રઝવી, મસૂદ હસન (જ. 1893, જિ. ઉન્નાવ, લખનઉ; અ. 1975, લખનઉ) : ઉર્દૂ સાહિત્યના સંતુલિત કાવ્ય-સમીક્ષક અને લેખક. તેમણે ‘અદીબ’ ઉપનામ રાખેલું. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉચ્ચશિક્ષણ અર્થે લખનઉ આવ્યા અને 1918માં લખનઉની કેનિંગ કૉલેજમાંથી બી.એ. થયા. ફારસી સાથે એમ.એ. કર્યું. તેમાં પ્રથમ કક્ષા અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. 1920માં લખનઉ યુનિવર્સિટીમાં ફારસીના અધ્યાપક તરીકે નિમાયા. પછી ઉર્દૂ તેમજ ફારસીના પ્રાધ્યાપક અને ત્યારબાદ તે જ વિભાગના વડા તરીકે 1954માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ ભાષાસાહિત્ય અને કાવ્યશાસ્ત્ર પર કામગીરી કરતા રહ્યા.
તેમને પુસ્તકો વસાવવાનો ભારે શોખ હોવાથી તેમની અંગત લાઇબ્રેરીમાં ઘણા મૂલ્યવાન અને અલભ્ય ગ્રંથો ઉપરાંત સંખ્યાબંધ હસ્તપ્રતો સચવાઈ હતી. તેનો લાભ અનેક સંશોધકો તથા જ્ઞાનપિપાસુઓએ લીધો હતો. ઉચ્ચશિક્ષણમાં અનિવાર્ય પાઠ્યપુસ્તક ગણાતો અને ઉર્દૂ કવિતાની ઉત્કૃષ્ટ સર્જનાત્મક શક્તિનું નિરૂપણ કરતો તેમનો ગ્રંથ ‘હમારી શાયરી’ અતિ લોકપ્રિય છે. તેની 20 જેટલી આવૃત્તિઓ પ્રગટ થઈ છે. આ ગ્રંથથી તેમને ઉર્દૂ સાહિત્યના કાવ્ય-સમીક્ષક તરીકે પ્રસિદ્ધિ મળી.
લખનઉ શહેર ઉર્દૂ-કાવ્યપ્રકાર મરસિયાનું કેન્દ્ર મનાય છે. નવાબી પ્રોત્સાહનને કારણે તે પ્રકારનો સારો એવો વિકાસ સધાયો. મરસિયાના ઉદભવ, વિકાસ તેમજ તેની લાક્ષણિકતાની બાબતમાં તેમણે પ્રશંસનીય નિબંધો આપ્યા છે.
લખનઉમાં નવાબી શાસનકાળ દરમિયાન ‘સ્ટેજ ડ્રામા’ને નવાબ તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું અને તેને સારી એવી લોકપ્રિયતા સાંપડી હતી. ‘ઇન્દ્રસભા’ સ્ટેજનાટક ખૂબ ખ્યાતનામ બનેલું. અદીબે પણ ‘લખનઉ કા અવામી સ્ટેજ’ અને ‘લખનઉ કા શાહી સ્ટેજ’ નામક ઉર્દૂ નાટકને નોંધપાત્ર ફાળો આપતા બે ગ્રંથો ઉર્દૂ સાહિત્યને આપ્યા છે. તે ઉપરાંત તેમણે ઉર્દૂ લિપિનાં સૌંદર્યશાસ્ત્ર અને મહત્વ વિશે ‘ઉર્દૂ ઝબાન ઔર ઉસકા રસ્મીખત’ નામક ગ્રંથ આપ્યો છે. આમ નાટક અને મરસિયા તેમનાં મુખ્ય ક્ષેત્રો હતાં.
‘ઝિક્રેમીર’; ‘રૂહે અનીસ’; ‘ઇન્દ્રસભા’; ‘દીવાને ફાઇઝ’ જેવાં તેમનાં કેટલાંક પાઠ-સંપાદનો ખૂબ સાદા અને સરળ ભાષાપ્રયોગને કારણે વિદ્યાર્થી જગતમાં અતિ લોકપ્રિય બન્યાં છે.
તેમના અવસાન બાદ, ‘અનિસ્યાત’, ‘વાજીદઅલી શાહ’ અને ‘મદ્રસે રેખ્તા’ નામક ત્રણ ગ્રંથો પ્રગટ થયા હતા.
ઉર્દૂ સંશોધનનું ધોરણ ઊંચું લાવવા તે જીવન પર્યંત પ્રયત્નશીલ રહ્યા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા