રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા હતા અને જુલાઈ 1896માં માન્ચેસ્ટર ખાતે ઓલ્ડટ્રૅફર્ડના મેદાન પર પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ પ્રવેશ કરતાં બીજા દાવમાં શાનદાર સદી ફટકારતાં તેમણે અણનમ 154 રન નોંધાવ્યા હતા. 1897માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં સિડની ખાતે પ્રથમ ટેસ્ટમાં ફરીથી શાનદાર સદી ફટકારતાં તેમણે 175 રનનો તેમનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો.
ઇંગ્લૅન્ડમાં જામ રણજિતસિંહજીને ‘પ્રિન્સ’ તરીકે સંબોધન થતું હતું. તેમના પિતાશ્રીનું નામ જીવણસિંહજી હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં વિદ્યાભ્યાસ દરમિયાન એક અંગ્રેજ ચેસ્ટર મૅગ્નેટને તેમને ક્રિકેટાભિમુખ કર્યા અને 16 વર્ષની નાની વયે તેઓ ઇંગ્લૅન્ડ રવાના થયા.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમની ક્રિકેટની રમત પર તો અંગ્રેજો પણ આફરીન બની ગયા હતા. પ્રિન્સ રણજિતસિંહ મૅચ પર મૅચમાં સદીઓ ફટકાર્યે જાય – એની અંગ્રેજો કલ્પનાયે કરી શકતા નહોતા.
કેમ્બ્રિજ ‘બ્લૂ’ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. છતાં 1896માં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમમાં તેમના સમાવેશ બાબતે લૉર્ડ હૅરિસે વાંધો લીધો હતો.
જામ રણજિતસિંહ એક આક્રમક જમોડી બૅટ્સમૅન હોવા ઉપરાંત પ્રસંગોપાત્ત બૉલર અને સ્લિપના સ્થાનના ચુનંદા ફીલ્ડર હતા.
ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપમાં સસેક્સ કાઉન્ટી ક્લબ તરફથી પ્રથમ જ વાર રમતાં એમ.સી.સી. સામે લૉર્ડ્ઝ પર તેમણે 77 અને 150 રન નોંધાવ્યા હતા. આ ચૅમ્પિયનશિપની તેમની 12 મોસમોમાં તેમણે દરેકમાં કુલ રન 1,000થી વધુ નોંધાવ્યા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં અણનમ 285 રનનો તેમનો સર્વોચ્ચ જુમલો હતો, જે તેમણે 1901માં ટૉન્ટન ખાતે સમરસેટ સામે નોંધાવ્યો હતો. પાંચ મોસમ સુધી સસેક્સના તેઓ કપ્તાન રહ્યા હતા. 1920 સુધી તેઓ સસેક્સ તરફથી રમ્યા હતા. એ પછી એક શિકાર-સમયે દુર્ઘટનામાં રણજિતસિંહજીએ પોતાની એક આંખ ગુમાવી હતી.
1895માં તેમણે સસેક્સ માટે રમવાનો પ્રારંભ કર્યો ત્યારથી તેઓ ક્રિકેટ-ક્ષેત્રે ઝળકી ઊઠ્યા. ઇંગ્લૅન્ડ વતી રમવાનો આરંભ તેમણે 1896માં કર્યો અને ઑસ્ટ્રેલિયા સામેની પહેલવહેલી મૅચમાં તેમણે 62 અને 154 (અણનમ) રન નોંધાવ્યા. એ વર્ષે તેમણે પ્રથમ કક્ષાની મૅચમાં 57.92 રનની સરેરાશથી 2,780 રન નોંધાવ્યા અને એ રીતે ડબ્લ્યૂ. જી. ગ્રેસનો સીઝન-સરેરાશનો વિક્રમ તેઓ વટાવી શક્યા.
1898ની સીઝન તેઓ ચૂકી ગયા. પરંતુ 1899થી 1901ની એક પછી એક તમામ સીઝનોમાં તેમણે પોતાનું પ્રભુત્વ દાખવ્યું અને 63.18 રનની સરેરાશથી 3,159 રન; 87.57 રનની સરેરાશથી 3,065 રન તેમજ 70.51 રનની સરેરાશથી 2,468 રન નોંધાવ્યા. 1894થી 1903 સુધી તેમણે સસેક્સનું કપ્તાનપદ સંભાળ્યું, પણ 1904 પછી પૂરા સમય માટે ક્રિકેટ રમવાનું છોડી દીધું. 1908 અને 1912માં ઇંગ્લૅન્ડ પાછા આવ્યા ત્યારે સીઝનમાં અમુક સમય રમતા રહ્યા.
1907માં તેઓ નવાનગરના મહારાજા બન્યા અને તે પછી રાજકારભારમાં પ્રવૃત્ત બની ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેઓ લીગ ઑવ્ નેશન્સ ખાતે પ્રતિનિધિ તરીકે ગયા હતા.
તેમની યાદમાં રણજી ટ્રૉફી 1934માં શરૂ કરવામાં આવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1896 –1902 : 15 ટેસ્ટ, 44.95 રનની સરેરાશથી 985 રનનો જુમલો : બે સદીઓ, એક દાવમાં સૌથી વધુ જુમલો 175, 1 વિકેટ, 13 કૅચ. (2) પ્રથમ કક્ષાની મૅચ 1893–1920 : 56.37 રનની સરેરાશથી 24,692 રન; 72 સદીઓ, એક દાવમાં સૌથી વધુ જુમલો 285 (અણનમ); 34.59 રનની સરેરાશથી 133 વિકેટો; ઉત્તમ ગોલંદાજી 53 રનમાં 6 વિકેટો, 233 કૅચ.
ઇંગ્લૅન્ડ તરફથી 15 ટેસ્ટમૅચોમાં રમીને 44.95ની બૅટિંગ સરેરાશથી બે સદીઓ સાથે તેમણે કુલ 989 રન નોંધાવ્યા હતા અને 1 વિકેટ તથા 13 કૅચ ઝડપ્યાં હતાં.
1972ની 10મી સપ્ટેમ્બરે ભારતે જામ રણજિતસિંહજીની જન્મશતાબ્દીની ઉજવણી કરી હતી. ભારતીય ટપાલખાતાએ એ પ્રસંગની સ્મૃતિમાં રણજિતસિંહજીની મશહૂર ‘લેગ-ગ્લાન્સ’ની છટાને કંડારતી એક ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.
જગદીશ બિનીવાલે
મહેશ ચોકસી