સૂકવેલી માછલીઓનું વેચાણ કરવામાં આવે છે. સૂકવેલી માછલીઓનો પાઉડર પણ થાય છે. મોટાભાગની માછલીઓ મુંબઈ ખાતે મોકલાય છે. અહીં શાર્કના તેલનું ઉત્પાદન પણ લેવાય છે.
ઉદ્યોગો : મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ વિભાગના બધા જ જિલ્લાઓમાં રત્નાગિરિ જિલ્લો ખનિજ-ઉત્પાદનની ર્દષ્ટિએ મહત્વનો છે. અહીંના જુદા જુદા વિસ્તારોમાં બૉક્સાઇટ, ક્રોમાઇટનાં ભૌતિક સંકેન્દ્રણો, સિલિકા-રેતીના વિપુલ જથ્થા આવેલાં છે. આ ઉપરાંત થોડાઘણા પ્રમાણમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ, ખનિજ-વર્ણકો, મૃદ, ઍસ્બેસ્ટૉસ, કાચરેતી, તાંબું, મીઠું, ઇમારતી પથ્થરો, ચૂનાખડકો, ડૉલોમાઇટ તેમજ યુરેનિયમ ઑક્સાઇડ પણ મળે છે.
ઔદ્યોગિક ર્દષ્ટિએ આ જિલ્લો અવિકસિત છે. મોટા પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. માત્ર નાના પાયા પરના ઉદ્યોગો તેમજ કુટિર-ઉદ્યોગો ચાલે છે. મત્સ્યપ્રક્રમણ, કાજુપ્રક્રમણ તથા ફળોનું પ્રક્રમણ કરતા નાના પાયા પરના એકમો અહીં છે. આ ઉપરાંત તેલમિલો અને લાકડાં વહેરવાની મિલો અહીં છે. બાંધકામ-સમારકામ, ઑટોમોબાઇલ-સમારકામ, પુસ્તક-છાપકામ અને બાંધકામ ઉપરાંત સિમેન્ટ-પેદાશો, સોડિયમ સિલિકેટ તથા બીડીઓ બનાવવાનું કામ અહીં ચાલે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં રેમન્ડ વુલન મિલ્સ લિ., બ્રાઉન વુલ સિલ્ક મિલ્સ લિ. અને નૅશનલ ઑર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો સમાવેશ થાય છે.
વેપાર : કેરી, કાજુ, નાળિયેર, સોપારી, જૅકફ્રૂટ, કોકમ, કાથી અને માછલીઓનો વેપાર થાય છે. આ પેદાશોની મુંબઈ, પુણે અને કોલ્હાપુર ખાતે નિકાસ થાય છે. અહીંનાં કાજુ અમેરિકા ખાતે પણ મોકલાય છે. મુંબઈ, પુણે અને કોલ્હાપુરથી અહીં આયાત થતી ચીજવસ્તુઓમાં અનાજ, કાપડ, તેલ, દવાઓ, હાર્ડવેર, ખાંડ, ગોળ, મરચાં, કેરોસીન વગેરેનો સમાવેશ થાય છે. અહીંનાં મુખ્ય વેપારી મથકો તથા બંદરો તરીકે રત્નાગિરિનો તથા સિંધુદુર્ગ જિલ્લાનાં માલવણ અને વેંગુર્લાનો ઉપયોગ થાય છે.
પરિવહન–પ્રવાસન : આ જિલ્લો મુંબઈ, પુણે અને કોલ્હાપુર સાથે સડકમાર્ગોથી જોડાયેલો છે. જિલ્લાનાં આશરે 84 % ગામોમાં રેલમથકો કે બસમથકો છે અથવા તે જળમાર્ગોની સુવિધા ધરાવે છે. આ પૈકીનાં 46 % ગામોમાં પાકા રસ્તા પણ છે.
માલગુંડની દક્ષિણે આશરે ત્રણ કિમી. દૂર આવેલું ગણપતિનું મંદિર ખૂબ જાણીતું છે. તેની નજીક એક પવિત્ર ઝરો આવેલો છે. ગુહાગાર ખાતે આવેલું કાળા પથ્થરમાંથી બાંધેલું એક શિવમંદિર તેના સ્થાપત્ય માટે જાણીતું છે. અહીંની નંદી-મૂર્તિ એવી તો સરસ રીતે ગોઠવી છે કે તે જીવંત હોવાનો ભાસ થાય છે. દાપોલી ખાતે આવેલું કડાચા ગણપતિનું તથા ભાર્ગવ રામનું નાનકડું મંદિર જોવાલાયક છે. રાજાપુરથી પશ્ચિમે 16 કિમી. દૂર આવેલા મહાકાળીના મંદિર ખાતે આસો-નવરાત્રિ ટાણે મેળો ભરાય છે. રત્નાગિરિ નજીકના ઉચ્ચપ્રદેશ પર આવેલું દુર્ગાદેવીનું મંદિર ઉજાણીસ્થળ તરીકે લોકપ્રિય છે. સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામ નજીક ખંડિયેર હાલતમાં રહેલો, કોટ સહિતનો એક જૂનો કિલ્લો પણ જોવાલાયક છે. ચિપળૂણ ખાતે આવેલા ગોવળકોટના કિલ્લાની ટોચ પર એક જળાશય પણ છે. આ ઉપરાંત વારતહેવારે આ જિલ્લામાં જુદા જુદા ઉત્સવો ઊજવાય છે અને મેળા પણ ભરાય છે.
વસ્તી : 2001 મુજબ રત્નાગિરિ જિલ્લાની વસ્તી 16,96,482 છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 91 % અને 9 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મના લોકોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે જૈન, શીખ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં મરાઠી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 52 % જેટલું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 9 તાલુકાઓમાં અને 9 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 1,519 (4 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : રત્નાગિરિ જિલ્લો ભારતના પશ્ચિમ કિનારે આવેલા કોંકણના મેદાનનો એક ભાગ છે. તે ઐતિહાસિક ર્દષ્ટિએ તેમજ લાંબા કિનારા માટે અને ત્યાં આવેલાં બંદરો માટે જાણીતો બનેલો છે. ‘કોંકણ’ શબ્દ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે, પરંતુ તેના અર્થ વિશેની કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અને કાશ્મીરના હિન્દુ ઇતિહાસમાં પશ્ચિમ કિનારે સાત સામ્રાજ્યો હોવાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસનું તેરમું વર્ષ આ પ્રદેશમાં કોઈક ભાગમાં વિતાવેલું. આ પ્રદેશનો રાજા વિરાટરાય કુરુક્ષેત્રની લડાઈમાં પાંડવપક્ષે રહેલો.
ગૌતમ બુદ્ધની હયાતી દરમિયાન આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. મૌર્ય સામ્રાજ્યમાં, બીજી સદીમાં કોંકણનો કિનારાનો વિસ્તાર જોડી દેવામાં આવ્યો અને છઠ્ઠી સદી સુધી મૌર્યોએ ત્યાં સત્તા ભોગવી. કોંકણ પ્રદેશમાં આવેલ ચંદ્રાપુર પ્રાચીન નગર હતું અને ચાલુક્ય વંશના પુલકેશી બીજાના પુત્ર ચંદ્રાદિત્યે તે નગર વસાવ્યું હતું. સોળમી સદીમાં પૉર્ટુગીઝોએ રેવદંડાનો કિલ્લો બંધાવ્યો. બીજાપુરના સુલતાનોની સત્તા હેઠળ આ પ્રદેશ સમૃદ્ધ થયો હતો. શિવાજીએ આ પ્રદેશ 1675માં કબજે કર્યો. તે પછી 1817માં મરાઠાઓએ કોંકણનો પ્રદેશ અંગ્રેજ સરકારને સોંપ્યો. વખતોવખત આ જિલ્લાનાં તાલુકા તથા ગામોમાં ફેરફારો થયા. ભારત સ્વતંત્ર થયા બાદ અગાઉના સાવંતવાડી રાજ્યના પ્રદેશો તેમાં ઉમેરવામાં આવ્યા.
રત્નાગિરિ (શહેર) : ભૌગોલિક સ્થાન : 16° 59´ ઉ. અ. અને 73° 18´ પૂ. રે. તે અરબી સમુદ્રને કિનારે આવેલું છે. બીજાપુરના શાસકોએ તેને આ વિસ્તાર માટેનું વહીવટી મથક બનાવેલું ત્યારથી આ પ્રદેશમાં તેનું મહત્વ વધેલું છે. બીજાપુરના શાસકોના વંશવારસોના શાસન દરમિયાન અહીંના બંદરના મથાળે ઊંચાઈવાળી ભૂમિ પર કિલ્લાનું બાંધકામ કરવામાં આવેલું. 1670માં શિવાજીએ આ કિલ્લાને વધુ ટકી શકે એવો મજબૂત બનાવરાવેલો. 1731માં તે સતારાના રાજાઓના, 1783માં પેશ્વાઓના અને 1818માં અંગ્રેજોના હસ્તક ગયેલું. ત્યારથી તે જિલ્લાના મુખ્ય મથક તરીકે પસંદગી પામેલું છે.
રત્નાગિરિ કોંકણ-કિનારે આવેલાં બંદરો પૈકીનું એક છે. અહીં દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સંશોધન-કેન્દ્ર સ્થપાયેલું છે. આ સ્થળ એક લોકપ્રિય વિહારધામ પણ છે. અહીં એક મહેલ આવેલો છે. તેમાં મ્યાનમાર(તત્કાલીન બ્રહ્મદેશ)ના છેલ્લા રાજવી થીબાને તેમજ તે પછીથી સ્વાતંત્ર્યવીર સાવરકરને નજરકેદ રખાયેલા.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ