રજબઅલીખાં (જ. 3 સપ્ટેમ્બર 1874, નરસિંગગઢ; અ. 1 ઑગસ્ટ 1959, દેવાસ) : કવ્વાલ બચ્ચા ઘરાનાના પ્રતિભાવાન ગાયક. તેઓ મધ્યપ્રદેશમાં આવેલ દેવાસ ગામના વતની હતા. પિતાનું નામ મુગલુખાં. મુગલુખાં બડે મોહંમદખાંના શિષ્ય હતા.

રજબઅલીખાં
રજબઅલીખાંને સંગીતસાધક પિતા પાસેથી સંગીતના સંસ્કારો વારસામાં મળ્યા હતા. બાલ્યકાળથી જ તેમને પિતા પાસેથી સંગીતની તાલીમ મળી. ખ્યાતનામ બીનવાદક ઉસ્તાદ બંદેઅલીખાં પાસેથી તેમણે રુદ્રવીણા અને બંદેઅલીખાંનાં પત્ની ચુન્નાબાઈ પાસેથી ગાયનની શિક્ષા લીધી. તે પછી કોલ્હાપુરના મહારાજા શાહુ મહારાજ તેમને પોતાની સાથે કોલ્હાપુર લઈ ગયા. તેમની કૃપાથી રજબઅલીખાંને સંગીતની ઉચ્ચકોટિની શિક્ષા પ્રાપ્ત કરવાની તક મળી.
દસ-બાર વર્ષની નાની ઉંમરમાં જ તેઓ સરસ ગાતા થયા હતા. આવી નાની ઉંમરમાં જ તેમણે નેપાળ જઈ સંગીતસભામાં જલતરંગ વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દેવાસના મહારાજા મલ્હારરાવ પવારને પોતાના જ નગરનો તેજસ્વી ગાયક કોલ્હાપુરમાં હોવાની જાણ થઈ અને મહારાજાએ તેમને પુન: દેવાસ બોલાવી માનપૂર્વક દરબારી ગાયક તરીકે નીમ્યા અને પોતે તેમના શિષ્ય બન્યા.
રજબઅલીખાં ચોમુખી ગાયક હતા. ખયાલ ઉપરાંત ધ્રુપદ, ધમાર અને ટપ્પાની એમની રજૂઆત પણ આકર્ષક હતી. સુરીલી અને તૈયાર તાનો એ તેમની વિશેષતા હતી. સફાઈદાર વેગવાન તાનો પર તેમની વિશેષ પકડ હતી. વૈવિધ્યપૂર્ણ, કલાપૂર્ણ અને બહારદાર તાનો માટે તેઓ પ્રસિદ્ધ હતા. ચોર્યાશી વર્ષની ઉંમરમાં પણ એટલી જ તાકાતથી તેઓ તાનો રજૂ કરતા હતા. વિશેષ કરીને કબીરસાહેબનાં ભજનો તેઓ તન્મયતાથી ગાતા હતા.
રજબઅલીખાં ઉદાર, નિર્ભીક, સ્વાભિમાની અને ન્યાયપ્રિય હતા. મહારાષ્ટ્રમાં લોકો તેમને ‘દક્ષિણ કા શેર’ કહેતા હતા.
ઉસ્તાદ રજબઅલીખાંએ રામપુર, મુંબઈ, લખનઉ, કોલકાતા, વડોદરા, અલ્લાહાબાદ, બનારસ, ઇન્દોર વગેરે નગરોમાં વિશાળ સંગીતસભાઓમાં ગાયન રજૂ કરી સંગીતક્ષેત્રમાં ઊંચું સ્થાન મેળવ્યું.
એમને અનેક ઉપાધિઓ પ્રાપ્ત થઈ. 1909માં મૈસૂરના મહારાજા દ્વારા ‘સંગીતભૂષણ’, 1930માં બનારસ મહામંડળ દ્વારા ‘સંગીતમનોરંજન’ અને 1931માં મ્યૂઝિકલ આર્ટ સોસાયટી ઑવ્ મુંબઈએ ‘સંગીતસમ્રાટ’ની ઉપાધિઓથી એમને વિભૂષિત કર્યા. 1954માં પણ તેમને ‘સંગીતસમ્રાટ’ની ઉપાધિ મધ્યભારત કલા પરિષદ, ગ્વાલિયર દ્વારા એનાયત થઈ હતી. તે જ વર્ષે સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ પણ તેમને મળ્યો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે એમનું જાહેર સન્માન કરી તેમને પુરસ્કાર પ્રદાન કર્યો હતો. ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો.
તેમની શિષ્યપરંપરા વિશાળ છે. એમાં દેવાસના રાજા મલ્હારરાવ પવાર તથા મહારાણી કૃષ્ણાબાઈ, રોશનઆરા બેગમ, જ્યોતિરામ, મોતીરામ, ગણપતરાવ બહેરેબુવા, નિવૃત્તિબુવા સરનાઈક, અમાનતખાં, અમીરખાં, ગણપતરાવ દેવાસકર, કૃષ્ણરાવ શુક્લ, ગૌતમાનંદ, માસ્ટર દીનાનાથ આદિનો સમાવેશ થાય છે. કોકિલકંઠી લતા મંગેશકર પણ એમનાં શિષ્યા છે.
એમના પુત્ર રાજનખાં રુદ્રવીણા, જલતરંગ તથા ગાયનમાં નિપુણ છે.
એમનું સ્મારક (મકબરો) દેવાસની પહાડીની તળેટીમાં બનાવેલ છે. દેવાસ નગરપાલિકાએ એમના નામ પર એક ‘માર્ગ’ બનાવીને એમના પ્રત્યેની પોતાની સન્માનભાવના વ્યક્ત કરી છે.
નીલિમા દર્શન પરીખ