રઝા, સૈયદ હૈદર (જ. 1922, બબારિયા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણથી ધ્યાનની સાધના કરી અને 8 વરસની ઉંમરથી બિંદુ પર એકાગ્રતા કરવાનો પ્રયત્ન કર્યો. બાળપણ વીત્યું તે ગામ કકઈયા ચોમેર પહાડો ને ગીચ જંગલોથી વીંટળાયેલું હતું. આ જંગલોમાં ગોન્ડના ઢોલના તાલે પણ બાળ રઝા આકર્ષાયો. આમ પ્રકૃતિ, ધ્યાન, યોગ અને ગોન્ડના તાલ રઝાની ભવિષ્યમાં સર્જાનારી કલાનાં મૂળતત્વ બની રહ્યાં.

સૈયદ હૈદર રઝા

1939થી 1942 સુધી નાગપુરની નાગપુર સ્કૂલ ઑવ્ આર્ટમાં તથા 1946થી 1948 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે કલાભ્યાસ કર્યો. ફ્રૅંચ સરકારની સ્કૉલરશિપ મળતાં પૅરિસની ઈકોલ નૅશનાલે દ બ્યુ આર્ટ (Ecole Nationale des Beauy Art) ખાતે  કલાભ્યાસ કર્યો.

રઝાની પુખ્ત કલામાં નિસર્ગ, યોગ અને ધ્યાન માટેના આલેખો, બિંદુ અને ભૌમિતિક આકૃતિઓનો સમન્વય જોવા મળે છે. આ કલામાં મૂળભૂત અને ઘેરા રંગોનો ઉપયોગ દર્શકમાં આદિમ ભાવ જગાડે છે. આ ઉપરાંત રઝાએ લિંગ અને યોનિના આકારોનો ઉપયોગ કરી નવતાંત્રિક શિલ્પ પણ સર્જ્યાં છે.

રઝાએ નૉર્વેમાં ઑસ્લો (1980), સ્વિટ્ઝર્લૅન્ડમાં બર્ન (1982), મુંબઈ (1984, 1988 અને 1990), પૅરિસ (1984) તથા નૉર્વેમાં સ્ટૅવેન્જર (Stavenger) ખાતે (1988) પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે.

રઝાનાં સમૂહ-પ્રદર્શનો નીચે મુજબ છે : વેનિસ (દ્વિવાર્ષિક) (1956); પૅરિસ (દ્વિ-વાર્ષિક) (1957); સાઓ પાઓલો (1958); અને બ્રુજેસ (દ્વિ-વાર્ષિક) (1958); મોરૉક્કો (દ્વિ-વાર્ષિક) (1963); મેન્ટન (દ્વિ-વાર્ષિક) (1964); કૉમનવેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કૉમનવેલ્થ એક્ઝિબિશન, લંડન (1964); કૉપનહેગન, ડેન્માર્ક (1981), ઇન્ટરનૅશનલ આર્ટ એક્ઝિબિશન, સ્ટૉકહોમ, ડેન્માર્ક (1982); મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ ખાતે ‘ઇન્ડિયા : મિથ ઍન્ડ રિયાલિટી’, ઑક્સફર્ડ (1982); ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયાના ભાગ રૂપે ‘સેન્ટર નૅશનલ દ આર્ટ પ્લાસ્ટિક્સ’ ખાતે ‘ઇન્ડિયન આર્ટિસ્ટ્સ ઇન ફ્રાન્સ’, પૅરિસ (1982); ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયાના ભાગ રૂપે ‘કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ’, ન્યૂયૉર્ક ખાતે (1986); ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયાના ભાગ રૂપે ‘ઇન્ડિયન આર્ટ ટુડે’, વૉશિંગ્ટન ડી.સી. ખાતે (1986); ભારત કલા ભવન, ભોપાલ ખાતે (1986), ‘કુપ્સ દ કુએ’, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે (1987), અને ‘મેંઇસોં દ લ કુલ્તુરે’, એસ્પેસ આન્દ્રે માલ્રો, રિમ્સ, ફ્રાન્સ ખાતે (1988).

1956માં પૅરિસના ‘પ્રિ દ લ ક્રિતિક’, 1981માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી તથા 1983માં કેન્દ્રીય લલિત કલા અકાદમીની ફેલોશિપ જેવાં સન્માન તેમને સાંપડ્યાં છે.

અમિતાભ મડિયા