રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે.

રણજી ટ્રૉફી
193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે ભારતનો સૌપ્રથમ સત્તાવાર ટેસ્ટ-ક્રિકેટ પ્રવાસ ખેડ્યો તે પછી ભારતમાં ક્રિકેટની રમત પ્રત્યે ભારે ઉત્સાહનું વાતાવરણ પેદા થયું હતું અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળે રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ-સ્પર્ધા યોજવાનો વિચાર કર્યો હતો.
રણજી ટ્રૉફી સ્પર્ધા : વિજેતાઓ
| 1935 | મુંબઈ | 1969 | મુંબઈ | 
| 1936 | મુંબઈ | 1970 | મુંબઈ | 
| 1937 | નવાનગર | 1971 | મુંબઈ | 
| 1938 | હૈદરાબાદ | 1972 | મુંબઈ | 
| 1939 | બંગાળ | 1973 | મુંબઈ | 
| 1940 | મહારાષ્ટ્ર | 1974 | કર્ણાટક | 
| 1941 | મહારાષ્ટ્ર | 1975 | મુંબઈ | 
| 1942 | મુંબઈ | 1976 | મુંબઈ | 
| 1943 | વડોદરા | 1977 | મુંબઈ | 
| 1944 | પશ્ચિમ ભારત | 1978 | કર્ણાટક | 
| 1945 | મુંબઈ | 1979 | દિલ્હી | 
| 1946 | હોળકર | 1980 | દિલ્હી | 
| 1947 | વડોદરા | 1981 | મુંબઈ | 
| 1948 | હોળકર | 1982 | દિલ્હી | 
| 1949 | મુંબઈ | 1983 | કર્ણાટક | 
| 1950 | વડોદરા | 1984 | મુંબઈ | 
| 1951 | હોળકર | 1985 | મુંબઈ | 
| 1952 | મુંબઈ | 1986 | દિલ્હી | 
| 1953 | હોળકર | 1987 | હૈદરાબાદ | 
| 1954 | મુંબઈ | 1988 | તામિલનાડુ | 
| 1955 | ચેન્નાઈ | 1989 | દિલ્હી | 
| 1956 | મુંબઈ | 1990 | પં. બંગાળ | 
| 1957 | મુંબઈ | 1991 | હરિયાણા | 
| 1958 | વડોદરા | 1992 | દિલ્હી | 
| 1959 | મુંબઈ | 1993 | પંજાબ | 
| 1960 | મુંબઈ | 1994 | મુંબઈ | 
| 1961 | મુંબઈ | 1995 | મુંબઈ | 
| 1962 | મુંબઈ | 1996 | કર્ણાટક | 
| 1963 | મુંબઈ | 1997 | મુંબઈ | 
| 1964 | મુંબઈ | 1998 | |
| 1965 | મુંબઈ | 1999 | કર્ણાટક | 
| 1966 | મુંબઈ | 2000 | મુંબઈ | 
| 1967 | મુંબઈ | 2001 | વડોદરા | 
| 1968 | મુંબઈ | 2002 | રેલવે | 
સિમલામાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળના વડા સિકન્દર હયાતખાનના અધ્યક્ષપદે એક બેઠક યોજાઈ, જેમાં મંડળના માનાર્હ મંત્રી ઍન્થની ડિ’મેલોએ રણજી ટ્રૉફી માટે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા યોજવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો સર્વાનુમતે સ્વીકાર થયો અને એ માટે પતિયાળાના મહારાજા ભૂપેન્દ્રસિંહબહાદુરે મહાન ક્રિકેટર જામ રણજિતસિંહજીની સ્મૃતિમાં સોનાની રણજી ટ્રૉફી એનાયત કરવાની ઘોષણા કરી હતી, જેની કિંમત અંદાજે 500 પાઉન્ડની હતી. રાષ્ટ્રીય ક્રિકેટ-વિજેતા ટીમને રણજી ટ્રૉફીની પ્રતિકૃતિ આપવાનો નિર્ણય લેવાયો હતો.
તદનુસાર, રણજી ટ્રોફી માટેની સૌપ્રથમ મૅચ 4થી નવેમ્બર 1934ના રોજ ચેન્નાઈ ખાતે ચેન્નાઈ અને મૈસૂર વચ્ચે રમાઈ હતી. એક જ દિવસમાં પૂરી થયેલી આ મૅચમાં મૈસૂરના બે દાવ પૂરા થયા હતા અને ચેન્નાઈએ એક જ દાવ લઈને 1 દાવ, 23 રને વિજય મેળવ્યો હતો. એ વર્ષની ફાઇનલમાં મુંબઈએ નૉર્ધર્ન ઇન્ડિયાને 208 રને હરાવીને સૌપ્રથમ રણજી ટ્રોફી-વિજેતા બનવાનું માન મેળવ્યું હતું.
1934–35થી 1956–57 સુધી રણજી ટ્રોફીની મૅચો નૉકઆઉટ-પદ્ધતિથી (એટલે કે હારેલી ટીમ સ્પર્ધામાંથી બહાર નીકળી જાય) રમાતી હતી. પરંતુ 1957–58માં રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાના માળખામાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા. સ્પર્ધા માટે મંડળ સાથે સંલગ્ન સંઘોને પાંચ વિભાગોપૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં વહેંચવામાં આવ્યા હતા અને દરેક વિભાગમાં શરૂઆતમાં લીગ-પદ્ધતિથી (દરેક ટીમ બીજી ટીમ સામે રમે) મૅચો રમાવાની શરૂઆત થઈ અને દરેક વિભાગની ટોચની બે ટીમો પૉઇન્ટ એટલે કે ગુણના આધારે નૉકઆઉટ તબક્કામાં રમેએવું માળખું ઘડાયું હતું. લીગ-પદ્ધતિમાં વિજય કે ડ્રૉ માટે પૉઇન્ટ આપવાનું નક્કી થયું હતું.
રણજી ટ્રોફી ક્રિકેટ-સ્પર્ધાના માળખામાં વધુ સુધારા અમલમાં આવતાં તેમાં વન-ડે મૅચ પણ દાખલ કરવામાં આવી. આમ તો રણજી ટ્રોફીની મૅચ પાંચ દિવસની હોય છે – જે ચાર દિવસની બની.
1934–35માં સૌપ્રથમ રણજી ટ્રોફી જીતનારા મુંબઈએ 1999–2000 સુધીમાં 33 વાર રણજી ટ્રોફી જીતી છે. મુંબઈએ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધામાં પોતાનું વર્ચસ્ જાળવી રાખતાં 1958–59થી 1972–73 સુધીમાં લાગલગાટ 15 વાર રણજી ટ્રોફી જીતી હતી.
જગદીશ બિનીવાલે
